દિવ્યાંગજનોને માત્ર ડીગ્રી નહીં, કુશળ કર્મયોગી બનવા પ્રેરિત કરતી રાજકોટની ડિસેબલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા
સમગ્ર ગુજરાતમાંથી ફકત રાજકોટની ડિસેબલ આઇ.ટી.આઇ.માં વિદ્યાર્થીઓને અપાઈ રહી છે વિશિષ્ટ કૌશલ્ય તાલીમ
- Advertisement -
‘‘જન્મથી જ મારે પગની સમસ્યા છે. હું વ્યવસ્થિત ઉભી રહી નથી શકતી. પરંતુ મારા રોજીંદા કાર્યો સારી રીતે કરી શકુ છું. મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે પગભર થવા માટે મેં ડિસેબલ આઇ.ટી.આઇ.માંથી કોમ્પ્યુટરનો કોર્ષ કર્યો. ત્યાંના શિક્ષકોએ મને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી કોમ્પ્યુટર વસાવવા માટે ૩૮ હજારની સહાય મેળવવામાં મદદ કરી. જેમાંથી મેં મારૂ કોમ્પ્યુટર વસાવ્યું. અને બેંક ઓફ બરોડાનું મીની બેંક બ્રાંચ (કિયોસ્ક) ખોલ્યું છે, જેના થકી અનેક લોકોને જરૂરી બેંક સેવા પુરી પાડુ છું. જેનું કમિશન અને સરકારની વિવિધ યોજનાઓ માટેના ઓનલાઈન ફોર્મ, પરીક્ષાના ફોર્મ, પ્રિન્ટીંગ અને સ્કેનિંગના નાના મોટા કામ ઘરેથી જ કરીને પ્રતિમાસ ૫ થી ૭ હજાર જેટલી રકમ હું કમાઈ લઉં છું.’’ આ શબ્દો છે રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં વસવાટ કરતા પ્રભાબેન શિયાળના.
સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાને ભારતના બંધારણના હાર્દસમા આમુખમાં સમાવવામાં આવી છે. દરેક વ્યક્તિને રોજગાર કે સ્વરોજગાર મેળવવાની સમાનતા અને સ્વતંત્રતાનો મુળભૂત હક્ક આપવામાં આવ્યો છે. જેના આધારે દિવ્યાંગ વ્યક્તિ પણ અન્યોની જેમ તાલીમબધ્ધ થઈને રોજગાર મેળવી શકે તેવા હેતુથી ગુજરાતના રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૦૯ થી ડિસેબલ આઇ.ટી.આઇ.ની શરૂઆત કરવામાં આવી છે.
- Advertisement -
ગુજરાત ઔદ્યોગિક, વ્યાપારીય, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. સમાજમાં વસતા દિવ્યાંગજનોમાં કૌશલ્ય નિર્માણ કરી તેમને આર્થિક રીતે પગભર થવા માટે, રોજગારી મેળવીને કે સ્વરોજગારીનું સર્જન કરીને આત્મસન્માન અને ગરિમા પૂર્ણ જીવન જીવવાના મુળભુત અધિકારોનું રક્ષણ કરવા ડિસેબલ આઇ.ટી.આઇ.ના માધ્યમથી સરકારશ્રીએ વિવિધ કાર્યક્રમોને સફળતાપુર્વક અમલીકૃત કર્યા છે.
ડિસેબલ આઇ.ટી.આઇ.ના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અને ટેકનિકલ ઓફિસર સુશ્રી માનસી તેરૈયાએ જણાવ્યું હતું કે, અમારા કેમ્પસ ખાતે ૭ જેટલા કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર, કટીંગ એન્ડ સ્યુઈંગ, ડેસ્કટોપ પબ્લીસીટી ઓપરેટર, હેર એન્ડ સ્કીન કેર જેવા કોર્ષનો સમયગાળો એક વર્ષનો છે, જ્યારે ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટોર ઓપરેશન આસીસ્ટન્ટ, રીટેલ સ્ટોર એશોસિએટ જેવા ૩ માસનો સમયગાળો ધરાવતા કોર્ષનો ચાલુ વર્ષથી સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ કોર્ષમાં પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસની છે.
માનસીએ ડિસેબલ આઇ.ટી.આઇ.માં એડમિશનની પ્રક્રિયા બાબતે જણાવ્યું હતું કે, એડમિશન માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વોકેશનલ રીહેબીલીટેશન કમિટી (વી.આર.સી.)ની સ્થાપના કરવામાં આવે છે. જે અંતર્ગત એડમિશન માટેની અરજીના પ્રમાણમાં ડોક્ટરો અમદાવાદથી આવીને વિદ્યાર્થીઓની ડીસેબીલીટી ચેક કરીને તે ક્યા કોર્ષમાં એડમીશન મેળવવા માટે સક્ષમ છે તે નક્કી કરે છે. ત્યાર બાદ જ એડમિશન આપવામાં આવે છે. એડમીશન મેળવનાર તમામ વિદ્યાર્થીને આઈ.ટી.આઈ. તથા સમાજ કલ્યાણ વિભાગ તરફથી ૨૦૦ થી લઈને ૪૦૦ રૂ. સુધીનું સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે. પ્રતિ વર્ષ ૬૦-૭૦ જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે.
કોરોના કાળમાં આમારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવું મારા અને અમારા શિક્ષકો માટે ખુબ જ કપરૂ હતું. અમારા દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં મુંગા બહેરા તથા અંધજનોનો સમાવેશ થાય છે. અમારા શિક્ષકો વિડીયો બનાવીએ તેઓને વોટ્સએપ પર મોકલીને અભ્યાસ કરાવતા હતા. અમારા વિદ્યાર્થીઓ વિડીયો જોઈને-સાંભળીને અભ્યાસ કરતાં હતા. જે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ-સાંભળી શકતા નહોતા તેમને તેમના વાલીઓ સાઈન લેંગ્વેજ વડે વિડીયોની માહિતી આપી અભ્યાસ કરાવતા હતા, તેમ માનસીએ જણાવ્યું હતું.
નોંધનિય છે કે, રાજકોટ ઉપરાંત હાલમાં ડિસેબલ આઇ.ટી.આઇ. બરોડામાં કાર્યરત છે, જ્યારે સુરત ખાતે ડિસેબલ આઇ.ટી.આઇ. માટેની મંજુરી આપવામાં આવી છે.
આ તાલીમ અનેક દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.