8 રૂમમાં 14 ટેબલ પર મતની ગણતરી થશે : પોલીસનો ત્રિ-સ્તરીય બંદોબસ્ત; મતદાન કેન્દ્ર પાસે વાહનની અવરજવર પર પ્રતિબંધ
બપોર સુધીમાં પરિણામ જાહેર થશે, ચૂંટણી ઓબ્ઝર્વરની હાજરીમાં 1100 કર્મચારીને ફરજ સોંપાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે મતગણતરીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટનાં સંસદ સભ્ય કોણ બનશે ? તેનો આવતીકાલે ચુકાદો આવી જશે. આવતીકાલે સવારે 8 વાગ્યે કણકોટ નજીક આવેલ ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવશે.
સાત મતગણતરી કેન્દ્રોમાં 14 ટેબલ પર રાઉન્ડ ધ કલોક ઈવીએમ મશીનમાં થયેલ મતદાનની ગણતરી કરવામાં આવશે જ્યારે એક રૂમમાં બેલેટ પેપર અને ઈવોટીંગની ગણતરી કરવામાં આવશે. આજે સવારે ચૂંટણી ઓબ્ઝર્વર પૃથ્વીરાજ કપુરની હાજરીમાં મતગણતરી માટે 1100 કર્મચારીઓને ટ્રેનીંગ આપી ફરજ સોંપવામાં આવી હતી
- Advertisement -
રાજકોટની ચર્ચાસ્પદ બનેલ લોકસભા બેઠકને પણ મંગળવારે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો છે. કાલાવડ રોડ કણકોટ નજીક ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે અલગ અલગ 8 રૂમમાં મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે અને બપોરના 1 વાગ્યા સુધીમાં પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે તેમ જાણવા મળેલ છે. મતગણતરી કેન્દ્ર પાસે સીઆરપીએફ, એસઆરપી અને પોલીસનો ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મતદાન કેન્દ્ર પાસે વાહનની અવર જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ દેશભરમાં અલગ અલગ 7 તબક્કામાં મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં આજે આખરી તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને મંગળવારે સમગ્ર દેશમાં એક સાથે મતગણતરી રાખવામાં આવી છે. જેના માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મંગળવારે 4 જૂનના રોજ કાલાવડ રોડ કણકોટ નજીક આવેલ ગર્વમેન્ટ એન્જીનિયરીંગ કોલેજ ખાતે સવારે 8 વાગ્યે અલગ અલગ આઠ કાઉન્ટીંગ સેન્ટરમાં મતગણતરી શરૂ કરવામાં આવશે. જેમાં 7 રૂમમાં 7 વિધાનસભા બેઠકના મતની ગણતરી કરવામાં આવશે. ત્યારે એક રૂમમાં બેલેટ પેપર અને ઈ વોટીંગની ગણતરી કરવામાં આવશે. મત ગણતરી સેન્ટરમાં 14 ટેબલ પર રાઉન્ડ ધ કલોક મત ગણતરી રાખવામાં આવી છે અને રાજકોટ લોકસભા બેઠકમાં 59.69 ટકા મતદાન થયું હોય જે મતદાન જોતા 18 કે 19 રાઉન્ડમાં મતગણતરી ચાલશે તેમ જાણવા મળેલ છે. રાજકોટ લોકસભા બેઠકમાં સૌથી વધુ મતદાન ટંકારામાં 66.84 ટકા અને સૌથી ઓછું મતદાન જસદણમાં 55.68 ટકા નોંધાયું છે. ચૂંટણી ઓબ્ઝર્વર પૃથ્વીરાજ કપુર અને જિલ્લા કલેકટર પ્રભવ જોષીની હાજરીમાં મતગણતરીનું કાઉન્ડાઉન શરૂ કરાશે જેના માટે 1100 કર્મચારીની ડયુટી ફાળવવામાં આવી છે. સોમવારે સવારે ચૂંટણી ઓબ્ઝર્વરની હાજરીમાં મતગણતરી માટે જે કર્મચારીઓને ફરજ સોંપાઈ છે તેઓનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવશે
અને મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે ફરી મતગણતરીમાં રોકાયેલા સ્ટાફનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવશે અને ત્યારબાદ સવારે 8 કલાકે 8 રૂમમાં મતગણતરી શરૂ કરાશે અને બપોરના 1 વાગ્યા સુધીમાં પરિણામ ઘોષિત કરી દેવામાં આવે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીમાં સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે મતગણતરી માટેની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં રાજકોટ જિલ્લા કલેકટરે ગર્વમેન્ટ એન્જીનિયરીંગ કોલેજ ખાતે 4થી જૂન અને મંગળવારના રોજ મતગણતરી રાખવામાં આવેલ હોય જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ, તમાકુ, ગુટખા, પાન, બીડી લઈ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
ચૂંટણી ઓબ્ઝર્વર સિવાય કોઈપણ અધિકારી કે જુદા જુદા પક્ષના એજન્ટો, પત્રકારો, ફોટોગ્રાફરો મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે નહીં. જ્યારે પત્રકારોને મીડિયા સેન્ટર સુધી જ મોબાઈલ લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોટોગ્રાફરોને હેન્ડીકેમ કેમેરા લઈ જવાની મંજુરી આપવામાં આવી છે. મીડિયા સેન્ટરમાં મતગણતરીના દરેક રાઉન્ડનું લાઈવ ટેલીકાસ્ટ થઈ શકે તે માટે સ્ક્રીન મુકવામાં આવી છે.
ઈવીએમ મશીનમાં ફોલ્ટ સર્જાઈ કે સ્ક્રીનમાં કેટલા મત પડયા તે નજરે ન પડે તો વીવીપેટના મત ગણવામાં આવશે અને વીવીપેટના મત માન્ય રહેશે. તેમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે ગત ગણતરી કેન્દ્રમાં તમાકુ, ગુટખા, પાન, બીડી લઈ જવાની પણ મનાઈ કરવામાં આવી છે.