વિજતંત્રને ફોન કર્યા પછી પણ તેનો કોઈ પ્રતિસાદ મળતો નથી અને રાજકોટ વિજતંત્રના હેલ્પલાઇન નંબર પણ સતત વ્યસ્ત બતાવતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
- Advertisement -
પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદના કારણે પીજીવીસીએલ પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતા પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, માંગરોળ, કેશોદ, માણાવદર, અને માળિયા હાટીના તાલુકાઓના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.સરકારી માહિતી અનુસાર, પોરબંદર અને જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળના 522 ફીડરોમાંથી 238 ફીડરો અને 161 ગામોમાં વીજ પુરવઠા ખોરવાઈ જવાની ઘટના બની છે. રાણાવાવમાં 10 કલાકથી વીજળી ગુલ રહેતા સ્થાનિક લોકો અસહાય અને અકળાઇ ગયા છે. લોકોની ફરિયાદ છે કે વિજતંત્રને ફોન કર્યા પછી પણ તેનો કોઈ પ્રતિસાદ મળતો નથી, અને રાજકોટ વિજતંત્રના હેલ્પલાઇન નંબર પર પણ સતત વ્યસ્ત બતાવે છે.વિજ ફોલ્ટ નિવારવા માટે, પોરબંદર અને જૂનાગઢ જીલ્લાના મુખ્ય ઈજનેર આર.જે.વાલા અને એન.સી. ઘેલાણીના માર્ગદર્શન હેઠળ 100 ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટીમોને પોરબંદર ખાતે નિયુક્ત કરવામાં આવેલા મુખ્ય ઇજનેર બી.ડી. પરમાર અને સ્થાનિક અધિક્ષક ઇજનેર કિરણબેન પટેલ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે.
વિજ પુરવઠા ખોરવાતા અને શહેરમાં અંધારપટ્ટ છવાઇ જતાં, લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે રાત્રે ઘોર અંધકાર છવાઈ જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આજે જૂનાગઢ ખાતેથી વિશેષ વિજકર્મીઓની ટીમોને પોરબંદર મોકલવામાં આવી છે, જેથી વીજ પુરવઠા સુધારવા માટે ઝડપભેર કામગીરી કરવામાં આવે.પીજીવીસીએલની આ કામગીરીને લઈને હવે તમામની નજર છે કે ક્યારે વીજ પુરવઠો પુન:સ્થાપિત થાય અને લોકોના કષ્ટોમાં ઘટાડો થાય.



