શહેરમાંથી વધુ એક ગેરકાયદે ધમધમતી સ્કૂલ મળી આવતા બંધ કરાવવામાં આવી
હોલીફેઝ શાળાના સંચાલકોે ‘અમો શાળા બંધ કરીએ છે’ તેવી શિક્ષણ વિભાગને સામેથી લેખિત અરજી આપી ગયા
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.8
- Advertisement -
વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી વધુ એક મંજુરી વગર ચાલતી અંગ્રેજી માધ્યમની શાળા મળી આવતા શિક્ષણ વિભાગે બંધ કરાવીને શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવા જીલ્લા શિક્ષણધિકારીને રીપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે.
સોમનાથ ટોકીઝ વિસ્તારમાં બાળકોને ભવિષ્ય સાથે ચેડા કરતી અનેક ગેરકાયદેસર શાળાઓ ચાલતી હોય ત્યાં તપાસ કરી કાર્યવાહી કરવા મુસ્લીમ સમાજના પટેલએ માંગ કરી છે.વેરાવળમાં મંજુરી વગર ચાલતી બે શાળાઓ મળી આવ્યા બાદ જાગેલા શિક્ષણ વિભાગે ગેરકાયદેસર શાળાઓ શોધવા માટે વ્યાપક તપાસ હાથ ધરી છે. જેમાં વધુ મંજુરી વગર ચાલતી શાળા મળી આવી છે. જે અંગે પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળમાં રેલવે ફાટક પછી સોમનાથ ટોકીઝ વિસ્તારમાં એક બિલ્ડીંગમાં ચાલતી હોલીફેઝ અંગ્રેજી શાળામાં ટીપીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા અનેક ગેરરીતી સામે આવી હતી. શાળાના સંચાલકો પાસેથી મંજુરીના આધાર પુરાવા માંગતા તેઓ રજુ કરેલ ન હતા અને અમો શાળા બંધ કરીએ છીએ તેવી અરજી આપી ગયા હોવાનું ટીપીઓ હડીયાએ જણાવી વધુમાં કહેલ કે, હોલીફેઝ સ્કુલની મંજુરી અન્ય સ્થળની હોય તે બિલ્ડીંગ પણ જર્જરીત હોવાની સાથે અનેક નિયમોની વિરુધ્ધ સ્કુલ ચાલતી હોવાનું જાણવા મળેલ છે. જેને લઈ સ્કુલને લઈ એક રીપોર્ટ તૈયાર કરીને જીલ્લા શિક્ષણધિકારી સમક્ષ મોકલવા તજવીજ હાથ ધરી છે.
આ શાળામાં અભ્યાસ કરતા 252 જેટલા વિદ્યાર્થીઓને આસપાસની શાળાઓમાં ટ્રાન્સફર કરવા સુચના આપવામાં આવી છે. આ હોલીફેઝ શાળા કેટલા સમયથી ચાલતી હતી ? અત્યાર સુધી શિક્ષણ વિભાગના ધ્યાને કેમ ન આવી ? તેવા અનેક પ્રશ્નોના જવાબ શિક્ષણધિકારીને કાર્યવાહી બાદ જ સામે આવે છે કે કેમ તે જોવું રહેશે. આ વિસ્તારમાં સુવિધા વગરની અને નિયમો વિરૂધ્ધ ચાલતી અનેક શાળાઓ સામે તપાસ કરવામાં આવે તેવી માંગ છે.