અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
ગુજરાતમાં ગુજરાતી નાટકો માટે પ્રમાણપત્રના કડક નિયમો…
- Advertisement -
દર મહિને ગુજરાતના અલગ અલગ ઓડિટોરિયમમાં હાઉસફુલ સાથે અંદાજીત 60થી 70 આવા વલ્ગર શૉ યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે
ગુજરાતમાં મનોરંજન કાર્યક્રમ ઓડિટોરિયમમાં કરવો હોય અને ઓડિટોરિયમને B.U પરમીશન મળેલી હોય… છતાં પણ પોલીસ લાયસન્સ આયોજકે લેવાનું ફરજિયાત છે ! શા માટે ?
ગુજરાતમાં ખુબ સુંદર રીતે નાટ્ય પ્રવૃત્તિ ચાલી રહી છે. એક જમાનામાં ચાલતો દ્વિ અર્થીય નાટકોનો ટ્રેન્ડ વર્ષો પહેલા પુરો થઇ ચુક્યો છે. હવે ગુજરાતમાં અને મુંબઈથી આવતા 100% નાટકો સુંદર વિષયો સાથે તૈયાર થઈ રહ્યા છે. બાપ-દિકરી, મા-દીકરો અને પરિવાર સાથે બેસીને જોઇ શકે તેવા જ નાટકો હાલના સમયમાં નિર્માણ થઈ રહ્યા છે છતાં તે નાટકની સ્ક્રિપ્ટ રાજ્યના સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડમાં ફરજિયાત રજુ કરવી પડે છે. પ્રમાણપત્ર બોર્ડ તે સ્ક્રિપ્ટ જે તે તજજ્ઞોને વાંચવા મોકલે છે, વાંચ્યા પછી તજજ્ઞો તેમનો અભિપ્રાય આપે છે અને પછી જ તેના આધારે પ્રમાણપત્ર બોર્ડ પ્રથમ ત્રણ મહીના માટે જે તે નાટકના પ્રયોગ કરવા માટે મંજૂરી આપે છે. તે પછી જ નાટકના શોનું આયોજન થાય છે. એટલું જ નહીં ત્રણ મહીના પુરા થાય એટલે કોઇ જ કારણ વગર આ પ્રમાણપત્રની રિન્યુઅલની કંટાળાજનક પ્રક્રીયા પણ નિર્માતાએ કરવી પડે છે. બીજી તરફ યુવાઓ ને મોંઘી દાટ ટીકીટો વેચી સંપુર્ણ સ્ક્રિપ્ટેડ અને સ્ટેન્ડ અપ કોમેડીના નામે ચાલતા, અને ખુલ્લી અને ગંદી ગાળોથી ભરપુર શો ખુલ્લઆમ ચાલી રહ્યા છે. આવા શો માટે કોઈ પ્રમાણપત્ર ની જરૂર નથી. ! આવા શોમાં યુવાધન હજારો રૂપિયા ખર્ચીને શો હાઉસફૂલ કરી દે છે ત્યારે ખાળે ડુચા ને દરવાજા ખુલ્લા જેવો ઘાટ જોવા મળે છે.
- Advertisement -
ત્યારે નાટ્ય જગતના અનેક નિર્માતાઓ આવી વ્હાલા દવલાની નીતીથી ખુબ પરેશાન છે. રાજ્ય સરકારની સંગીત નાટક અકાદમી નાટકોને જીવાડવા ઘણી યોજનાઓ લાવે છે. જ્યારે બીજી તરફ બેરોકટોક આ પ્રકારના શો લાખો રૂપીયાની ટીકીટો વેચી નાટ્યજગતને મૃત અવસ્થામાં મુકી રહ્યા છે. આ પ્રકારના શો માટે ઓનલાઇન ટીકીટો બુક થતી હોય છે એટલે અધિકારીઓ કે સ્થાનિક પોલીસ આ વાતથી અજાણ હોય તે વાત ગળે ઉતરે તેવી નથી. બીજી પણ કંટાળાજનક પ્રક્રીયા ઓડિટોરિયમમાં શો કરતા આયોજકો ભોગવી રહ્યા છે. પાકા બાંધકામ સાથેનું ઓડિટોરિયમ હોય, નગરપાલિકા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તેને ઇ.ઞ. પરમીશન મળેલી હોય. ફાયર, પાણી, વિજળી, આરોગ્ય, સાઉન્ડ, પાર્કિંગ જેવી પાયાની સગવડ હોય તો જ તે જગ્યાને ઇ.ઞ. પરમીશન મળેલી હોય છે. તેમ છતાં પોલીસ પરમીશનની કંટાળાજનક, વ્યર્થ અને ખર્ચાળ પ્રક્રીયા આવા શોના આયોજકે ફરજિયાત કરવી પડે છે.
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સંગીત નાટક અકાદમી સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અતર્ગત નાટકોને જીવાડવાનો હકારાત્મક પ્રયાસ કરતી હોય ત્યારે આ પ્રકારના નિયમો હળવા થાય તે જરૂરી છે. હાલ મુંબઈથી આવતા નાટકોના નિર્માતાઓ, ગુજરાતમાં તૈયાર થતા નાટકોના નિર્માતાઓ અને ગુજરાતના જાણીતા અયોજકોને આ સવાલ સતત મુંઝવી રહ્યો છે. સરકારે તાત્કાલિક ધોરણે નાટકોની જેમ જ આવા સ્ટેન્ડ અપ કોમેડીના નામે ચાલતા બીભત્સ શોને પ્રમાણપત્રના દાયરામાં તાત્કાલિક અસરથી લેવા જોઈએ અને કારણ વગર લેવા પડતાં પોલીસ લાઇસન્સ માંથી પણ નાટ્ય નિર્માતાઓ અને આયોજકોને મુક્તિ આપવી જોઈએ અને કોઈ પણ મંજૂરી વગર સ્ટેન્ડ અપ કોમેડીના નામે ચાલતા ગાળી ગલોચ થી ભરપૂર અને યુવા પેઢીને અસંસ્કારિતાની ખાઈમાં ધકેલતા વલ્ગર શો ને તાત્કાલિક અસરથી બંધ કરાવવા જોઈએ તેવું કલા જગત સાથે જોડાયેલા અનેક લોકો ઇચ્છી રહ્યા છે. સરકાર આ ગંભીર પ્રશ્ર્નનો ઝડપી નિકાલ લાવે તેવી સૌની લાગણી છે. સૂત્રો તરફથી મળેલ જાણકારી મુજબ આજે સાંજે પણ અમદાવાદમાં સાંસ્કૃતિક પ્રમાણપત્રના લીરા ઉડાડતો, ગાળોથી ભરપૂર આવો જ એક શો છે જેની બધી જ ટિકિટો ઓનલાઈન બુકિંગથી વેચાઈ ગઈ છે.
અમદાવાદના હૃદયસમા વિસ્તારમાં વર્ષોથી મંજૂર થયેલું એક ઓડિટોરિયમ ક્યારે બનશે..?
અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તાથી જ્હાન્વી રેસ્ટોરન્ટ તરફ જતાં ડાબી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક ખુલ્લો પ્લોટ આવેલો છે. હાલ આ પ્લોટ નો વાહનોના પાર્કિંગ માટે ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ ઘણાને નહીં ખબર હોય કે આ પ્લોટ વર્ષ 1980થી 1984 દરમ્યાન અમદાવાદના મેયર રહી ચૂકેલા સ્વ. રફીયુદદીન શેખનું નામ જોડી તે વખતની સ્ટેન્ડિંગ કમિટીમાં સ્વ. રફીયુદદીન શેખ ઓડિટોરિયમ બનાવવા માટે ફાળવવામાં આવેલો છે. અંદાજિત 40 વર્ષથી આ પ્લોટ પોતાના પર સુંદર મજાનું ઓડિટોરિયમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બને તેની પ્રતિક્ષા કરી રહ્યો છે. હાલ હેરિટેજની કક્ષામાં આવતો અને બ્રિટિશના જમાનામાં બનેલો શેઠ મંગળદાસ ટાઉન હોલ જર્જરિત હાલતમાં કેટલાય સમયથી બંધ છે. આ શેઠ મંગળદાસ ટાઉનહોલ સાથે દિવંગત અને હયાત કેટલાય કલાકારોની લાગણી જોડાયેલી છે. આજે પણ ફિલ્મી ઓરકેસ્ટ્રા સાથે સંકળાયેલા અનેક કલાકારો પોતાના ફ્રી સમયમાં ટાઉન હોલના બાંકડે નિયમિત મળે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો આ ટાઉનહોલની રોનક પાછી લાવે તેવું આ હોલ સાથે લાગણીથી જોડાયેલા અનેક કલાકારો ઇચ્છી રહ્યા છે. તેજ રીતે મૂળ રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકનું સ્વ. જયશંકર સુંદરી નાટ્ય ગૃહ હવે વિધિવત રીતે ઉપરોક્ત વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી દીધું છે. હાલ આ હોલ પણ નવી પ્રક્રિયા શરૂ ન થાય ત્યાં સુધી બંધ છે ત્યારે 40 વર્ષ પહેલા જે જગ્યા જે હેતુ માટે ફળવાયેલી છે તેનું અમલીકરણ થાય તે ખૂબ જરૂરી છે.
સિનેમા સમાચાર
ગુજરાતી સિનેમા જગતમાં લપસીના આંધણ મૂકવા પડે તેવા મજ્જાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ઝમકુડી 25 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન ને આંબવાની ખૂબ નજીક છે… જય હો.
ગઇકાલે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઈશ્વર ક્યાં છે નો પ્રીમિયર શો યોજાઇ ગયો. નાના બાળકના મન માં ઈશ્વરના અસ્તિત્વ સામે ઊભા થતાં અનેક પ્રશ્ર્નોને લઈ ને સુંદર વાર્તા સાથે ગુજરાતી ફિલ્મો ના વિતેલા જમાના ના દિગ્ગજ નિર્માતા – દિગ્દર્શક સ્વ. ગોવિંદભાઇ પટેલ ના પુત્ર શ્રી હરેશ ગોવિંદભાઇ પટેલે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.
કેશવ રાઠોડ ની વાર્તા અને ગોવિંદભાઇ પટેલ ની ત્રીજી પેઢી ના યુવા નિર્માતા રુચિત હરેશ પટેલ ની આ પ્રથમ ફિલ્મ છે.આ ફિલ્મમાં અનેક ફિલ્મો, નાટક અને ટેલિવીઝન શો ના અનુભવી કલાકાર ઓજસ રાવલ સહિત સ્વસ્તિક જોશી, હિમાલી ગોહિલ, જિતેન્દ્ર ઠક્કર, મૌલિક પાઠક, મેહુલકુમાર વ્યાસ, પ્રિયલ ભટ્ટ, અવંતિકા ભાટી અને જલસો કરાવે તેવા એક રોલ માં નિશિથકૂમાર બ્રહ્મભટ્ટ જેવા કલાકારો અભિનય કરી રહ્યા છે. સંગીત આપ્યું છે માસ્ટર રાણા એ. આ ફિલ્મ ગઇકાલ થી ગુજરાત ના સીનેમઘરો માં રિલીઝ થઈ ચૂકી છે.
ગુજરાતના જાણીતા કાર્યક્રમ આયોજક કનુભાઈ નાયકનું દુ:ખદ અવસાન..
ગુજરાતી રંગભૂમિના અમદાવાદ ખાતેના જાણીતા આયોજક કનુભાઈ નાયકનું ગઈ કાલે રાત્રે અમદાવાદ ખાતે અવસાન થયું છે. જેમની અંતિમ ક્રિયા આજે સવારે અમદાવાદ ખાતે કરવામાં આવી. અલ્કા આર્ટના બેનર હેઠળ કનુભાઈ એ અમદાવાદ સહિત ગુજરાત ખાતે મોટા ગજાના નાટકો અને સંગીતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરતા. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અમેરીકા સ્થાયી થયેલા. તેમના પુત્ર પ્રકાશ નાયકને ત્યાં અમદાવાદ આવેલા ત્યારે ગઇરાત્રે તેમનું દુખદ અવસાન થયું છે. ગુજરાતના કલાજગતને રંગભુમીના એક વફાદાર આયોજકની ખોટ પડી છે. ઇશ્ર્વર સદગતના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે તેવી કરબધ્ધ પ્રાર્થના.