જે સાધકોને ક્રિયાયોગમાં રસ છે તેમને ડો.શરદ ઠાકરના વંદન. ક્રિયાયોગની પરંપરા મહાવતાર બાબાના સમયથી ચાલી આવે છે. યોગીરાજ લાહિરી મહાશયે એને પ્રચલિત કરી અને પછી તેમની જ પરંપરાના એમના પ્રશિષ્ય પરમહંસ યોગાનંદ દ્વારા એ સામાન્ય લોકો સુધી પહોંચી ગઈ. આ તબક્કે મારે ક્રિયાયોગ વિશે ઊંડાણમાં નથી જવું પણ લાહિરી મહાશય દ્વારા કથિત એક મુદ્દા વિશે વાત કરવી છે.
યોગીરાજ લાહિરી મહાશય બાહ્ય પૂજા ક્યારેય કરતા ન હતા.તેમના પત્ની સ્થૂળ પૂજા કરતા હતા. લાહિરી મહાશયે તેમને ક્યારેય રોક્યા કે ટોક્યા ન હતા. લાહિરી મહાશય પત્નીને કહેતા,” તમને જે ઇશ્વરમાં આસ્થા હોય તેની બાહ્ય પૂજા કરો જ. પરંતુ સાથે સાથે યોગકર્મ પણ કરતા રહો કારણકે યોગ પર જ ધર્મનો મૂળ આધાર છે. યોગ સાધના વિના આત્મદર્શન સંભવિત નથી. આત્મદર્શન વિના આત્મજ્ઞાન નથી થતું અને આત્મજ્ઞાન વિના મોક્ષ પ્રાપ્તિ સંભવિત નથી. મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ મોક્ષ પ્રાપ્તિ જ છે.” આ ક્રિયાયોગ આજે તો વિશ્વભરમાં ફેલાઈ ગયો છે.