ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.28
સલાયા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી ગેંગસ્ટરોની ગતિવિધિઓને અંજામ આપી રહેલા ગુનેગારોએ આખરે કાયદાની લાલઆંખનો સામનો કરવો પડ્યો છે. દ્વારકા પોલીસે ગુજસીટોક હેઠળ 9 આરોપીઓને ઝડપી લીધા છે અને તમામ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ગેંગ, જે દસ વર્ષથી લૂંટ, ખૂનના પ્રયાસ, મારામારી, ચોરીઓ અને દારૂ જેવી અપરાધિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે, તેના પર 51 ગુનાઓ નોંધાયેલા છે. ગેંગના મુખ્ય સૂત્રધાર તરીકે એજાઝ રઝાક સંઘાર અને રીઝવાન રઝાક સંધાર નામે લોકોમાં ડર ફેલાવતા હતા. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે આ ગેંગ સામે પ્રથમવાર ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે, જેમાં રીઝવાન રઝાક સંઘાર, એજાઝ રઝાક સંઘાર, અકરમ રઝાક સંઘાર, અકબર રઝાક સંઘાર, અસગર રઝાક સંઘાર, શબ્બીરહુસેન ઉર્ફે ભુરો ગુલામહુસેન સુંભણીયા, અબ્દુલ કરીમ ઉર્ફે કરીમ સલીમ કરીમ ભગાડ, જાવિદ આદમ જસરાયા અને જીલ ઉર્ફે જીલીયો કેતન વાધેલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
- Advertisement -
આ ગેંગના મુખ્ય સૂત્રધારના પિતા રઝાક ઈશાક સંઘાર 1993માં હથિયારના ગુનામાં પકડાયેલા હતા અને તેમની વિરુદ્ધ ટાડા લાગેલી હતી. ગેંગ વટાવીને વેપારીઓને ધમકાવી અને ખંડણી વસૂલતી હતી, અને ખંડણી ન આપનારાઓના વાહનો સળગાવી દેવાની અને ચોરી કરવાની ધમકીઓ આપતી હતી. આ તમામ આરોપીઓની ધરપકડ બાદ તપાસનીશ અધિકારી હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ 8 પોલીસ અધિકારી અને કર્મચારીઓની વિશેષ ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં
આવી છે.