ચાર દિવસના વિરામ બાદ વહેલી સવારથી વરસાદનો પ્રારંભ થતા રસ્તા પર પાણી ફરી વળ્યાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં ચાર દિવસના વિરામ બાદ આજે ( 2 સપ્ટેમ્બર) ફરી વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારનાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક ફરી વળી છે. તેમજ સવારે 9 વાગ્યાથી વરસાદ પડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છે. વોર્ડ નંબર 13માં તોતિંગ વૃક્ષ તૂટી પડતા રિક્ષામાં નુકસાન થયું છે. મનપા દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફરી એક વખત મેઘરાજાએ રાજકોટમાં મુકામ કરતા શહેરીજનોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ, આજે વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. સવારે નાના-મોટા ઝાપટા વરસ્યા બાદ 9 વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક ફરી વળી છે. તો 4 દિવસના વિરામને કારણે કોરા થયેલા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી રહી છે. આ ઉપરાંત દિવસે અંધારું થવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 13માં તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું. ઝાડ તૂટી પડતા નીચે આવેલી રિક્ષાને થયું મોટું નુકસાન થયું છે. ઝાડ હટાવવા માટે મનપાની ટીમ કામે લાગી છે. ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીનાં તહેવારોમાં રાજકોટમાં ચાર દિવસમાં 30 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે શહેરના અનેક રોડ-રસ્તાની હાલત ખરાબ થઈ હતી. રવિવારથી સરકાર દ્વારા યુદ્ધનાં ધોરણે રસ્તાઓનું રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન હવામાન ખાતાની આગાહી મુજબ, આજથી ફરી વરસાદનો પ્રારંભ થયો છે અને આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા હોવાથી શહેરીજનો ચિંતામાં મુકાયા છે. બીજીતરફ ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલા ન્યારી-1 જળાશયનો 1 દરવાજો 0.3 મીટર અને ડોંડી જળાશયના 2 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ન્યારી-1ના હેઠવાસમાં આવેલા ઈશ્વરીયા વોટર સપ્લાય, હરિપર પાળ, વડવાળી વાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપુર, રંગપુર, તરધડી, ગઢીવાળી વજેલી, વેજાગામ, વેજાગામ-વાજડી, વાજડી- વિરડાવાળી તેમજ ડોંડી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના હિદડ, પાંભર ઈટાળા, નાના ઇટાળા, લક્ષ્મી ઇટાળા વગેરે ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
ન્યારી-2 જળાશય પૂર્ણ ભરાતા અગાઉ 2 દરવાજા 0.15 ખોલાયા હતા, જેમાં પાણીની આવક વધતા હાલ 2 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, તરઘડી, વણપરી, રામપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.