ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રેમલગ્ન બાદ સાસરીયાએ ગોંધી રાખતા પીડિતા બેને મદદ માટે 181માં કોલ કર્યો હતો. પણ સાસરીયાના ડરથી કશું બોલતા ન હોવાથી આજીડેમ ખાતે કાર્યરત 181ની ટીમ દ્વારા પીડિતા બેનને વોટ્સએપ મેસેજ કરી એડ્રેસ મેળવી પીડિતા બેનના ઘરે જઇ સાસરીયાના ત્રાસમાંથી મુક્ત કરાવી માવતર સાથે પુન:મિલન કરાવ્યું હતું.
પીડિતાબેને 181માં મદદ માટે કોલ કર્યો હતો. પણ સાસરીયાને ખબર પડી જવાના ડરથી કશું બોલતા ન હતા. તેથી 181 મહિલા હેલ્પલાઇન દ્વારા પીડિતાબેનનું લોકેશન ટ્રેસ કરતા બહેન રાજકોટનું એક ગામ હોવાની જાણ થતાં આજીડેમ લોકેશન ખાતે કોલ કોંફરન્સ કરતા આજીડેમ લોકેશનના કાઉન્સેલર રૂચિતા મકવાણાએ પીડિતા બેનનો નમ્બર લઈ પોતાના મોબાઇલમાંથી પીડિતાબેનને મેસેજ કરી વાત કરતા પીડિતાબેને પોતાના સાસરિયાએ ગોંધી રાખી હોવાનું કહેતા 181ના કાઉન્સેલરે મેસેજ મારફતે એડ્રેસ મેળવી તેમની મદદ માટે તેમના ઘરે પહોંચ્યા હતા.
- Advertisement -
જ્યાં પહોંચી પીડિતાબેનનું કાઉન્સેલિંગ કરતા પીડિતાબેને જણાવ્યું હતું. કે તે તેના પતિ સાથે ત્રણ વર્ષથી સોશિયલ મીડિયામાં રિલેશનશિપમાં હતા અને 25 દિવસ પહેલા જ માવતરમાંથી ભાગીને લગ્ન કરી સાસરિયામાં આવ્યા હતા. તેના કારણે સાસુ બોલાવતા ન હતા અને નણંદ નાની નાની બાબતમાં ઝઘડો કરતા હોય અને કોઈ તેમને સારા મોઢે બોલાવતા ન હોય અને પતિ પણ તેમને ઘરમાં પૂરીને રાખતા હોય છે અને કોઈની સાથે વાત પણ કરવા દેતા ન હોય અને પિયર પક્ષ સાથે વાત કરી તો પતિ પૈસાની માંગણી કરતા હોવાથી પીડિતાબેનને સાસરીમાં રહેવું ન હોય અને પિયરમાં જવું હોવાનું જણાવ્યું હતું. તેથી 181 ની ટીમ દ્વારા પીડિતાબેનને માવતર સાથે વાત કરી પીડિતાબેનને તેમના માવતરને સોંપ્યા હતા. પ્રેમલગ્ન બાદ સાસરિયા એ ગયેલી પુત્રીનું પુન:મિલન કરાવનાર 181 મહિલા હેલ્પલાઇન ટીમનો પરિવારે આભાર માન્યો હતો.