150 કિલો જલેબી, 125 કિલો સાટા અને 100 કિલો ચોળાફળીનું રાહત ભાવે વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
ચોટીલામાં દશેરાના દિવસે રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા રાહત દરે જલેબી, સાટા અને ચોળાફળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોટીલા પંથકમાં છેલ્લા વીસ વર્ષથી સેવાકીય પ્રવુતિઓ કરતી સંસ્થા દ્વારા દશેરાના દિવસે મધ્યમ વર્ગીય પરિવારો માટે રાહત દરે મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. રોજ બરોજ વધી રહેલા તેલ, બેસન સહિત જીવન જરૂરી વસ્તુઓના ભાવના કારણે સામાન્ય પરિવારોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે ત્યારે ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારોને તહેવારો ઉજવવા મુશ્કેલી ના પડે તે વાત ને ધ્યાને રાખીને ચોટીલાના સેવા ભાવી લોકોના માર્ગદર્શનથી રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં પ્રથમ વાર રાહત દરે જલેબી, ચોળાફળી અને મીઠા સાટાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ બજારમાં જલેબી 160 રૂપિયાથી 200 રૂપિયા સુધી, ચોળાફળી 300 રૂપિયા થી 400 રૂપિયા સુધી અને મીઠા સાટા 150 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી વેચાય છે ત્યારે સંસ્થા દ્વારા ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મીઠા સાટા તથા જલેબી ફકત 100 રૂપિયા કિલો અને ચોળાફળી ફકત 200 રૂપિયા કિલો લોકોને રાહત ભાવે વિતરણ કરવામાં આવી હતી.
- Advertisement -
દશેરાના દિવસે સવારે 09 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી ચાલેલા આ વિતરણ કાર્યક્રમમાં રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીનખાન પઠાણ, મેહુલભાઈ ખંધાર, જીતેન્દ્રસિંહ જાડેજા નિમિત્ત માત્ર સેવા અભિયાનના ડો.પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા, નિરાલીબેન ચૌહાણ, ગીતાબેન વાઘેલા, મોઈનખાન પઠાણ, તસ્લીમબેન પટેલ સહિત ચોટીલા નિવૃત્ત સરકારી કર્મચારી મંડળના બળવંતભાઈ ચાવડા, દિલાવરભાઈ મિર્જા, રમેશભાઈ કોબિયા અને અરવિંદભાઈ જોશી સહિતના કનાભાઈ પ્રજાપતિ, ભીખાભાઈ વાઘેલા(ભવાયા), ઋષભભાઈ શાહ, મિતભાઈ વાઘેલા, જેકિભાઈ ઝાલા જેવા સેવાભાવિ લોકોએ આ સતકાર્યને પરીપૂર્ણ કરવા જહેમત ઉઠાવી હતી.