ભારતીય ક્રિકેટ ટીમના હેડ કૉચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા વચ્ચે છોટે ભાઈ- બડે ભાઈ જેવા સંબંધ છે. બંને વચ્ચે ખૂબ સારું અન્ડરસ્ટેન્ડિંગ છે. અગાઉ વિરાટ કોહલી કેપ્ટન હતો અને રવિ શાસ્ત્રી હેડ કૉચ હતો ત્યારે એ બેઉ વચ્ચે પણ નાનાં ભાઈ- મોટાં ભાઈ જેવો વ્યવહાર હતો. આઈ.સી.સી. ટુર્નામેન્ટની બે-ત્રણ ફાઈનલ મેચને બાકાત રાખો તો આ સુમેળના પરિણામો ટીમને ખૂબ સારાં મળ્યા છે. બધાં જ ફોર્મેટમાં આજે ભારતની બોલબાલા છે. દ્રવિડની ટર્મ ખતમ થઈ રહી છે અને નવા હેડ કૉચ ગૌતમ ગંભીરનું નામ ગાજી રહ્યું છે. શું ગંભીર અને ભારતીય ટીમનાં કેપ્ટન વચ્ચે પણ આવાં જ સમજણભર્યાં સંબંધો રહેશે? ના. ગૌતમ ગંભીરનો ટ્રેક રેકોર્ડ જોતાં તેને કોઈની સાથે ફાવે એ વાતમાં માલ નથી. ગંભીર બટકબોલો છે અને કોઈ સ્ટેટમેન્ટ આપતો હોય ત્યારે એ બિલકુલ ગંભીર હોતો નથી. તેનાં પૂર્વગ્રહો અને ગમા-અણગમા એટલી હદ સુધીનાં છે કે, કોઈ પણ ક્રિકેટ ચાહકને ગુસ્સો આવી જાય. ધોની અને કોહલીનો એ વિરોધી છે અને એ કારણસર જ રોહિતનાં એ વખાણ કરતો હોય છે.
ગંભીર એક સામાન્ય બેટ્સમેન હતો. બેશક, તેણે 2011ના વિશ્ર્વકપ ફાઈનલમાં ઉપયોગી ઈનિંગ રમી હતી. પરંતુ એ શૂન્ય પર આઉટ થયો હોત તો પણ ભારત જીતી જવાનું હતું. હૂક અને પૂલ શોટ્સ તેની મહાન નબળાઈ હતાં. તેને એ શોટ્સ રમતાં આવડતું ન હતું તો પણ એ રમવાનો પ્રયાસ કર્યે રાખતો અને એ જ પ્રકારે આઉટ થતો રહેતો. એ માટે તેની આલોચના પણ થતી રહેતી.
- Advertisement -
હમણાં એક-બે મેચમાં વિરાટ કોહલી કવર ડ્રાઈવ મારવાનાં પ્રયાસમાં આઉટ થયો તો ગંભીરે કહ્યું કે, ‘હું હૂક શોટ મારતા આઉટ થતો તો બધા ટીકા કરતા, કેટલાંક લોકો કવર ડ્રાઈવ મારવાના પ્રયાસમાં આઉટ થાય તો તેની કોઈ ચર્ચા કરતું નથી!’ પહેલી વાત એ કે ગંભીર અને કોહલીની કોઈ સરખામણી જ ન હોય. એક ગંગૂ તેલી છે અને કોહલી રાજા ભોજ. બીજી વાત એ કે, વિરાટ કદાચ કવર ડ્રાઈવ મારતા આઉટ થાય તો તેને માફ છે. કારણ કે, કવર ડ્રાઈવનો એ જગતનો નંબર-વન બેટ્સમેન છે. એ શોટ થકી તેણે હજ્જારો રન બનાવ્યા છે. તેની કવર ડ્રાઈવ એક ટ્રીટથી કમ નથી હોતી. તમે જાણે રસગુલ્લાંનો ટુકડો મોંમાં મૂક્યો હોય તેવું તેની કવર ડ્રાઈવ જોઈને લાગે.
ઈન્ડિયન ક્રિકેટ ટીમ પર જો ગંભીરને બાપ બનાવીને બેસાડવામાં આવશે તો વિવાદો વધવાનાં એ નક્કી. ગેમથી મોટું કોઈ ન ગણાય. પરંતુ ગૌતમનો અહમ્ ક્રિકેટથી પણ મોટો છે.
સારા માણસો એ જ બોલે છે, જે તેમનાં મનમાં હોય છે. સારો માણસ જે બોલે છે એ જ કરે છે. સજ્જન વ્યક્તિની કથની અને કરણીમાં સમાનતા હોય છે