સરહદી વિસ્તારોમાં પણ રસ્તાઓ બનાવવાની યોજના
દેશભરમાં 18 હજાર કિ.મી.ના એક્સપ્રેસ વે અને હાઈસ્પીડ કોરિડોર બનાવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
નીતિન ગડકરી અને તેમની આગેવાની હેઠળના માર્ગપરિવહન અને હાઈવેઝ મંત્રાલયે 30 હજાર કિલોમીટરના હાઇવે અને એક્સપ્રેસવેનું આયોજન તૈયાર કર્યુ છે અને આ માટે સરકારના બજેટમાંથી કુલ 22 લાખ કરોડ રુપિયાની માંગ કરી છે. માર્ગ પરિવહન અને હાઈવેઝ, મંત્રાલયનું કહેવું છે કે 2031-32 સુધી દેશમાં 30,600 કિ.મી.ના હાઈવે બનાવવામાં આવશે. આ આયોજન નાણા મંત્રાલયને સોંપવામાં આવ્યું છે અને બધા અગત્યના મંત્રાલયો સાથે તે શેર કરવામાં આવ્યું છે. આ પ્લાન મુજબ દેશભરમાં 18 હજાર કિલોમીટરના એક્સપ્રેસ વે અને હાઈસ્પીડ કોરીડોર બનાવવાની તૈયારી છે.
આ ઉપરાંત શહેરની આસપાસના 4000 કિ.મી.ના હાઈવેને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવાનું આયોજન પણ છે. તેની સાથે સરહદી વિસ્તારોમાં પણ રસ્તાઓ બનાવવાની યોજના છે, જેનું વ્યૂહાત્મક રીતે આગવું મહત્ત્વ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ આ માટે 25 ટકા રકમ ખાનગી ક્ષેત્રમાંથી આવશે. આ માટેની યોજના બે તબક્કામાં તૈયાર કરી દેવામાં આવી છે. તેમા પહેલા રાઉન્ડ હેઠળ 2028-29 માં ટેન્ડર જારી કરવાની બધી પ્રક્રિયા પૂરી થઈ જશે. આ પ્રોજેક્ટમાં કુલ 22 લાખ કરોડ રુપિયાનું રોકાણ થશે. આ ઉપરાંત મંત્રાલયે દર વર્ષે તેની ફાળવણીમાં દસ ટકા વધારો કરવાની પણ માંગ કરી છે, જેથી યોજનાઓ પૂરી કરી શકાય. સરકારે વચગાળાના બજેટમાં હાઈવે મંત્રાલયને 2.78 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરી હતી, જે ગયા વર્ષ કરતાં 2.7 ટકા વધારે હતી. માર્ગ પરિવહન મંત્રાલયની બીજા તબક્કાની યોજના તૈયાર છે જેના હેઠળ 28,400 કિ.મી.ના હાઈવે બનશે. તેનું ટેન્ડરનું કામ 2033-34 સુધી પૂરુ થશે અને પ્રોજેક્ટનું કામ 2036-37 સુધી પૂરુ થશે.