ચોમાસાની આગાહીથી નગરપાલિકા સજાગ: જાનહાનિ અટકાવવા જુનકિયા મકાનોના માલિકોને તાકીદ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.28
- Advertisement -
પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરની જોખમકારક અને જર્જરિત ઇમારતોના માલિકોને તાત્કાલિક સમારકામ કરવા અથવા ઇમારતોને સુરક્ષિત સ્થિતિમાં લાવવાના આદેશ આપવામાં આવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ મિલ્કત ધારકોને આ મુદ્દે સાત દિવસની અંદર પગલા લેવા નોટીસ પાઠવી છે. આ સૂચના મુજબ, તમામ મિલ્કત ધારકોને જણાવવામાં આવ્યું છે કે તેમની મિલ્કત જો જોખમકારક હાલતમાં હોય તો આસપાસની મિલ્કતને નુકસાન ન થાય અથવા કોઇ જાનહાની ન થાય તે માટે સ્વખર્ચે જર્જરિત ઇમારતો ઉતારી લેવી કે સમારકામ કરીને સલામત બનાવવી જરૂરી છે.
ચોમાસાની ઋતુમાં આવતીજતી તોફાની હવામાનને કારણે દર વર્ષે જાનહાનિ થાય છે, તેને ધ્યાનમાં રાખીને આ પગલા લેવાઈ રહ્યા છે. ચીફ ઓફિસરે ચેતવણી આપતા કહ્યું કે, “આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયાના સાત દિવસમાં જો માલિકોએ જરૂરી પગલા ન લે તો આ ઇમારતોને નગરપાલિકા આપના ખર્ચે અને જોખમે ઉતારી નાંખશે. કોઇ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મિલ્કત ધારકની રહેશે.” આ ઉપરાંત, નગરપાલિકા દ્વારા જોખમકારક મકાનોમાં રહેતા લોકો અને મકાનોના ઉપયોગ કરનારાઓને તરત ખાલી કરવા આદેશ આપ્યો છે અને ત્યાં વાહન પાર્કિંગ અથવા અવરજવર ના કરવા પણ ચેતવણી આપવામાં આવી છે.
નગરપાલિકાએ જણાવ્યું કે, “આ ચોમાસા દરમિયાન પુનરાવર્તિત જાનહાનિ ન થાય તે માટે જર્જરિત મકાન માલિકોએ સમયસર પગલા લેવાની કડક હિતાવહ છે.” આ નિર્ણય પોરબંદર શહેરના નાગરિકોના કલ્યાણ અને સલામતી માટે અતિ જરૂરી છે અને નગરપાલિકા દ્વારા લોકોએ આ સૂચનાનો પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.