બાળકોની સુરક્ષા અને બી.યુ. સર્ટિના હેતુને કોઈ લેવા-દેવા નથી: પ્રિ-સ્કૂલ મેનેજમેન્ટ એસો.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રિ-સ્કૂલને રજિસ્ટ્રેશન કરાવવા માટે ફેબ્રુ. 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન રાજકોટમાં બનેલી દુર્ઘટનાના પગલે સરકારની સૂચનાથી દરેક એકમોને ત્યાં બી.યુ. સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી. બાબતે ચકાસણી કરી સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના જી.ડી.સી.આર. મુજબ પ્રિ-સ્કૂલ રેસિડેન્સિયલ ઝોનમાં સમાવેશ થાય છે, પરંતુ તેમ છતાં રાજકોટમાં મનપાના અધિકારીઓ 30-5-2024થી શરૂ થયેલી સ્પેશિયલ ડ્રાઈવમાં પ્રિ-સ્કૂલનું ચેકીંગ કરી (કોમર્શિયલ-એજ્યુકેશનલ) બી.યુ. સર્ટિફિકેટ માગવામાં આવે છે
- Advertisement -
પરંતુ સંચાલકો પાસે જી.ડી.સી.આર.ના નિયમ મુજબ રહેણાંક બી.યુ. સર્ટિફિકેટ હોવાથી છેલ્લા દસ દિવસની અંદર ઘણી બધી પ્રિ-સ્કૂલને બી.યુ. સર્ટિફિકેટ ન હોવાનું કહી સિલ કરવામાં આવી છે. પ્રિ-સ્કૂલ મેનેજમેન્ટ એસો. દ્વારા જી.ડી.સી.આર.ના નિયમ મુજબ પ્રિ-સ્કૂલનું રહેણાંક બી.યુ. સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અંદાજે 500 જેટલી પ્રિ-સ્કૂલો આવેલી છે, જેમાં મોટાભાગની પ્રિ-સ્કૂલોનું સંચાલન બહેનો દ્વારા કરવામાં આવતું હોય છે. બાળકોની સુરક્ષા અને બી.યુ. સર્ટિફિકેટના હેતુને કોઈ સીધો સંબંધ નથી, જો વાત બાળકોની સુરક્ષાની હોય તો રાજકોટની એક પણ પ્રિ-સ્કૂલ બાળકોની સુરક્ષા બાબતે બાંધછોડ કરવા માંગતા નથી અને આ બાબતની બાંહેધરી લેવા રાજકોટ પ્રિ-સ્કૂલ એસોસિએશનના તમામ સંચાલકો તૈયાર છે અને જો આ માંગ મુજબ બી.યુ. સર્ટિફિકેટ બાબતે તંત્ર તરફથી નિર્ણય કરવામાં ન આવે તો 90 ટકા પ્રિ-સ્કૂલો બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે અને તેના કારણે સીધી કે આડકતરી રીતે લગભગ 4000 જેટલી બહેનોને આર્થિક રીતે નુકસાન થઈ શકે છે.



