સંગીત નાટક અકાદમી અને નવરંગ સંસ્થા દ્વારા આયોજન સંપન્ન
નવરંગ સંસ્થાનો સ્થાપના દિવસ ઉજવાયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાના સંયુકત ઉપક્રમે ગાંધી સ્મૃતિ ભવન પોરબંદર ખાતે “મોહનથી મહાત્મા” સુગમ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરમાં સાહિત્ય, સંગીત, નાટય, નૃત્ય, ચિત્ર વગેરે નવ જેટલી કલાઓને ઉજાગર કરવાના હેતુ સાથે બીજી ઓક્ટોબર 2022ના રોજ પોરબંદરમાં નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા બે વર્ષમાં સાહિત્ય અને સંગીત ઉપરાંત ચિત્ર પ્રદર્શન, નાટક, નૃત્ય વગેરે અનેક કાર્યક્રમોના ભવ્ય આયોજન કરીને પોરબંદરની ધરતીમાં છુપાયેલી વિવિધ કલાને ઉજાગર કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવ્યો છે.
બીજી ઓક્ટોબરના રોજ નવરંગ સંસ્થાના સ્થાપના દિવસ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસના સુંદર સમન્વય સાથે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને નવરંગ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગાંધી થીમ ઉપર “મોહનથી મહાત્મા” સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અને સુગમ સંગીતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુગમ સંગીત, ગાંધી કવિતાઓનું પઠન, ગાંધી પદોનું ગાયન, ગાંધી ધૂન પર નૃત્ય, અને ગાંધી વિચારો પર વક્તવ્ય સહિત અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધી પ્રસંગો ઉપર યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને સન્માન પત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતીય બેઠક વ્યવસ્થા રાખવામાં આવી
બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મ દિવસ હોવાથી આ કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થામાં ખુરશીઓની જગ્યાએ પૂજ્ય બાપુને પ્રિય એવા સાદગીના હેતુ સાથે નીચે ગાદલાંઓ પર તમામ લોકો માટે ભારતીય પદ્ધતિની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. “મોહનથી મહાત્મા” આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાહિત્ય રસિકો અને ગાંધી પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાના પ્રમુખ લાખણશી ગોરાણીયા, મંત્રી ડો. સ્નેહલ જોશી, સંયોજક દુષ્યત પરમાર, નિધી શાહ, સહ સંયોજક લાખણશી આગઠ, સુનિલ મોઢા, જય પંડ્યા, સંજય માળી અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
- Advertisement -