22મીએ દેશભરના ઝવેરી સંગઠનોની બેઠક બોલાવતું BIS
સોનાની ખરીદી-વ્યવહારમાં લોકો-ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા માટે શુદ્ધતાની ગેરંટી આપતી હોલમાર્ક પ્રથા ફરજીયાત કરવામાં આવી જ છે. હવે 9 કેરેટનાં સોનાના દાગીનામાં પણ હોલમાર્ક ફરજીયાત બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
પ્રવર્તમાન કાયદા હેઠળ હાલ 14,18,20,22,23 અને 24 કેરેટના સોનાના દાગીનામાં જ હોલમાર્ક ફરજીયાત છે. હવે 9 કેરેટનાં દાગીનામાં પણ તે અનિવાર્ય બનાવવાનો પ્રસ્તાવ કરાયો છે. સાથોસાથ ચાંદીમાં પણ હોલમાર્ક ફરજીયાત બનાવવાનો ફેંસલો થશે. હોલમાર્ક પ્રક્રિયાનું સંચાલન કરતી બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડડ દ્વારા આગામી 22 મીએ દેશભરના ઝવેરી સંગઠનો સાથે મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી છે.
- Advertisement -
સુત્રોના કહેવા પ્રમાણે સોનાના 80 ટકા દાગીના 22 કેરેટનાં જ હોય છે 18 કેરેટનાં દાગીનાનો હિસ્સો 16 ટકા છે. પરંતુ હવે કેટલાંક વખતથી સોનાના ભાવ રેકોર્ડસ્તરે છે અને લોકોમાં લાઈટ વેઈટ જવેલરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ત્યારે જવેલર્સો 9 કેરેટનાં દાગીના પણ બનાવવા લાગ્યા છે. આ સંજોગોમાં 9 કેરેટનાં દાગીનાને પણ હોલમાર્ક કાયદા હેઠળ આવરી લેવાની દરખાસ્ત કરવામાં આવી છે. સોના ઉપરાંત ચાંદી તથા તેના દાગીનામાં પણ હોલમાર્ક ફરજીયાત કરવા વિશે ચર્ચા કરીને ફેંસલો કરાશે.
છેલ્લા ચાર વર્ષમાં માત્ર 82 લાખ ચાંદીના દાગીના હોલમાર્ક કરાવવામાં આવ્યા છે. આ સંખ્યા સાવ મામુલી છે. કારણ કે દર મહિને 50 લાખથી વધુ ચાંદીના આભુષણો વેચાતા હોય છે.