લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા અંતર્ગત શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સાતમા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 26% મતદાન થયું.
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. આજે જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં પંજાબ અને યુપીની 13-13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની 3 બેઠકો અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે .
આ તબક્કામાં ઘણા મોટા દિગ્ગજોનું ભાવિ દાવ પર છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુરથી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બરથી, લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી પાટલીપુત્રથી અને અભિનેત્રી કંગના રનૌત મંડી સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
7માં તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 26.30% મતદાન
લોકસભા ચૂંટણી 2024ના 7માં તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 26.30% મતદાન નોંધાયું છે. બિહારમાં 24.25%, હિમાચલ પ્રદેશમાં 31.92%, ઝારખંડમાં 29.55%, ઓડિશામાં 22.64%, પંજાબમાં 23.91%, ઉત્તર પ્રદેશમાં 28.02%, પશ્ચિમ બંગાળમાં 28.10%, ચંદીગઢમાં 25.03% મતદાન થયું હતું.




