રાજસ્થાનથી 31 રાઇડ્સ લઇને આવેલા વેપારીએ કહ્યું- મજૂરોને એક રૂપિયો ન મળ્યો, 55 લાખની આવક ગુમાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી જન્માષ્ટમીનો રંગેચંગે લોકમેળો યોજાય છે. જેમાં દરવર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી પાંચ દિવસ દરમિયાન 15 લાખ જેટલા લોકો ઉમટી પડે છે. જોકે, આ વખતે વરસાદને કારણે મેળો ધોવાઈ જતા વેપારીઓને કરોડોનું આર્થિક નુકસાન થતાં માથે ઓઢીને રોવાનો સમય આવ્યો છે. વેપારીઓ સહિતનાં 400થી વધુ મજૂરોની રોજીરોટી છીનવાઇ છે. સ્ટોલ ધારકોને તો ડિપોઝિટ સહિતના નાણા પરત મળ્યા, પરંતુ મજૂરોને એક રૂપિયો પણ ન મળતા તેમના પરિવારજનોમાં આર્થિક સંકટ ઊભું થયું છે. રાજકોટના લોકમેળામાં રાજસ્થાનથી તમામ 31 રાઇડસ આવી હતી તો અન્ય ખાણી-પીણી, રમકડા સહિતના સ્ટોલ ધારકો દિલ્હી અને રાજસ્થાનથી આવ્યા છે. વહિવટી તંત્રને 235 સ્ટોલ અને પ્લોટ થકી અંદાજે રૂ. 3 કરોડની આવક થઈ, જે પરત આપવી પડશે. તો રૂપિયા 2 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.
રાજકોટનાં લોકમેળામાં રાઇડસ લઇને રાજસ્થાનથી આવતા ઇમરાન ખાને જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી આ લોકમેળામાં વેપાર કરવા માટે આવીએ છીએ. આ વખતે રાજસ્થાનથી 30 જેટલા ઝૂલા મંગાવવામાં આવ્યા હતા. જોકે, અમે બધા પરેશાન થઈ ગયા છીએ. દર વર્ષે અમારો અને મજૂરોનો ખર્ચ નીકળી જતો હતો. આ વખતે બધા માટે ભૂખમરાની પરિસ્થિતિ સર્જાઇ છે. દર વર્ષે 55 લાખ જેટલી આવક થઈ જતી હતી, પરંતુ આ વખતે કોઈ પણ પ્રકારનો ખર્ચ નીકળ્યો નથી. આ વખતે અમે બરબાદ થઈ ગયા છીએ. ધ્રોલનો મેળો કરીએ છીએ, એ પણ નથી થયો. હવે દશેરામાં દિલ્હી અને રાજસ્થાનના મેળા પર આશા છે. તમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં 40 ટ્રકમાં રૂ. 25 લાખ જેટલાનો માલ-સામાન મંગાવવામાં આવ્યો હતો. જોકે, તમામ ખર્ચો પાણીમાં ચાલ્યો ગયો છે. મોતનો કૂવો, ઝૂલો સહિતની રાઈડ્સ રાખવામાં આવી હતી. એક ગાડીમાં 50,000 જેટલો ખર્ચ થઈ ગયો હતો. 250 જેટલા મજૂરો રાઈડ્સ ઉપર રાખવામાં આવ્યા હતા. રોજીરોટી તો ન કમાયા, પરંતુ ખર્ચો બધો પાણીમાં ગયો છે. સ્ટોલ અને પ્લોટના જે પૈસા પરત મળ્યા છે તે તો ઠેકેદાર લઈ જશે. અમને ઍક પણ રૂપિયો નહીં મળે. અમે અહીં અમારો માલસામાન રાખીને જશું. જ્યારે દિલ્હીથી આવેલા દીપક કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી રાજકોટના લોકોમેળામાં વેપાર કરવા માટે દિલ્હીથી આવીએ છીએ. દર વર્ષે જન્માષ્ટમીના મેળામાં વરસાદ થાય છે, પરંતુ આવું પ્રથમ વખત બન્યું છે કે લોકમેળાના 5 દિવસ સુધી સતત વરસાદ ચાલુ રહ્યો છે. મારા બેલ્ટ અને પાકીટ સહિતના 6 સ્ટોલ છે. એક સ્ટોલ ઉપર ચારથી પાંચ યુવાનો કામ કરતા હોય છે. એક સ્ટોલ દીઠ ખર્ચો બાદ કરતા દર વર્ષે રૂ. 50,000 જેટલી આવક થાય છે. જોકે, 6 સ્ટોલનો રૂ. 3 લાખનો ખર્ચ થયો, જેની સામે ડિપોઝિટ સહિતનાં રૂ. 42 લાખ પરત મળશે. દર વર્ષે રફાળેશ્ર્વર અને તરણેતરના મેળામાં જઈએ છીએ, પરંતુ ત્યાં પણ જઈ શક્યા નથી.