યજ્ઞશાળા અને ધાર્મિક વિધિની સાધન સામગ્રીઓ નિશુલ્ક ઉપયોગ કરી શકાશે.
સુખ સુવિધાઓ અને ધર્મ ભક્તિથી સંપન્ન ગોંડલ શહેરમાં ધાર્મિક વિધિઓ માટે ચાર નવી યજ્ઞશાળા કેશવબાગ ખાતે નિર્માણ પામતા લોકો તેનો નિઃશુલ્ક ઉપયોગ કરી શકશે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરની ગોંડલી નદીના કિનારે આવેલ પૌરાણિક નૃસિંહ મંદિરની બાજુના કેશવબાગ ખાતે દાતાઓના સહયોગથી આશરે રૂપિયા નવ લાખના ખર્ચે મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના સદસ્યો દ્વારા ચાર અદ્યતન યજ્ઞ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, ધાર્મિક વિધિ લઘુ રુદ્રાભિષેક યજ્ઞ જેવા કાર્યો માટે જરૂર પડતા બાજોઠ, પાટલા, ગરબો દીવો, થાળી, વાટકા, ચમચી, અસનીયા, ડોલ, ધુપેલીયું, માટીના કોળિયા, ત્રામ્બાના ત્રાસ, યજ્ઞકુંડ સહિતના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, દરેક યજ્ઞ કુંડની બાજુમાં પાણીનો વાલ્વ, ફૂલ પાણીની વ્યવસ્થા, સ્નાન માટે બાથરૂમ તૈયાર કરાયા છે. આ સાથે અહીં ઘેઘુર વટ વૃક્ષ જેમાં પીપળો, વડલો, પીપર, ઉમરો, સકડો,આંબલી, કરણ, રાવણો, લીમડો, કેળ અને આસોપાલવ વૃક્ષો સાથે દૈદીપ્યમાન વાતાવરણ પણ મળી રહે છે.
- Advertisement -
ધાર્મિક વિધિ માટે ઇચ્છુક લોકોએ સ્મશાન ગૃહ ખાતે આવેલ મુક્તેશ્વર સેવા ટ્રસ્ટની ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે તમામ સાધનસામગ્રી નિશુલ્ક તેમ છતાં કોઈ દાતા દાન આપવા ઈચ્છતો હોય તો દાન આપી શકે છે તેવું અંતમાં જણાવાયું હતું.