ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા વીજ તંત્રના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં વીજ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તાકીદે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. કાંધલભાઈ જાડેજાએ તેમના મત વિસ્તારમાં આવતા તમામ વિસ્તારોના વીજ પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.શહેરી વિસ્તારોની જેમ જ ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં પણ વીજળી વિતરણમાં ખામી ન રહે તે માટે કાંધલભાઈએ અધિકારીઓને ચોક્કસ આયોજન કરવા કહ્યું છે. ચોમાસા દરમિયાન વીજ સમસ્યાઓ ગંભીર બની જતી હોવાથી અને સમયસર સમારકામ ન થવાના કારણે ઉઠતી ફરિયાદોનો નિકાલ કરવા માટે ખાસ ધ્યાન આપવાની જરૂરીયાત છે.
- Advertisement -
ઘેડ પંથકમાં દરિયાઇ પટ્ટી વિસ્તારમાં વીજ વાયરો કાંટ ખાઈ જતાં હોય છે, જેના કારણે નવા અને મજબુત વીજ ફીડરો ફીટ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. બરડા પંથકમાં જેમ 145 કિ.મી.ની લાંબાઈમાં નવી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ થઈ છે, તેવી જ રીતે ઘેડ પંથકમાં પણ સુચારૂ વીજ પુરવઠા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા ધારાસભ્યએ જણાવ્યું છે.