તંત્રની મીઠી નજર હેઠળ લોકમેળાની મંજુરી વગર તૈયારી ચાલું
કરી દેવાતા રોષ: લોકોના જીવ જોખમમાં મુકાશે તો જવાબદાર કોણ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સાવરકુંડલા ખાતે આવેલ આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં અચાનક ચહલપહલ જોવા મળી. સામાન્યરીતે છેલ્લા ઘણા સમયથી આંખની હોસ્પિટલના કેમ્પસમાં અનઅધિકૃત પ્રવેશ ન કરવો એવું નોટિસ બોર્ડ હોસ્પિટલના દરવાજે લગાડેલ. આમ તો આંખની હોસ્પિટલ એક ટ્રસ્ટ સંચાલિત જગ્યા છે અને આ જગ્યા કદાચ આરોગ્ય હેતુ માટે ઉપયોગ કરવા માટે હશે. પરંતુ અચાનક એવું તે શું બન્યું કે અચાનક આંખની હોસ્પિટલના દરવાજા ખુલી ગયા અને આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે અચાનક એક જેસીબી અને કોઈ સામાન જોવા મળ્યો ત્યારે આ વિસ્તારમાં રહેતા રહીશોને કૌતુક અનુભવી રહ્યા છે.
હાલ સાંભળવા મળ્યા મુજબ રાઈડ ઈન્સટોલેશનની કોઈ પણ પરમીશન વગર મેળાની મસ મોટી ક્રેઈનનો ઉપયોગ થતો જોવા મળે છે અને આસપાસના વિસ્તારમાં નિર્દોષ ભૂલકાઓ રમતાં જોવા મળે છે. હજુ થોડા સમય પહેલાં જ રાજકોટ ગેમ ઝોન ખાતે જે દુર્ઘટના બની તેના પરથી પણ વહીવટી તંત્રે કોઈ બોધપાઠ લેવો જોઈએ કે નહીં એ સવાલનો ઉત્તર લોકો પર છોડીએ કે પછી કોઈ દુર્ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ રહેશે? સાવરકુંડલાના સંલગ્ન અધિકારીઓને આ બાબતની જાણ હોવા છતાં મૂક પ્રેક્ષકની માફક જોવા મળે છે. શું તંત્ર કોઈ રાજકીય દબાણ હેઠળ તો નથી’ને? કે પછી? આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે દિવસથી આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે મોટી મસ રાઈડોનું ઈન્સ્ટોલેશન થઈ રહ્યું છે અને તંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોયા કરતું હોય તેવો ઘાટ સર્જાતો હોય તેવું લાગે છે. એક તરફ સરકાર ફાયર સેફ્ટી જેવા કાર્યક્રમો અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરી રહી છે.