સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોને પ્રવાસનનું હબ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે વિઝન
મોકર સાગરનો પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પ્રવાસન ક્ષેત્રે પોરબંદરની કાયાપલટ થશે: મૂળુભાઇ બેરા
- Advertisement -
મોકર સાગરનાં કામમાં કોઈ વિલંબ ન થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.12
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન સૌરાષ્ટ્રના પ્રવાસન વિસ્તારને વિશ્વકક્ષાના પ્રવાસન તરીકે વિકસાવવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વિકાસના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એમાંનો એક પ્રોજેક્ટ પોરબંદર નજીક મોકર સાગરનો છે. મોકર સાગરને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાનું સપનું હવે સાકાર થશે. સિંચાઇ વિભાગને કરવાનું થતું કામ હવે પ્રવાસન વિભાગને સોંપાતા ચૂંટણી પહેલા ટેન્ડર બહાર પડાયું છે. ગુણવત્તા અને સમય ધ્યાનમાં રાખી રૂ.180 કરોડથી વધારીને પ્રોજેક્ટ માટે 200 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ પણ મંજૂરી આપી છે.મોકર સાગરનો પ્રોજેક્ટ આગામી સમયમાં શરૂ થયા બાદ વહેલો પૂરો થવાથી પ્રવાસન ક્ષેત્રે પોરબંદરની કાયાપલટ થશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોરબંદર જિલ્લાના મોકરસાગર ડેમને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાનું સપનું સેવ્યુ છે. તેને પૂરું કરવા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કાર્યશીલ છે. પોરબંદર નજીક આવેલ મોકરસાગર વેટલેન્ડ ખાતે દેશ-વિદેશના અનેક પક્ષીઓનો જમાવડો રહે છે. આ મોકર સાગર વેટલેન્ડને વિશ્વ કક્ષાનું વેટલેન્ડ બનાવવા માટે ગયા વર્ષે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ સ્થળ મુલાકાત કરી હતી. અને ત્યારે 200 કરોડ રૂપિયાના ખર્ચે આ વેટલેન્ડને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાની જાહેરાત કરી હતી.
તાજેતરમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા અને વન પર્યાવરણ તથા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મોકરસાગર ડેમને-સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ બનાવવાના સપનાને સાકાર કરવાની વાતને દોહરાવી હતી. તેમણે કહ્યું હતું કે સિંચાઈ વિભાગને કરવાનું થતું કામ હવે પ્રવાસન વિભાગને હેન્ડ ઓવર કરવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા જ મોકર સાગર ડેમને વિકસાવવાના કામનું ટેન્ડર બહાર પડાયું છે.કામમાં કોઈ પ્રકારનો વિલંબ ન થાય અને વહેલી તકે કામ શરૂ થાય તેવા હકારાત્મક અભિગમ સાથે કામગીરી શરુ થશે. આગામી સમયમાં વહેલી તકે મોકર સાગર ડેમને વિકસાવવાનો પ્રોજેક્ટ શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમનાથ, જુનાગઢ, પોરબંદર તેમજ બરડા અભયારણ તથા દ્વારકાએ પ્રવાસન ક્ષેત્રે મહત્વના સ્થળો રહ્યા છે. અહીં દરિયો, પહાડો, કુદરતી સૌંદર્ય સહિત હોવાથી મોકર સાગર વેટલેન્ડ ડેવલોપ થયા બાદ પોરબંદર વિશ્વકક્ષાએ પ્રવાસન ક્ષેત્રે એક આગવી ઓળખ ઉભી કરશે, અહીં સહેલાણીઓના આવવાથી રોજગારીની તકો વધશે. એક લાખથી વધુ પક્ષીઓના આશ્રયસ્થાનને વિકસાવવા ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર અને માર્ગોનું નવીનીકરણ કરાશે, તેમજ દરિયાનું ખારું પાણી આગળ વધતું અટકાવી વેટલેન્ડ સાઈટના ડેવલપમેન્ટ માટે પ્રવાસન લક્ષી માળખાગત કામો હાથ ધરાશે, જેનો લાભ સ્થાનિકોને લાભ થશે. પ્રવાસન ક્ષેત્રે મોકર સાગર વેટલેન્ડ ડેવલોપ થવાથી આસપાસના ગ્રામ્ય પંથકના લોકો રોજગારી વધવાના કારણે આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે.



