સ્થાનિક લોકો અને યાત્રિકોમાં રોષ, રોપ-વે બંધ હોવાને લીધે સફાઈ કર્મી નથી આવતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
હાલ વરસાદી વાતાવરણમાં પણ ગિરનરા પર્વત પર બિરાજમાન અંબાજી માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. યાત્રિકો આવતા હોવાથી મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં કચરો પણ વધુ પ્રમાણમાં એકત્ર થાય છે. એજન્સીના સફાઇકર્મીઓ અંબાજી શિખર પરથતો કચરો એકત્ર કરી રોપ-વેમાં નીચે લાવે છે. પરંતુ છેલ્લા 10 દિવસથી પ્રતિકૂળ વાતાવરણના કારણે રોપ-વે બંધ છે આથી સફાઇ કર્મીઓ પણ સફાઇ કરવા જતા નથી. છેલ્લે સફાઇકર્મીઓ આવ્યા ત્યારે કચરો એકત્ર કરી બાચકાઓમાં ભર્યો હતો.
- Advertisement -
પરંતુ ત્યારે જ રોપ-વે બંધ થઇ જતા સફાઇ કર્મીઓ પરબ પાસે કચરાના બાચકાઓ મુકીને જતા રહ્યા હતા. આઅંગે મંદિર સામે સ્ટોલ ધરાવતા કિશોરભાઇ ગોહેલએ જણાવ્યુ હતુ કે, રાત્રીના સમયે મંદિર પરિસરમાં જંગલી ભૂંડ ચડી આવ્યા હતા આ ભૂંડોએ કચરાના બાચકાતોડી નાખી ખેદાન મેદાન કરી નાખતા મંદિરની સામે ઉકરડો હોય એવી હાલત થઇ ગઇ છે. હાલ પગથિયા પર શીલા પડી છે બે-ત્રણ સ્થળે વિજવાયર નીચે આવી ગયા છે છતા ભાવિકો પગથિયા ચડી માતાજીના દર્શન કરવા આવે છે. પરંતુ રાજયના સૌથી ઉંચા આ ઉકરડાને જોઇને નારાજગી વ્યક્ત કરે છે. રોપ-વે તો વાતાવરણ અનુકુળ ન હોય તો ન ચાલે પરંતુ કચરોતો રોજ નિકળે છે તો કચરાના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
છેલ્લા ઘણા સમયથી રોપ-વે બંધ હોવાના કારણે સફાઇ કર્મીઓ ગિરનાર ઉપર આવતા નથી જેના કારણે ગિરનાર પર કચરાના ઢગ જોવા મળે છે. જેનાથી સ્થાનિક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમજ દૂર દૂરથી આવતા યાત્રીકો પણ આ કચરાના ઢગ જોવાથી નારાજગી વ્યકત કરે છે.