રાજયના કાયદા વિભાગ દ્વારા મહત્ત્વનો સુધારો કરતું જાહેરનામું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
- Advertisement -
તારીખ પહેલી જુલાઈ, 2024થી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો વિધિવત્ અમલ થવાનો છે ત્યારે ન્યાયિક ક્ષેત્રમાં એક મહત્ત્વના ફેરફારના ભાગરૂપે કાયદા વિભાગ દ્વારા અગત્યનું જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. જે મુજબ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના અમલથી હવે અમદાવાદ ઘી કાંટા સ્થિત મેટ્રોપોલીટન કોર્ટ, ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ, એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સહિતની કોર્ટોનું નામકરણ બદલી નંખાયું છે. તેના બદલે હવેથી મેટ્રોપોલીટન કોર્ટ એ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ શહેર તરીકે ઓળખાશે.
જેમાં હવે ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટ એ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેર તરીકે ઓળખાશે. આ જ પ્રકારે એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એ એડિશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેર તરીકે ઓળખાશે. જયારે બાકીની મેટ્રોપોલીટન કોર્ટ નંબરો પણ પહેલા, બીજા, ત્રીજા….એ પ્રમાણેના ક્રમમાં જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, અમદાવાદ શહેર તરીકે ઓળખાશે.
રાજયના કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, આ ફેરફાર તારીખ પહેલી જુલાઈ, 2024થી અમલમાં આવશે. જાહેરનામામાં સ્પષ્ટ કરાયું છે કે, તારીખ પહેલી જુલાઈ, 2024થી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં આવી રહ્યું છે તેમાં મેટ્રોપોલીટન સીટી, મેટ્રોપોલીટન કોર્ટ કે, મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોઈ જોગવાઈ નથી અને તેથી હાઈકોર્ટની ભલામણ અને સલાહ મસલત બાદ કાયદાવિભાગ દ્વારા આ જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. કાયદા વિભાગ દ્વારા જારી જાહેરનામાને પગલે ખાસ કરીને મેટ્રોપોલીટન કોર્ટના વકીલો-પક્ષકારોમાં ભારે ચર્ચા જાગી છે.