ત્યારે પગલાં લેવાયા હોત આવી ઘટના જ બની ન હોત
સાગઠિયાએ ત્યારે સેટિંગ કર્યું ? કે કોઇ નેતાનું દબાણ આવ્યું ? કયા નેતાએ ભલામણ કરી હતી ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.29
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરતાની સાથે જ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ હતી. રાજ્ય સરકારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જોઈન્ટ પો. કમિશનર અને ડીસીપી ઝોન-2ની તાકીદે બદલી કરવામાં આવી છે તો કોર્પોરેશનના કેટલાક અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં એક નામ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગઠિયાનું પણ છે. ટીઆરપી ગેમઝોનની દુ:ખદ દુર્ઘટના પાછળના કેટલાય જવાબદાર અધિકારીઓ પૈકી એક અધિકારી સાગઠિયાનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. ટીપી શાખામાંથી સાગઠિયાની બદલી કરાયા બાદ હવે તેમની અટકાયત થયાની, પૂછપરછ માટે પોલીસે ધરપકડ કર્યા હોવાની વાત પણ બહાર આવી રહી છે.
આ દરમિયાન ટીઆરપી ગેમઝોન મામલે ખાસ-ખબરને એક ચોંકાવનારી વિગત જાણવા મળી છે. જે મુજબ ગત તા. 8 જૂન 2023 એટલે કે આજથી આશરે એકાદ વર્ષ અગાઉ જ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાએ ટીઆરપી ગેમઝોન પાડી નાખવાની ફાઈનલ નોટિસ આપી દીધી હતી. હવે સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે, જો સાગઠિયાએ ટીઆરપી ગેમઝોન પાડી નાખવાની ફાઈનલ નોટિસ આપી દીધી હતી તો પછી ક્યાં કારણોસર આજ સુધી ટીઆરપી ગેમઝોન ધમધમી રહ્યું હતું? શું સાગઠિયાએ ફાઈનલ નોટિસ આપ્યા બાદ કોઈ ઉચ્ચ અધિકારી કે પદાધિકારીની દખલગીરીથી ગેમઝોન તોડવાનું મુલત્વી રાખ્યું હતું કે પછી કોઈ ભાજપ નેતાની ભલામણથી ટીપીઓ સાગઠિયાએ ટીઆરપી ગેમઝોનને ફાઈનલ નોટિસ આપ્યા બાદ સમગ્ર મામલે પડદો પાડી દીધો હતો?
- Advertisement -
ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે જવાબદાર અધિકારીઓ પૈકી એક સાગઠિયાનું નામ આવ્યા બાદ તેમની બદલી અને હવે પોલીસ દ્વારા પૂછપરછ માટે અટકાયત થયા પછી મોટા ધડાકા થવાની સંભાવના છે. જો પોલીસ પૂછપરછમાં સાગઠિયા વટાણા વેરશે તો અનેક ઉચ્ચ અધિકારી – પદાધિકારીના કપડાં ઉતરી જશે અને કેટલાય નેતાઓના તપેલા ચઢી જશે એવું દેખાઈ રહ્યું છે. અલબત્ત સાગઠિયાની પોલીસ પૂછપરછમાં કોર્પોરેશનના અન્ય કેટલાક કાંડ પણ બહાર આવવાની શક્યતાઓ છે ત્યારે હવે ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં સાગઠિયાને પણ આરોપી બનાવાશે કે કેમ એ જોવું રહ્યું.