ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો સાથે શું વહીવટ હતો : તપાસનો વિષય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચે રાજકોટ મહાનગર પાલિકાના ટીપીઓ એમ. ડી. સાગઠિયા, એટીપીઓ મુકેશ મકવાણા, એટીપીઓ ગૌતમ જોશી, એસટીઓ રોહિત વિગોરાની ધરપકડ કરી હતી. આ ચારેયને કોર્ટમાં રજુ કરવામાં આવતા, અદાલતે સ્પે.પીપીની દલીલો, પોલીસ કાગળો, પક્ષકારોની દલીલો ધ્યાને લઈ 14 દિવસના રિમાન્ડની માંગણી સામે 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ટીઆરપીનો આખો માચડો ગેરકાયદેસર હતો. જે હકીકતનો ખુદ અધિકારીઓએ સ્વીકાર કર્યો છે. હુકમ છતાં ડીમોલિશન કેમ ન થયું? કોની ભલામણ હતી? કે કોનું દબાણ હતું? અધિકારીઓ ગેમઝોનના સંચાલકોને કેટલીવાર મળ્યા? કોઈ ’લાભ’ લીધો’તો? વગેરે સવાલનો જવાબ જાણવા સંચાલકો – અધિકારીઓની ક્રોસ પૂછપરછ થશે. ક્રાઈમ બ્રાંચે ટીપીઓ મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, (ઉં. વ..55, રહે. અલખધણી એપાર્ટમેન્ટ, શિવશક્તિ કોલોની શેરી નં.4, યુનિવર્સિટી રોડ, રાજકોટ) એટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી (ઉં. વ.46, રહે. 1, વિષ્ણુવિહાર સોસા. રૂડા-2 ની બાજુમાં પ્રેમ મંદિર રોડ યુનિવર્સિટી રોડ, રાજકોટ), એટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા (ઉં. વ. 43, રહે. ’કુશલ’ દિપવન પાર્ક શે.નં.1, મહાત્માગાંધી સ્કૂલની બાજુમાં નાનામવા રોડ, રાજકોટ) અને કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા (ઉં. વ.29, રહે. સ્ટાફ કવાર્ટર, સાતમો માળ, કાલાવડ રોડ, ફાયર સ્ટેશન, નિર્મળા રોડ રાજકોટ, મુળ વતન સપનાનગર, ગાંધીધામ – કચ્છ)ની તા.30/5/2024ના રોજ રાત્રે 8 વાગ્યે અટકાયત કરી હતી. કોર્ટમાં રિમાન્ડ માટે પોલીસે 17 મુદ્દા મુક્યા હતા. જેના પર સ્પે.પીપી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. રિમાન્ડના મુદ્દામાં જણાવેલ કે, પોલીસ આરએમસી હેઠળની ટાઉન પ્લાનીંગ શાખા જીપીએમસી એકટ હેઠળ કાર્યવાહી કામગીરી કરતી હોય છે, જેમાં તમામ અધિકારીની સતાઓ, ફરજો, જવાબદારીઓ તથા કાર્યરીતી સબંધી જોગવાઇઓનું વર્ણન કરેલ છે. તેનો અભ્યાસ કરી આરોપી અધિકારીઓને સાથે રાખી, સ્પષ્ટ જવાબદારી સચોટ રીતે પ્રસ્થાપિત કરશે. કયા કયા અધિકારી/કર્મચારીઓએ પોતાની મુળભુત ફરજ બજાવેલ નથી તે બાબતે સંલગ્ન શાખાનું સ્ટ્રેન્થ પત્રક મેળવાશે. આરોપીમાં ત્રણ અધિકારી ટાઉન પ્લાનીંગ શાખાના છે.
- Advertisement -
તેઓને બનાવ વાળી જગ્યા ગેરકાયદેસર હોવાની જાણ હતી. સંચાલકો સને 2021 થી વખતોવખત તેનું બાંધકામ વધારતા ગયા હતા. ગેમઝોનનો માચડો તોડવા નોટીસ, મનાઇ હુકમ પણ પાઠવવામાં આવેલ. છતા તેઓએ ડીમોલિશન કેમ નહોતું કર્યું? શું તે બાબતે તેઓએ આર્થિક લાભ લીધેલ હતો કે કેમ? કાર્યવાહી ન કરવા કોઇ તરફથી સૂચના કે દબાણ હતુ કે કેમ? સને 2023માં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી. કાલાવાડ રોડ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફીસર વિગોરા છે ફાયર સેફટીની એનઓસી મેળવેલ ન હોવા છતા કોઇ કાર્યવાહી કરેલ નહોતી. જો આ કાર્યવાહી કરવામાં આવેલ હોત અને પુરતા પ્રમાણમાં ફાયર સેફટીના સાધનો રખાવવામાં આવેલ હોત તો આ બનાવ બનવા પામેત નહી. જેથી વિગોરાએ આ કાર્યવાહી કેવા કારણોસર કરેલ ન હોય? શું તે બાબતે તેઓએ આર્થિક લાભ લીધેલ હતો કે કેમ? કાર્યવાહી ન કરવા કોઇ તરફથી સુચના કે દબાણ હતુ કે કેમ? તેની તપાસ થશે. આ ચારેય અધિકારીઓને શું કામગીરી કરવાની હતી? તેમાંથી કઈ કામગીરી કરી અને કઈ કામગીરી નથી કરી તે અંગે પુરાવા એકત્ર કરાશે. ઉપરોકત કામમા ભોગ બનનાર પ્રદિપસીહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ ધ્વારા કરાયેલ દલીલમા બાર એશોશીયેશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દુભાઈ ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી.ઝાલા, લાઈબેરી સેકેટરી મેહુલભાઈ મહેતા, મહીલા અનામત રેખાબેન લીંબાસીયા તથા કારોબારી સભ્યો અજય પીપળીયા, કૌશલ વ્યાસ, પીયુષ સખીયા, અજયસીહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલ જોષી, નીકુંજ શુકલ, અમીત વેકરીયા, ભાવેશ રંગાણી રોકાયેલ હતા.
અમે અમારી ફરજ કાયદેસર નિભાવી છે : અધિકારીઓનો બચાવ
કોર્ટમાં રજૂ કરતા ટીપીઓ શાખાના ત્રણેય અધિકારીઓએ પોતાનો બચાવ કર્યો હતો કે, અમે અમારી ફરજ કાયદેસર નિભાવી છે. રાજકોટ બાર એસો. દ્વારા અગ્નિકાંડના બનાવમાં કોઈ વકીલે ન રોકાવું તેવો ઠરાવ કર્યો છે, એટલે આરોપી અધિકારીઓ તરફે પણ રાજકોટના કોઈ વકીલ રોકાયા નહોતા. જેથી સરકારના નિયમ મુજબ, લીગલ એડમાંથી આરોપી અધિકારીઓને વકીલ ફાળવવામાં આવ્યા હતા.
આરોપી સાગઠિયા કોર્ટે ફાઈલ લઈને પહોંચતા વિવાદ: પોલીસ શંકાના દાયરામાં
ટીપીઓ સાગઠિયાને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ત્યારે તેના હાથમાં પ્રથમથી જ એક ગુલાબી કલરની રાજકોટ મહાનગર પાલિકા લખેલી ફાઈલ હતી. કોર્ટ રૂમ બહાર લોબીમાં જ્યારે સાગઠિયા આ ફાઇલમાં રહેલ કાગળો મારફત લીગલ એડના વકીલોની કાગળો બતાવતા હતા અને પોતાના બચાવના પોઇન્ટ બતાવતા હતા ત્યારે જ પક્ષકારો તરફે રોકાયેલ બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી જોઈ જતા તેમણે આરોપી પાસે ફાઈલ ક્યાંથી આવી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. પોલીસે બહાર કોઈ ધ્યાન આપેલ નહીં. આરોપીઓને અંદર કોર્ટ રૂમમાં લઈ જતા. બાર પ્રમુખે જજ સામે જ આ અંગે વાંધો લીધો હતો અને એક આરોપી કોર્ટમાં ફાઈલ લઈને કઈ રીતે આવી શકે તેવા સવાલ ઉઠાવ્યા હતા. જેથી કોર્ટે પોલીસને પૂછતાં, પોલીસે આરોપી પાસે ફાઈલ ક્યાંથી આવી તે અંગે અજ્ઞાનતા દર્શાવતા કોર્ટે ફાઈલ તુરંત પોલીસ હવાલે કરવા હુકમ કર્યો હતો.