ફરિયાદીએ ઉલ્લેખ કરેલા CCTV ફૂટેજ પોલીસ કબ્જે કરતી નથી અને ટટ્ટપુંજિયા આરોપીઓના નિવેદનના આધારે ફરિયાદીને પરેશાન કરે છે
હાઇકોર્ટના જજ નિર્ઝર દેસાઇએ આપેલા આકરા હુકમ અને ટિપ્પણી પછી પણ રાજકોટ પોલીસ કોઇ હિસાબે સુધરતી નથી
- Advertisement -
ફરિયાદી-અશોક સગપરિયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રહીશ અશોકભાઈ ધીરજલાલ સગપરિયાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. ગરચર, તેમના રાઈટર, તેમના કોમ્પ્યુટર ઓપરેટર અને હાજી હબીબ કુરેશી ઉર્ફે અબ્બાસ નામના ગુનાઈત ઈતિહાસ ધરાવતાં શખસ સામે પોલીસ ઑથોરિટીને કરેલી અરજી અને હાઈકોર્ટમાં કરેલી પીટિશન બાદ હાઈકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઈએ પોતાનાં ઓર્ડરમાં આ મેટરને (કોગ્નિઝિબલ) ગંભીર ગણાવી અને ચૂકાદામાં તેમણે રાજકોટના પોલીસ કમિશનરને આસિસ્ટન્ટ કમિશનર દરજ્જાના અધિકારીના માર્ગદર્શનમાં આ ઘટનાની તપાસ કરાવવા અને ચાર અઠવાડિયામાં એફ.આઈ.આર. નોંધવા, ફરિયાદ નોંધવા જેવું ન લાગે તો તેનાં કારણો જણાવવા તાકીદ કરી હતી, જે અનુસંધાને ખાસ-ખબરે તા.5-8-2024ના રોજ એક વિશેષ અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. ન્યાયધિશે આ મામલે એફ.આઈ.આર. નોંધવા માટે કોઈ ના કહે તો અરજદાર ભારતીય ન્યાયસંહિતાની કલમ 223 મુજબ ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું.
મૂળે આ ઘટના મોરબી રોડ પર આવેલી 25 કરોડની કિંમતી જમીન મુદ્દે છે. આ જમીનનાં મૂળ માલીક રહી ચૂકેલા અશોકભાઈ સગપરિયાએ આ જગ્યા કોઈ પાર્ટીને વેંચી નાંખી હતી.પરંતુ સોદો રદ કરાવીને જમીન પચાવી પાડવા પી.એસ.આઈ. ગરચર અને અન્ય અધિકારીઓએ અનેક પ્રકારે ખેલ રચ્યા હોવાનું અરજદારે જણાવ્યું હતું. હાઇકોર્ટના આદેશ બાદ પણ પોલીસે આ મામલે ચલકચલાણું રમવાનું ચાલુ રાખ્યું છે. ફરિયાદ નોંધાવાની દિશામાં કાર્યવાહી કરવાના બદલે આરોપીઓના નિવેદનોને પોલીસ મહત્વ આપી રહી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. દરમિયાન ફરિયાદી અશોક સગપરિયાએ પણ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. જે કોઇપણ કાપકૂપ વગર અમે નીચે પ્રકાશિત કરી રહ્યા છે. જયભારત સાથ લખવાનું કે આપની તરફથી અમો અશોક ધીરજલાલ સગપરીયાને ઉપરોક્ત સંદર્ભવાળા નંબર અન્વયે પત્ર જાવક નં. એસીપી/પૂર્વ/2320/ 2024 તા. 13-8-2024થી મને નિવેદન માટે બોલાવેલ હતો, જે મુજબ હું તા. 14-8-2024ના રોજ આપની સમક્ષ હાજર થયેલ હતો અને આપની હાજરીમાં વિસ્તૃત વિગતવાર નિવેદન લખાવેલ હતું, ત્યારબાદ આપએ તપાસ કરેલ છે, અને મને ફરીથી આપની કચેરીમાંથી મોબાઈલ ફોન કરી આરોપી- હબીબભાઈ હાજીભાઈ કુરેશીની તપાસ કરેલ હોવાથી રાજકોટના મોરબી રોડ ઉપરની રે.સ.નં. 42 પૈકીની જમીન જે અમોએ અન્યને વેચાણ કરેલ છે તે જમીન અનુસંધાને મને વિશેષ નિવેદન માટે ફરીથી બોલાવવામાં આવેલ છે.
આરોપી અધિકારીઓની તપાસ થતી નથી અને ફરિયાદીની તપાસ વારંવાર થાય છે
આખા કિસ્સામાં ખરેખર તો મૂળ ફરિયાદ મુજબ તપાસ થવી જોઈએ તેના બદલે નિવેદન નોંધવાના છે એવું કહી તપાસનું નાટક પોલીસ કરી હોય તેવા આક્ષેપો ફરિયાદીએ કર્યા છે. વાસ્તવમાં તો પોલીસ (તપાસનીશ અધિકારી)એ સૌ પહેલાં CCTVકબજે કરવા જોઈએ પરંતુ તેવું થયું નથી. આ ઉપરાંત જે પોલીસ અધિકારી પર આક્ષેપ હોય તેમના નિવેદન પણ નોંધવા જોઈએ પરંતુ એવું બન્યું નથી. અત્યંત કિંમતી જગ્યા બાબતે આક્ષેપ થયા પછી આજ સુધી તે P.S.Iની મહત્ત્વની બ્રાંચમાંથી બદલી કેમ ન થઈ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. એક મત મુજબ આની પાછળ કોઈ મોટા અધિકારીઓનો હાથ હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર તો પુરાવા મેળવવાનું કામ પોલીસ અધિકારી (તપાસનીશ)ની હોય છે. ફરિયાદીએ ફરિયાદ કરી તે મુજબ પોલીસે બધાને ફીટ કર્યા તે સાબિત થાય છે. (પુરાવારૂપે ચાર્જશીટ રજૂ કર્યું.) ચાર્જશીટ કરતા P.S.I પર આક્ષેપ કરતી અરજી પણ થઇ છે અને ચાર્જશીટના નામે ખોટું કર્યાનું કોર્ટે પણ કહ્યું છે.
જમીન મામલે રાજકોટ પોલીસ બેફામ ગેરરીતિ કરતી હોવાથી જ હાઇકોર્ટે જમીનની અરજી ન લેવા પોલીસને સૂચના આપી અને કમિશનરે પણ આવો જ હુકમ કર્યો છે
આપને વિનંતી કરવાની કે અમોએ રાજકોટના ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ વિરુદ્ધ ગાંધીનગરના પોલીસ કમ્પલેન ઓથોરિટીને તથા પોલીસ કમિશનર સાહેબને ફરિયાદ અરજી કરેલ જે અરજી ઉપર કોઈ પગલાં નહીં લેવાતા અમોએ નામ. ગુજરાત હાઈકોર્ટમાં આ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી તથા કમિશનર સાહેબ તથા તંત્રએ મારી ફરિયાદ અરજી અન્વયે કોઈ પગલાં લેવાયેલ ન હોવાથી સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન નં. 5915/2023થી અરજી કરતાં આ અધિકારી વિરુદ્ધ તપાસ કરવાની થાય છે, પરંતુ આપની તપાસ યોગ્ય રસ્તે ન હોય તેવું જણાય છે એટલે કે આપની તપાસ આડે રસ્તે થઈ રહી હોય ત્યારે આ લેખિતમાં આપવા ફરજ પડે છે તેમજ આપ તરફથી મારી મોરબી રોડ ઉપરની સદરહુ જમીન બાબતે વિશેષ નિવેદન લેવાનું મૌખિક જણાવેલ છે તે હું આ સાથે લેખિતમાં નીચે મુજબ વિગતે જણાવું છું, જેને ધ્યાને લઈ આપના પોલીસકર્મીઓ વિરુદ્ધ તથા તેની સાથે સંકળાયેલા તત્ત્વો કે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી યોગ્ય કડક કાર્યવાહી કરી મને ન્યાય અપાવશો તેવી વિનંતી છે. અમોએ રાજકોટના રે.સ.નં. 42 પૈકીની જમીન અમોને વહેંચનાર દિવાળીબેન રણછોડભાઈ પાસેથી અમારા જોગના વે.દ. અનુ.નં. 5008, તા. 9-5-2006થી ખરીદ કરેલ છે, જેને 1 નં.ની બુકના નં. 4019, તા. 14-8-2019થી રાજકોટના સબ રજીસ્ટર ઝોન-8 એ નોંધી આપેલ છે જેની નકલ આ સાથે રજૂ રાખેલ છે. ત્યારબાદ રેવન્યુ રેકર્ડમાં હક્કપત્રકે નોંધ પડાવવા અમોએ અરજી કરતા નોંધ નં. 2244 તા. 5-5-2021થી નોંધ થયેલ છે. સદરહુ જમીન બાબતે દિવાળીબેન રણછોડભાઈએ વાંધા ઉઠાવતા પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1ના કેસ નં. 22/2021માં તા. 4-3-2021ના રોજ હુકમથી તેમજ તકરારી કેસ નં. 03/2021 તા. 13-7-2021 મુજબ નાયબ કલેકટર રાજકોટ સાહેબ તરફથી તા. 15-7-2021ના રોજ પ્રમાણિત કરેલ છે. આમ સદરહુ ખેતીની જમીન અમારી માલીકીની છે. જે જમીન અંગે અમોએ આરોપી હબીબભાઈ હાજીભાઈ ખુરેશી જોગ દ.અનુ.નં. 2729, તા. 1-9-2020ના રોજ સાટાખત કરાર કરી આપેલ હતો, જે સાટાખત રદ કરવાનું નક્કી થતાં દ.અનુ.નં. 1829, તા. 25-3-2021ના રોજ સાટાખત રદનો કરાર કરવામાં આવેલ હતો અને આ સાટાખત રદ કરવા સમયે તે કરારના પેજ નં. 2 તથા 3ના પારા-4માં દર્શાવ્યા મુજબ લાઈન-5માં લખેલ છે કે ‘અમો ખરીદનારે તમો વહેંચનારને રૂપિયા 5,00,000 અંકે રૂપિયા પાંચ લાખ પૂરા’ તા. 10-8-2020ના રોજ બેંક ઓફ ઈન્ડિયાની એમ.જી. રોડ શાખાના ચેક નં. 366078 તા. 10-8-2020નો આપેલ હતો, તે વણવટાવ્યે વટાવ્યા વગર અમો વેચનાર તમો ખરીદનારને તા. 25-3-2021ના રોજ પરત આપેલ છે અને જે તમો ખરીદનારે સ્વીકારી લીધેલ છે જેથી આપણે બંને પક્ષકારો વચ્ચે સદરહુ મિલકત સંબંધે કોઈ પણ નાણાંકીય લેવડ-દેવડ બાકી રહેતી નથી’ આમ સદરહુ જમીનનો હબીબભાઈ કુરેશી જોગનો વહેવાર પૂરો થયેલ છે. જેની નકલ આ સાથે રજૂ રાખેલ છે.
સદરહુ હબીબભાઈ કુરેશ સાથે સદરહુ જમીન બાબતે અમોએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ તા. 19-1-2022ના રોજ અમોએ કરેલ હતો. જેમાં પેજ-2 ઉપર પારા-3માં દર્શાવેલ મુજબ આ હબીબભાઈ કુરેશીએ અમોને રૂપિયા 5,00,000 અંકે રૂપિયા પાંચ લાખ પૂરાનો બેંક ઓફ ઈન્ડિયા એમ.જી. રોડ શાખા રાજકોટના ચેક નં. 726026 તા. 19-1-2022નો આપેલ હોવાનું જણાવેલ છે. પરંતુ સદરહુ ચેક અમોને ફિઝીકલ આપેલ ન હતો અને અમારી સાથે છેતરપિંડી કરવાના હેતુથી ખોટું બોલી સદરહુ કરાર લખાવી અને કરારમાં પારા-2માં દર્શાવ્યા મુજબનું કુલમુખત્યારનામુ સબરજીસ્ટર ઝોન-8 સમક્ષ દ.અનુ.નં. 435 તા. 21-1-2022થી નોંધાવેલ હતો. જેની નકલો આ સાથે રજૂ છે. સદરહુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મુજબ પેજ-2ના પારા-4માં દર્શાવેલ વિગત મુજબ હબીબભાઈનો 40% હિસ્સો અમોએ વેચાણ કરેલ આ જમીનના વેચાણ કિંમત રૂા. 51,00,000 અંકે રૂપિયા એકાવન લાખ પૂરા મળેલ તેમાંથી રૂપિયા 35,000,45 અંકે રૂપિયા પાંત્રીસ લાખ પિસ્તાલીસ પૂરા તા. 19-1-2022ના રોજ હબીબભાઈ કુરેશીના ખાતામાં આર.ટી.જી.એસ.થી રકમ જમા કરી ચૂકવી આપેલ છે. આમ કરાર મુજબનો વહેવર પણ પૂરો થયેલ છે. જેની સાબિતીરૂપે મારી બેંક રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકના એકાઉન્ટ નં. 114011583996ની સ્ટેટમેન્ટની નકલ રજૂ છે. જેના પેજ-2 ઉપર સૌથી છેલ્લે ઉલ્લેખ કરેલ છે. આમ હબીબભાઈ છેતરપિંડી કરેલ હોવા છતાં અમોએ વિવાદમાં ન રહેવાના હેતુથી ઉપર મુજબના લાખો રૂપિયા તેઓને ચૂકવી આપેલ છે.
આ હબીબભાઈ હાજીભાઈ કુરેશી વધુ લાલચમાં આવી અને મારી પાસેથી હજી રકમ પડાવવાના હેતુથી અમોએ જે લોકોને સદરહુ જમીન વહેંચાણ કરેલી હતી તેઓની વિરુદ્ધમાં જિલ્લા કલેકટર સાહેબ સમક્ષ લેન્ડગ્રેબિંગ એક્ટ અન્વયેની ફરિયાદ અરજી તા. 7-12-2022ના રોજ કરેલ હતી. જેની નકલ આ સાથે રજૂ છે. જે ફરિયાદ અન્વયે મામલતદાર સાહેબ પૂર્વ રાજકોટ તરફથી ખરીદનાર સુરાભાઈ લાખાભાઈને તા. 7-1-2022ના રોજ નોટીસ આપવામાં આવેલ હતી, જેની નકલ આ સાથે રજૂ છે. ત્યારબાદ આ હબીબભાઈ કુરેશીએ તા. 1-2-2023ના રોજ એક સોગંદનામુ કરી નોટરી એન. એમ. જાગાણી સમક્ષ પેજ નં. 18/23 સીરીયલ નં. 252/2023 તા. 1-2-2023થી નોંધાવી લેન્ડગ્રેબિંગની તપાસમાં સક્ષમ અધિકારી પાસે રજૂ કરેલ છે જેની નકલ આ સાથે રજૂ છે. જેમાં એવું લખેલ છે કે ‘અમો ફરિયાદી જોગ રજી. કુલમુખત્યારનામુ દ.અનુ.નં. 435 તા. 21-2-2022થી નોંધણી કરાવેલ છે જેની રૂહે ફરિયાદ કરેલ હતી તેમજ ખેડૂત અશોકભાઈ ધીરુભાઈ સગપરીયા તથા સુરાભાઈ મીર (ભરવાડ) અને ગોપાલભાઈ મીર (ભરવાડ) સાથે જે વહીવટ વ્યવહાર થયેલો છે તેની અમોને જાણ ન હોવાથી ફરિયાદ કરેલ હતી, તે ગેરસમજના કારણે જે ફરિયાદમાં અમો બંને વચ્ચે સમાધાન થઈ ગયેલ છે, જે ફરિયાદ પરત ખેંચીએ છીએ. વિગેરે.’વાળુ લખાણ કરી રજૂ કરેલ છે. આમ સદરહુ જમીનનો વિવાદ વહેંચાણ થવાથી પૂરો થતો હતો તેમ છતાં આ હબીબભાઈ કુરેશીએ એડવોકેટ આશિષ ડી. ધામેચા મારફત જાહેર નોટીસ આપી વધુ રૂપિયા પડાવવા માટે ખોટી માહિતી જાહેર પ્રસિદ્ધ કરી વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરેલ હતો, જેમાં પાંચ લાખ રૂપિયાના અવેજની વિગત લખેલ છે તે પાંચ લાખનો ચેક અગાઉ જણાવેલ મુજબ આપેલ જ નથી. આમ આ વ્યક્તિ છેતરપિંડી કરી ખોટા પેપર્સ ઉભા કરાવી અને નાણા પડાવવાનો સિલસિલો ચાલુ રાખેલ છે.
ઉપરોક્ત વિગતે હજુ સિલસિલો ચાલુ રાખવા માટે ડીસીબી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ. એસ. ગરચર તથા ચાર્જશીટ રજૂ કરનાર પી.એસ.આઈ. એ. એન. પરમાર અને અન્ય તપાસ કરનાર અધિકારીઓ તેમજ ડીસીબી ક્રાઈમના અન્ય ફરજ બજાવતા લોકોએ હબીબ કુરેશીને આરોપી બનાવી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવા મને ઘરેથી તા. 9-3-2023ના રોજ બપોરે આશરે 3-00 કલાકે ઉપાડી જઈ મને ધાકધમકી આપી અને તૈયાર કરેલી ખોટી ફરિયાદ ઉભી કરી અને તેમાં મારી સહી લીધેલ હતી અને આ ફરિયાદ મારે કરવાની જ ન હતી તેમ છતાં રાતના 8-00 કલાક સુધી મને બેસાડી રાખી દબાણ આપી અને ફરિયાદમાં આ લોકોને મસમોટો તોડ કરવાના હેતુથી કિશોર ચાવડા, જેડીબાપુ, ચેતન ગોંડલીયા, લાલાભાઈ મીર અને ભાવેશ વીકાણી વિરુદ્ધ કોઈ ગુન્હો બનતો ન હોવા છતાં ફરિયાદ લખેલ હતી અને મને રાતે 8-00 કલાકે રવાના કરી દીધો હતો ત્યારબાદ મેં રાતના આશરે 12-00 વાગ્યે આ લોકો વિરુદ્ધ લેખિત ફરિયાદ પોલીસ કમિશનર રાજકોટ તથા પોલીસ ઓથોરીટી કમ્પ્લેઈન પોલીસ અધિકારી ગાંધીનગરને લેખિતમાં મારી સહી કરી અને ઈમેઈલ કરેલ હતું તેમજ પોલીસ કંટ્રોલમાં રાત્રે જ લેખિતમાં ફરિયાદ આપેલ હતી, જે પોલીસ કંટ્રોલના અધિકારીએ મારી નકલમાં તા. 10-3-2023 સમય 00-45 લખી અને પોતાની સહી કરી સિક્કો મારી મને આપેલ હતી, જેની નકલ આ સાથે રજૂ છે.
ઉપરોક્ત પ્રકારનો બનાવ બન્યા બાદ મારી ફરિયાદ હોવા છતાં આ ડીસીબી ક્રાઈમના અધિકારીઓએ ગુન્હાહિત કૃત્ય કરી તા. 10-3-2023ના રોજ સમય 9-30નો ગુન્હો બન્યાનો સમય બતાવી એફ.આઈ.આર. નં. 11208055230090થી ફરિયાદ નોંધી છે અને મારી ફરિયાદ હોવા છતાં હું હાઈકોર્ટમાં ગયેલ હોવા છતાં આ અધિકારીઓએ તા. 28-3-2024ના રોજ તહોમતનામા નં. 37/2024થી ચાર્જશીટ કરી ઉપરોકત હબીબ હાજીભાઈ તથા ચેતનભાઈ ગોંડલીયા, જયદીપસિંહ ઝાલા, કિશોરભાઈ ચાવડા અને ભાવેશભાઈ વીકાણી તેમજ મરણ-જનાર મીઠાસિંગ સીકલી વિરુદ્ધ ચાર્જ રજૂ કરેલ છે. આમ મેં કોઈ ફરિયાદ ન કરેલ હોવા છતા ખોટી તપાસ ઉભી કરી અને આ ચાર્જશીટ કરી સત્તાનો દુરઉપયોગ કરેલ છે. આમ પોલીસ રક્ષકને બદલે ભક્ષક થયેલ છે. જેથી ઉપરોક્ત એફ.આઈ.આર. તથા ચાર્જશીટ ખોટા અને બનાવટી તપાસ ઉભી કરી ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ છે. આ અરજીને નિવેદનનું સ્વરૂપ ગણી આપ ફરિયાદ નોંધી યોગ્ય કરશે. કારણ કે તે અંગે આપને યોગ્ય સત્તા છે જેથી મને રૂબરૂ બોલાવ્યા બાદ જ કાર્યવાહી થઈ શકે તેવું જરૂરી પણ નથી. આપ મારી ફરિયાદના આધારે જવાબદાર ગુન્હેગારો વિરુદ્ધ કડક પગલાં ભરી સમાજને કાયદો કાર્ય કરે છે તેવી છાપ ઉભી કરી શકો તેમ છો, અને આપ તેવું કરશો એવી અપેક્ષા છે તેમજ મારી ફરિયાદની તપાસને આડે પાટે ચડાવશો નહીં તેવી મારી અપેક્ષા છે. આ સાથે ચાર્જશીટ તથા કોર્ટમાં રજૂ થયેલ તમામ પેપર્સના સેટની નકલ આ સાથે રજૂ છે. ઉપરોક્ત મારા નિવેદન મુજબ સદરહુ બનાવટી ફરિયાદ અને ચાર્જશીટ ખોટી હોવાનું ઉલ્લેખ કરી અને આ અધિકારીઓ વિરુદ્ધ મારી ફરિયાદ નોંધવા મારી નમ્ર અરજ છે.
રાજકોટ પોલીસ જમીન મામલે થઈ બેફામ: પીડિતો ‘ખાસ-ખબર’નો સંપર્ક કરે
મોરબી રોડ પરની સોનાંની લગડી જેવી જમીન બાબતે થયેલો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં રાજકોટની મેંગો માર્કેટ નજીકની 30 કરોડની જમીન મુદ્દે પણ જબરી બબાલ થઈ છે. આ મામલે પણ પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવ્યા પછી હાઈકોર્ટે આકરું વલણ દર્શાવ્યું છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે સિવિલ કોર્ટમાં જમીનની મેટર પેન્ડિંગ હોય અને તેમાં નાના મુદ્દાની ફરિયાદ લઈને સમાધાન કરાવવા પ્રયાસ થાય છે. આવા પ્રયાસથી પોલીસ શું કરવા માગે છે? તપાસનીશ અધિકારીએ સીસીટીવી ચોરીની તપાસમાં જમીન વિવાદ સુધી પહોંચ્યા છે જે તેની સત્તામાં નથી. આ મામલે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. ત્યારે તપાસનીશ અધિકારીએ ઉપરી અધિકારીની સૂચના હતી તેવું કહેતાં તેમને કોર્ટમાંથી બહાર જઈને સીપી સાથે વાત કરી જવાબ લાવવામાં કહેવાયું હતું. હાઈકોર્ટે કહ્યું હતું કે જમીન વિવાદના અનેક કેસની અરજીઓ આવી રહી છે ત્યારે પોલીસ પણ તેમની લાલચે સામાન્ય માણસોને દબાવવા માટે નાના મુદ્દાની ફરિયાદો લઈને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસની કામગીરીને લઈને અનેક મુદ્દાઓ હાઈકોર્ટમાં ઉઠાવાયા હતા જેનો જવાબ પોલીસ આપી શકી ન હતી. સરકારી વકીલને સીપી સાથે વાત કરવાનું કહેવાયું હતું અને તેઓ પરત આવ્યા ત્યારે એવો ખુલાસો કર્યો હતો કે તપાસનીશ અધિકારીની તાત્કાલિક બદલી કરી દેવાશે. તેમને બિનસંવેદનશીલ પોસ્ટ આપી દેવાશે અને પરિપત્ર કરાશે કે પોલીસ એકપણ જમીનની મેટરમાં આવશે નહીં, જ્યાં સુધી છેતરપિંડી કે પછી ફોજદારી બનાવ ન હોય ત્યાં સુધી કાર્યવાહી નહીં કરે. આથી કોર્ટે આ બાબતનો ઉલ્લેખ કર્યા બાદ કેમેરા લૂંટની તપાસમાં સ્ટે જાહેર કર્યો હતો અને વધુ સુનાવણી 3 સપ્ટેમ્બરના મુલત્વી રાખી હતી. આ જમીન મુદ્દે પોલીસની સતામણીના કોઈ ભોગ બન્યા હોય તો આવા લોકો ‘ખાસ-ખબર’નો સંપર્ક કરી શકે છે.