વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74માં જન્મદિવસ નિમિત્તે ઓડિશાના પ્રવાસે
દર વર્ષે મારા જન્મદિવસે હું માતા પાસે આશીર્વાદ લેવા જતો તે મને ગોળ ખવડાવતી, આજે મારી માતા નથી, પરંતુ આ વખતે એક આદિવાસી માતાએ મને ખીર ખવડાવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 74માં જન્મદિવસ નિમિત્તે ઓડિશાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગણેશ પૂજા વિવાદ પર પહેલીવાર નિવેદન આપ્યું હતું. તેમણે ભુવનેશ્વરના જનતા મેદાનમાં કહ્યું કે, સત્તાના ભૂખ્યા લોકો ગણેશપૂજાથી હેરાન છે. કોંગ્રેસ ઇકોસિસ્ટમના લોકો છેલ્લા કેટલાક દિવસોથી નારાજ છે, કારણ કે મેં ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો. આજે અહીં આવતા પહેલા હું એક આદિવાસી પરિવારના ઙખ આવાસ પર ગયો હતો. દર વર્ષે મારા જન્મદિવસે હું માતા પાસે આશીર્વાદ લેવા જતો, તે મને ગોળ ખવડાવતી. આજે મારી માતા નથી, પરંતુ આ વખતે એક આદિવાસી માતાએ મને ખીર ખવડાવી. આ પહેલા મોદીએ સુભદ્રા યોજના પણ લોન્ચ કરી હતી. 800 કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓ સાથે અનેક રેલવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો.
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર: જ્યારે સત્તાની ભૂખથી અંગ્રેજો દેશના ભાગલા પાડવામાં વ્યસ્ત હતા, ત્યારે ભાગલા પાડો અને રાજ કરો તેમનું હથિયાર બની ગયું હતું. ત્યારે લોકમાન્ય ટિળકે ગણેશ ઉત્સવ દ્વારા ભારતના આત્માને જાગૃત કર્યો હતો. તે સમયે પણ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવનારા અંગ્રેજોની નજરમાં ગણેશ ઉત્સવ એક બળતરા સમાન હતો, આજે પણ સમાજમાં ભાગલા પાડો અને તોડવામાં વ્યસ્ત સત્તાના ભૂખ્યા લોકો ગણેશ પૂજાને લઈને હેરાન છે.
મહિલા સશક્તીકરણ પર: ભારતમાં મહિલા સશક્તીકરણનું બીજું પ્રતિબિંબ છે- પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજનાને કારણે નાનામાં નાના ગામડાઓમાં પણ મિલકત મહિલાઓના નામે થવા લાગી છે. કોઈપણ દેશ, કોઈપણ રાજ્ય ત્યારે જ પ્રગતિ કરે છે જ્યારે તેની અડધી વસતી એટલે કે આપણી સ્ત્રી શક્તિ તેના વિકાસમાં સમાન ભાગીદારી ધરાવે છે. તેથી મહિલા સશક્તિકરણમાં વધારો એ ઓડિશાના વિકાસનો મૂળ મંત્ર બનવા જઈ રહ્યો છે.
- Advertisement -
સરકારના 100 દિવસ પર: આજે સરકારના 100 દિવસ છે. આ સમયગાળા દરમિયાન ગરીબો, ખેડૂતો અને યુવાનો માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. હાલમાં જ ડાંગર, તેલીબિયાં અને ડુંગળીના ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશી તેલની આયાત પર ડ્યુટી વધારી દેવામાં આવી છે, જેથી તે દેશના ખેડૂતો પાસેથી ઊંચા ભાવે ખરીદી શકાય. આ સિવાય બાસમતીની નિકાસ પરની ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.