કોડીનારના જગતીયામાં ધર્મ અને વિજ્ઞાનનો અદભુત સમન્વય
જગડુશા આશ્રમમાંથી નીકળતા કુદરતી ગેસની જ્વાળા દઝાડતી નથી!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
કોડીનાર તાલુકાના જગતીયા ગામે આવેલા શેઠ જગડુશાના આશ્રમમાં જમીનમાંથી એક ચમત્કારિત જ્યોત નીકળે છે. ખાસ વાત એ છે કે, જગડુશા આશ્રમમાંથી નીકળતા કુદરતી ગેસની જ્વાળા દઝાડતી નથી. આશ્રમની જમીનમાંથી નીકળતી આ જ્યોતથી ચાથી લઈ રસોઈ પણ બને છે, જોકે અહીંની જમીનમાંથી નીકળતા ગેસને સ્ટોરેજ કરી બહાર લઈ જઈ શકાતો નથી. આ ગેસ રંગ અને ગંધવિહીન છે, તેનાથી આસપાસમાં ક્યાંય પ્રદુષણ ફેલાતું નથી. ગેસની જ્યોત દાયકાઓ પહેલાની પ્રજ્વલિત છે. શેઠ જગડુશાના આશ્રમ સાથે હરસિધ્ધિ માતાજીનું મંદિર પણ આવેલું છે. અહીંના શેઠ જગડુશાને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે. અહીં શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે, જમીનમાંથી નીકળતી જ્યોતને તપાસવા આ આશ્રમમાં વૈજ્ઞાનિકો પણ આવી ચૂક્યા છે.
જો સરકાર આ જગ્યાને પવિત્ર યાત્રાધામમાં સમાવે અને પર્યટનીય સ્થળ તરીકે વિકસાવે તો આ જગ્યાની ઓળખ સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થઈ શકે તેમ છે. જગતીયા ગામના શેઠ જગડુસા આશ્રમ ખાતે શ્રદ્ધાળુઓ દર્શને માટે આવે છે અને પોતપોતાની આસ્થા મુજબ કોઈપણ માનતાઓ માને છે, આ માનતા પૂર્ણ થતા આસ્થા અનુસાર અહીં જ્યોતમાં જ પ્રસાદી બનાવી પ્રસાદ ગ્રહણ કરે છે. ઉલ્લેખનીય છે કે, આશ્રમમાં પ્રજ્વલિત અખંડ જ્યોતને હિમાલયમાં આવેલાં જ્વાલાજી સાથે સરખાવામાં આવે છે. શેઠ જગડુશાની જગ્યાનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. શેઠ જગડુશાએ કર્ણનો અવતાર હતા એવું કહેવાય છે.
- Advertisement -
વૈજ્ઞાનિકો પણ નથી સમજી શક્યા જ્યોતનું ચમત્કારિત રહસ્ય
ગિર-સોમનાથ જિલ્લાના કોડીનારથી 12 કિમીના અંતરે જગતીયા ગામ આવેલું છે, જ્યાં વર્ષોથી જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. આ ગેસ પર રસોઈ પણ બને છે. આ ગેસથી એક જ્યોત પ્રજ્વલિત થાય છે, ચમત્કારની વાત એ પણ છે કે આ જ્યોતની જ્વાળા દઝાડતી નથી, જે રહસ્ય આજ સુધી કોઈ સમજી શક્યું નથી. આઝાદી પહેલા અંગ્રેજોનાં સમયમાં અનેક અંગ્રેજ ઓફિસરો અને ઈજનેરો અહીં આવ્યા હતા. આ ગેસની તપાસ પણ કરી, આ ગેસના સંગ્રહ માટે પ્રયત્નો કરી જોયા, પણ સફળ ન થયા. આઝાદી બાદ ભારત સરકારની કંપની ઓએનજીસીના ઈજનેરો પણ અનેક વખત અહીં આવ્યા, અહીંથી નીકળતા ગેસને સ્ટોરેજ કર્યો પરંતુ જેવા એ આ જગ્યાની બહાર ગયા કે સ્ટોરેજ કરેલો ગેસ ઉડી ગયો હતો. જે આ જગ્યાનું સત છે તેવું સ્થાનિકો માની રહ્યા છે.



