દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની સજા સુરતની જેલમાં ભોગવી રહેલા નારાયણ સાંઇને તેના પિતા આસારામને મળવા માટે ગુજરાત હાઇકોર્ટે ફક્ત ચાર કલાક માટે શરતી જામીન આપ્યા છે.
આખરે 11 વર્ષ બાદ સાઈ તેના બીમાર પિતા આસારામ ને જોધપુરની જેલમાં મળી શકશે. નારાયણ સાંઈની અરજી ઉપર ચુકાદો આપતા જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ એસ.વી.પિન્ટોની ખંડપીઠે જ નારાયણ સાંઇ પર આકરા નિયંત્રણો લાદયા છે. અરજદાર સાથે એક એસીપી, એક પીઆઇ, બે હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલનો એસ્કોર્ટ રહેશે. કોર્ટના આદેશ મુજબ નારાયણ સાંઇએ પિતા સાથેની આ મુલાકાતના ખર્ચ પેટે રૂ. પાંચ લાખ સરકારી તિજોરીમાં જમા કરાવવા પડશે. આ સમગ્ર મુલાકાત દરમ્યાન જોધપુર જેલ ઓથોરીટીએ નારાયણ સાંઇ સિવાય અન્ય કોઇને પણ એટલે કે, તેની માતા, બહેન કે અન્ય કોઇપણ વ્યકિતને આસારામને મળવા દેવાની છૂટ આપવાની રહેશે નહી.
- Advertisement -
હાઇકોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતોમાં વધુમાં જણાવ્યું કે, આ રકમ જમા થયા બાદ સંબંધિત સત્તાવાળાઓએ સાત દિવસમાં આસારામને મળવા જવાની બધી વ્યવસ્થા કરવાની રહેશે. નારાયણ સાઁઇને સુરતની લાજપોર જેલમાંથી સીધો જ ફલાઇટ મારફતે રાજસ્થાનની જેલમાં લઇ જવામાં આવે અને જયાં તે તેના પિતા આસારામને માત્ર ચાર કલાક માટે જ મળી શકશે. નારાયણ સાંઇ અને આસારામની મુલાકાત દરમ્યાન અન્ય કોઇ ત્રીજી વ્યકિત ત્યાં હાજર રહી શકશે નહી.
નારાયણ સાંઇની તેના પિતા સાથેની ચાર કલાકની મુલાકાત પૂર્ણ થાય એટલે તેને સીધો જ તરત જ ફલાઇટ મારફતે સુરતની લાજપોર જેલમાં શકય એટલો વહેલી તકે લાવી દેવાનો રહેશે. મુલાકાતનો દિવસ અને સમયની બાબત સત્તાવાળાઓ નક્કી કરી શકશે. નારાયણ સાંઇને જોધપુર જેલમાં તેના પિતાને મળાવી દીધા બાદ સુરત લાજપોરમાં પરત લાવ્યા પછી સમગ્ર રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવાનો રહેશે. રજિસ્ટ્રીએ આ હુકમ અંગે ફેક્સ અથવા ઇમેલ મારફતે જેલ ઓથોરીટીને જાણ કરવાની રહેશે.