ગુરૂવારથી નવરાત્રિનો પ્રારંભ: ખેલૈયાઓનો થનગનાટ ચરમસીમાએ: ગરબાના પડઘમ વાગ્યા
મધર-ડોટર, કપલ ડ્રેસ સહિત અન્ય ફેન્સી ઘેરદાર ચોળીની ભારે બોલબાલા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રિ આવતાં જ ખેલૈયાઓના હૈયાઓમાં થનગનાટ વધી રહ્યો છે. નવરાત્રિને માત્ર હવે એક જ દિવસ આડો રહ્યો છે ત્યારે રંગીલા રાજકોટના ખેલૈયાઓની તો વાત જ શી કરવી! બજારોમાં વિવિધ ડિઝાઈનની ચણીયા-ચોળી અને પરંપરાગત વસ્ત્રોની તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ખેલૈયાઓ દર વર્ષની જેમ પરંપરાગત પોષાક અને નવી ફેશન, પેટર્નને લઈને ઉત્સાહી હોય છે. બજારમાં ચણીયા-ચોળીની વિવિધ વેરાયટીઓ આવી છે ત્યારે રાજકોટના બજારની વાત કરવામાં આવે તો રંગીલા શહેરમાં 2000થી લઈને 25000 સુધીની ચણીયા-ચોળીનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને ચણીયા-ચોળીમાં હેન્ડમેડ વર્ક- મિરર વર્ક અને કચ્છી વર્ક કરવામાં આવે છે જેથી રાજકોટની ચણીયા-ચોળી બધાંથી અલગ પડે છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ અમદાવાદ, સુરત, વડોદરામાં પણ હેવી ચણીયા-ચોળી પહેરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, ઉપરાંત મધર-ડોટર અને ફેમીલી ડ્રેસ સહિત અન્ય ફેન્સી ઘેરદાર ચોળીની ભારે બોલબાલા છે.
- Advertisement -
ખેલૈયાઓ અને ખાસ કરીને યુવાન વર્ગના ખેલૈયાઓ નવરાત્રિના દસ દિવસ સુધી અલગ અલગ થીમ પર ગરબા કરવા માટે જાણે કે થનગની રહ્યા હોય તે પ્રકારનો માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે. રાજકોટના અનેક વિસ્તારોમાં નવરાત્રિ દરમિયાન બજારમાં 500થી લઈને 2000 રૂપિયા પ્રતિ દિવસ ભાડા પર નવરાત્રિમાં પહેરી શકાય તેવા અલગ અલગ પ્રકારના ડ્રેસ ભાડે મળી રહ્યા છે. જેમાં કેડિયા, ચણીયા-ચોળી, કળશ ઈંઢોણી કેપ, હેટ કે જે ખાસ નવરાત્રિ માટે તૈયાર કરાયા છે અને ખેલૈયાઓ આ ડ્રેસ પહેરવાથી પોતાની જાતને એક અલગ અંદાજમાં ગરબાના મેદાનમાં રજૂ કરી શકે છે. આ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રાચીન ગરબીમાં જોવા મળે છે સાચી નવરાત્રિની ઝાંખી!
નવરાત્રિને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાચીન ગરબીની સાથે અર્વાચીન રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. રાજકોટની વર્ષો જૂની પ્રાચીન ગરબી હજુ પણ પ્રખ્યાત છે અને મોટી સંખ્યામાં પ્રાચીન ગરબી જોવા લોકોની ભીડ જામતી હોય છે. પ્રાચીન ગરબીમાં નવરાત્રિની ઝાંખી જોવા મળતી હોય છે. કારણ કે તેમાં નાની બાળાઓ પ્રાચીન ગરબા પર ગરબે ઘૂમે છે અને માતાજીની આરાધના કરે છે. રાજકોટમાં પાંચસોથી વધુ સ્થળે યોજાતી ગરબીમાં અર્વાચીન દાંડીયારાસથી વધુ લોકો ભક્તિભાવ સાથે ઉમટી રહ્યા છે અને દરેક ગરબીની એક આગવી વિશેષતા, આગવી કથા હોય છે. જેમાં રાજકોટની પ્રચલિત ગરૂડની ગરબી જે છેલ્લા 127 વર્ષથી રામનાથપરામાં યોજાઈ રહી છે. 1947માં આ ગરબી માટે સુંદરભાઈ નામના એક કારીગરે લાકડાનું ગરૂડ બનાવી આપ્યું હતું અને ત્યારથી ગરૂડની ગરબીએ અનેરૂ આકર્ષણ ઊભું કર્યું છે. આ ઉપરાંત રાજકોટના મવડી ચોક ખાતે દર વર્ષે બજરંગ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. રાજકોટના આ એકમાત્ર એવા ગરબા છે જ્યાં સળગતી ઈંઢોણીનો રાસ કરવામાં આવે છે. શહેરીજનો માટે આ રાસ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે.આ વર્ષે લાઈટવાળા ઘૂમતા માટીના ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર: માટીના ગરબાની માંગ વધી
નવલા નોરતામાં માટીના ગરબાનું અનોખું મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ પંચમહાભૂત કહેવાતી માટીમાં શક્તિનો વાસ હોય છે. આથી નોરતામાં માટીનો ગરબો રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીના આકર્ષક ગરબા બનાવવા પાછળ કુંભાર પરિવારોની એક મહિનાથી વધુની રાત-દિવસની મહેનત હોય છે. નવરાત્રિમાં ઘરે-ઘરે માટીના ગરબાનું સ્થાપન કરવામાં આવે છે ત્યારે નોરતા પૂર્વે રાજકોટની બજારમાં રંગબેરંગી સુંદર ભાતવાળા માટીના છીદ્રોવાળા દેશી ગરબાનું વેચાણ શરૂ થઈ ગયું છે, એટલું જ નહીં પરંતુ ગરબામાં પણ વેરાયટીઓ જોવા મળી રહી છે. જેમાં લાઈટવાળા ગોળ-ગોળ ઘૂમતા માટીના ગરબાએ આકર્ષણ જમાવ્યું છે.