જિલ્લામાં અતિભારે વરસાદ પડતા ડેમમાં નવા નીરની સતત આવક થવાથી ખંભાળા ડેમ ભરાતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
- Advertisement -
પોરબંદરનો ખંભાળા ડેમ સોમવારના દિવસે વહેલી સવારે છલોછલ ભરાયો છે. જિલ્લામાં અતિભારે વરસાદ પડતા ડેમમાં નવા નીરની સતત આવક થવાથી ખંભાળા ડેમ ભરાતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે. અને પુષ્કળ પાણીના પ્રવાહની આવક થતાં અડવાણા, સોરઠિ, અમીપુર, કાલિન્દ્રી, ફોદાળા, બરડા સાગર, મેઢાક્રીક, રાણા ખીરસરા સહિતના ડેમો અગાઉ જ ભરાયા હતા.
પરંતુ ખંભાળા ડેમ હજુ ભરાયો ન હતો. છેલ્લા થોડા દિવસોથી અતિ ભારે વરસાદ પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસના જિલ્લાઓમાં વરસી રહ્યો છે. જેના કારણે તમામ ડેમો 100% ભરાયા છે. દરેક ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. ખંભાળા ડેમમાં ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 543 એમ.સી.એફ.ટી છે. અને સોમવારના દિવસે વહેલી સવારે અતિભારે પડેલ વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીના પ્રવાહની આવક થતા આ ડેમ પણ છલોછલ ભરાઈ ગયો છે. પહાડોની વચ્ચે આવેલ આ ડેમ ચીકાર ભરાયો છે ત્યારે ડેમની ઉપરથી પણ પાણી વહી રહ્યું છે હાલ પહાડોની વચ્ચે આવેલ ખંભાળા ડેમ પાણીના પ્રવાહથી ચીકાર ભરાયો હોવાના કારણે અહીં નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે.