પાણીપુરીના રસિયાઓ ચેતી જજો.
જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ સોનિયા ટ્રેડર્સમાંથી પરિક્ષણ માટે લીધેલ 15 કિલો અમૂલ ઘી નાપાસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રોગચાળાને ફેલાતો અટકાવવા માટે મનપાની ફુડ વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી 183 પાણીપુરીની લારીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પાણીપુરીમાં વપરાતા ખજૂર, ફૂદીના, લસણ સહિતના પાણીપુરીના 26 પાણીના અલગ અલગ સ્થળોએ શંકાસ્પદ જણાતા નમૂના લેવાયા હતા અને 30 કિલો વાસી બટેટાનો નાશ કરાયો હતો. ઉપરાંત જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ સોનિયા ટ્રેડર્સ 5 જૂલાઈના રોજ ચેકિંગ દરમ્યાન શંકાસ્પદ જણાયેલું 15 કિલો અમૂલ ઘી પરિક્ષણ અર્થે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું જે નાપાસ થયું હતું.
મનપાની ફુડ વિભાગ ટીમે ક્રિસ્ટલ બેવરેજીસમાંથી બીલકીંગ પેકેજ ડ્રીન્કીંગ વોટર, દાણાપીઠમાં આવેલી નિરમ ટ્રેડર્સમાંથી નેચર સ્મીથ ઓરેગા, બાલાજી માર્કેટિંગ પાસે ગુમાનસિંહજી શોપિંગ સેન્ટરમાંથી સરવાર ઓરેગા અને આનંદનગર પાસે આવેલ શિવશક્તિ એજન્સીમાંથી મેડિટેરિયન ઓરેગા શંકાસ્પદ જણાતા નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી, તેમજ લલ્લુડી વોંકળી, 150 ફૂટ રીંગ રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, કાલાવાડ રોડ, નાના મવા રોડ, ભક્તિનગર સર્કલ સહિત 183 સ્થળોએ પાણીપુરીનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઈઝીનીક કંડીશન બાબત, કોવિડ ગાઈડલાઈનની ચકાસણી અને પૂરીને તળવા માટે વપરાયેલ ખાદ્ય તેલની ટીપીસી વેલ્યુ ચકાસવામાં આવેલ હતી. આ દરમિયાન 30 કિલો જેટલા વાસી બાફેલા બટેટાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને ફુદીનાનું પાણી, ખજૂરનું પાણી, આમલીનું પાણી, લસણ સહિતના પાણીપુરીઓના શંકાસ્પદ જણાતા તેના નમૂના લેવામાં આવ્યા હતા.