સુરક્ષા દળો ખતરાને પહોંચી વળવા માટે વધુ સારી સ્થિતિમાં ; લોન્ચપેડ પણ તૈયાર હોવાની બાતમી મળ્યા બાદ સરહદ પર સૈન્ય અને પોલીસ એલર્ટ પર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
- Advertisement -
પાકિસ્તાન સરહદ એલઓસી પાસે આશરે 100થી વધુ આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હોવાના રિપોર્ટ સામે આવ્યા છે તેમ જમ્મુ કાશ્મીરના ડીજીપી આર.આર. સ્વૈને જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનની ક્ષમતા દિવસે ને દિવસે ઘટી રહી છે. તેમ છતા તે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને મોકલવાનું બંધ નથી કરી રહ્યું. અમને માહિતી મળી છે કે સરહદે 100થી વધુ આતંકીઓેને પાકિસ્તાને એલઓસી પર ઘૂસણખોરી માટે સક્રિય રાખ્યા છે. આ માહિતી સામે આવ્યા બાદ સરહદ પર સૈન્યને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં સીઆઇડી અને ડીજીપી બન્નેનો કાર્યભાર સંભાળી રહેલા આર. આર. સ્વૈને પીટીઆઇ સાથે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટુકડીઓ બનાવીને આતંકીઓને ઘૂસણખોરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે. પાકિસ્તાનની ક્ષમતા જરૂર ઘટી છે પણ ઇરાદા નથી બદલાયા, તે હજુ પણ આતંકીઓને ઘૂસાડવાની તૈયારીમાં છે. પાકિસ્તાન ડ્રોન વગેરેની મદદથી જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને હથિયાર પહોંચાડી રહ્યું છે તે પણ હજુ સંપૂર્ણપણે નથી અટક્યું. સરહદી વિસ્તારોમાં હજુ પણ ડ્રોન દ્વારા હથિયારો મોકલવામાં આવી રહ્યા છે. જે સુરક્ષા દળો સામે એક મોટો પડકાર છે.
પાકિસ્તાનનું નામ લીધા વગર ડીજીપીએ કહ્યું હતું કે પશ્ચિમી પાડોશી દેશની ક્ષમતા ઘટાડવામાં સફળતા જરૂર મળી છે. પણ હજુસુધી આતંકનો ખતરો ટળ્યો નથી. જોકે કોઇ પણ પ્રકારના ખતરાને પહોંચી વળવા માટે પોલીસ સૈન્ય સહિતના સુરક્ષા દળો એલર્ટ પર છે. ડ્રોન દ્વારા આતંકવાદી હથિયારો, વિસ્ફોટક સામગ્રી, રોકડા રૂપિયા તેમજ નશીલા પદાર્થો ઘૂસાડવામાં આવી રહ્યા છે તેના પર અમારી નજર છે. અગાઉ કરતા હાલ સુરક્ષા દળો ખતરાને પહોંચી વળવા માટે વધુ સારી સ્થિતિમાં છે તેમ છતા ખતરાને સંપૂર્ણપણે ટાળવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 100થી વધુ આતંકીઓ ઘૂસખોરીની ફિરાકમાં છે અને લોન્ચપેડ પણ તૈયાર હોવાની બાતમી મળ્યા બાદ સરહદ પર સૈન્ય અને પોલીસ એલર્ટ પર છે.
- Advertisement -
હજુ બે સપ્તાહ પહેલા જ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા બે મોટા હુમલા કરવામાં આવ્યા હતા, આતંકીઓએ એક પૂર્વ સરપંચની હત્યા કરી હતી જ્યારે પહલગામમાં જયપુરના પર્યટકો પર હુમલો કર્યો હતો જેમાં કપલ ઘાયલ થયું હતું. હાલમાં ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો કાશ્મીર પ્રવાસે જતા હોય છે. આ સ્થિતિ વચ્ચે આતંકીઓ સરહદેથી ઘૂસવાની ફિરાકમાં હોવાના અહેવાલો બાદ જમ્મુ કાશ્મીરમાં પોલીસે જાહેર સ્થળોએ પણ પેટ્રોલિંગ વધારી દીધુ છે.