પરિપ્રેક્ષ્ય:સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
હૈ બુંદ મેં ડૂબી દુનિયા, તેરા કિસ્સા કૌન સુનાયે;
જો કહે તુજે ના જાને, જો જાને કહે ન પાયે.
– મનોજ મુંતશિર
- Advertisement -
વિજ્ઞાનીઓ એવું માને છે કે બ્રહ્માંડની જન્મ એક મહાવિસ્ફોટથી થયો હતો જેને બિગ બેંગ કહેવાય છે પણ હજી આ વાત એક સંશોધનનો જ વિષય રહી છે. ઘણી બધી થિયરીઝ આવી ગઈ છે અને આવતી રહેશે. જો આ વાતને સાચી માનીએ તો પણ તેનાથી આગળ એ પ્રશ્ન થાય કે તો બિગ બેંગ પહેલા શું હતું. હવે આ વાતનો અંત નથી. જ્ઞાનનો એક દરવાજો ખુલે કે અજ્ઞાનરૂપી બીજા ઘણા દરવાજા બંધ થયેલા દેખાય. ગાંધીજીએ આપણા શાસ્ત્રોની ઉક્તિ ટાંકીને કહ્યું છે કે પિંડે સો બ્રહ્માંડે! આખા બ્રહ્માંડને જાણવાની આપણી ક્ષમતા નથી પણ આપણે પોતાને તો જાણી શકીએ ને! આપણી અંદર પણ એક સૃષ્ટિ વસી છે.
આ જ વાત આપણે ’રાંઝણા’ મુવીના ગીતમાં પણ જોઈ શકીશું. આમ તો સૂફી પરંપરા પરના ઘણા ગીતો બોલીવુડમાં બની ગયા છે, હિટ થયા છે અને વખણાય પણ છે પણ આ ગીત એ જોઈએ એટલું ફેમસ નથી થયું. “ખ્વાજા મેરે ખ્વાજા” અને “કૂન ફાયા કુન”ની હરોળમાં મૂકી શકાય એવું આ ગીત અદભુત છે.
“જિસકો ઢૂંઢે બહાર બહાર વો બેઠા હૈ અંદર છુપકે;
તેરે અંદર એક સમંદર કયું ઢૂંઢે ટુપકે ટુપકે?”
- Advertisement -
તું જેને ગોતી રહ્યો છે તે તો તારી અંદર છે. તું પોતે જ સમુદ્ર હો છતાં ખાબોચિયા શા માટે શોધી રહ્યો છે? જેટલી બહારની યાત્રા મહત્વની છે તેટલી જ અંદરની યાત્રા પણ મહત્વની છે. માણસ બહાર તો ખુબ સફર કરે છે પણ અંદર પોતાની જાતને ખેડતો નથી. અંતે એ એટલે જ ખુબ સફર (તીરરયિ) કરે છે. આ યાત્રા કરવી હોય તો?
“અકલ કે પરદે પીછે કર દે, ઘૂંઘટ કે પટ ખોલ રે;
તોહે પિયા મિલેંગે મિલેંગે મિલેંગે.”
બુદ્ધિ બહુ કામની ચીજ છે પણ ઘણીવાર આ બુદ્ધિ અનુભવની આડે આવી જાય છે. માણસ એટલું વિચારે છે અનુભવવા જેવો રહેતો નથી. સનમને પામવા માટે બુદ્ધિને અતિક્રમી જવું પડે. ઓશોએ પણ કહ્યું છે કે બહુ જાણીને કંઈ વળતું નથી. જ્ઞાનની એક મર્યાદા આવી જાય છે. ત્યારબાદ જે જાણો છો તે બનવું પડે છે.
“પાકે ખોના ખોકે પાના હોતા આયા રે,
સંગ સાથી સા હૈ વો તો વો હૈ સાયા રે;
દગા તૂને કી ના બસ જી સે જી મેરે,
બોલે સીને મેં વો તેરે ધીમે ધીમે.”
જગતમાં સુખદુ:ખ, સારાખરાબનું ચક્ર ચાલ્યા કરવાનું. ક્યારેક વરસાદ, ક્યારેક તડકો, ક્યારેક નફો તો ક્યારેક ખોટ પણ આ બધામાં માણસને કોઈક તત્વ હંમેશા ઝઝૂમવા માટે પ્રેરે છે, તેને હૈયાધારણ આપે છે, તેના જીવતરમાં આશારૂપી ઈંધણ પુરે છે. કાજળઘેરા અંધકારમાં પણ માણસનો પીછો છોડતું નથી. મજાની વાત એ છે કે તે માણસની શ્રદ્ધા પર આધાર રાખે છે. ભગવાન માણસને સહારો આપે છે તો માણસની શ્રદ્ધા ભગવાનના અસ્તિત્વને તેના દિલમાં ટકાવી રાખે છે.
વિરામ:
“તમે જેને દિલના ઊંડાણથી પ્રેમ કરો છો તે તમને બચાવે છે”
– રૂમી
આ વાત ઘણાને નહી ગમે પણ આપણે જેમાં શ્રદ્ધા રાખીએ છીએ તે જજ આપણને બળ આપે છે. આપણી શ્રદ્ધા વગર તેનો કોઈ મતલબ નથી. “સંશયાત્મા વિનશ્યતિ!” કૈક છે જે આપણને સારા બનવા પ્રેરે છે કે જે આપણી અંદર છે. ઇનર વોઇસ, ભગવાન, ખુદા, દિલ, પરમાત્મા જે કહો તે! “નામરૂપ જૂજવા અંતે તો સઘળું હેમનું હેમ” એ આપણને કહે છે કે હે મારા જીવ! દગો ના કર. સૌ સરળ શબ્દોમાં ખુબ જ મહાન બાબત કહેવી એ જ ગીતકારની ખૂબી છે.
” જો હૈ વહી દેખા તો ક્યાં દેખા હૈ,
દેખો વો જો ઔરોને ના કભી દેખા હૈ;
નૈનો સે ના ઐસા કુછ દેખા જતા હૈ,
નૈના મીચો તો વો સબ દિખ જાતા હૈ.”
આગળ વાત કરી તેન બુદ્ધિની જેમ ઇન્દ્રિયો પણ અનુભવની યાત્રામાં અંતરાય બની શકે છે. બધુંય કંઈ આંખ દ્વારા જોઈ શકાતું નથી, તો તો અંધજનો સૌ અજ્ઞાની જ બની રહેત અને આંખોવાળા જ્ઞાનનો ભંડાર પામત. ઘણુંય એવી છે કે જે માત્ર આંખોથી નથી દેખાતું. આંખોથી સુંદરતા દેખાય પણ તે સુંદરતા પાછળની સૌમ્યતા કે કુટિલતા પામવા દ્રષ્ટિ જોઈએ. દેખાવમાં તો કૃષ્ણ અને પોન્ડ્રિક બને સરખા હતા પણ એ બંને વચ્ચેનો ફરક આપણને ખબર છે. જે બીજા જોઈ ન શકતા હોય એ જોવાથી જ વાત બને. એ અજ્ઞાતને જોવા માટે આંખો બંધ કરવી પડે અને આંખો બંધ કરતાં જ તે દ્રશ્યમાન થાય! એટલે જ ધ્યાન બંધ આંખે કરવામાં આવે છે. માહિતી સારી છે પણ વધુ પડતી માહિતી અનુભવનને અવરોધે છે તો એ માહિતીના પ્રવાહની હાલ બંધ બાંધવો બહેતર! જીવન એ માત્ર જ્ઞાન નથી, અનુભવ પણ છે.
“ઉસીકો પાના ઉસીકો છૂના,
કહી પે વો ના, કહી પે તું ના;
જહાં પે વો ના, વહાં પે સૂના,
યહાં પે સૂના…
તોહે પિયા મિલેંગે મિલેંગે મિલેંગે.”
પૂર્ણાહુતિ:
“પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટુંપણું તુચ્છ લાગે;
દુબળા ઢોરનું કુશકે મન ચરે, ચતુરધા મુક્તિ તેઓ નવ માંગે.”
– નરસિંહ મહેતા