સંપત્તિની વહેંચણી એ કૉંગ્રેસનો અધમ કક્ષાનો દાવ છે, 2024ની ચૂંટણીમાં મુદ્દાના આધારે કે કાર્યોના આધાર પર મોદીને કોઈ કાળે નાથી શકાય તેમ નથી, એ વાત રાહુલ એન્ડ પાર્ટી જાણે છે, એટલે જ ગરીબોને ઉશ્કેરીને તેઓ એક જૂગાર રમવાનો પ્રયત્ન કરી રહ્યાં છે
વ્યક્તિગત હોય એ બધાનું હોય તો સૌપ્રથમ રાહુલ ગાંધીએ પોતાની અને તેમનાં જીજુ રોબર્ટ વાડ્રાની લખલૂંટ (કે અબજ લૂંંટ) સંપત્તિનો 55% હિસ્સો રાષ્ટ્રને સમર્પિત કરવો જોઈએ, એમાંથી કમસેકમ પાંચ-દસ લાખ લોકોને બે બેડરૂમના વેરીવેલ ફર્નિશ્ડ ટેનામેન્ટ મળી રહેશે
- Advertisement -
કૉંગ્રેસ પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં છગન-મગન છે. આ બે વયોવૃદ્ધ લોકો નિત્ય ભોંમાં સૂતાં હોય છે, ભાગ્યે જ ક્યાંક જોવા મળે. પણ ઈલેકશન આવે એટલે એમનું ડ્રાંઉ-ડ્રાંઉ ચાલું થઈ જ જાય. એમનો આ સ્વર એટલી હદે કર્કશ છે કે, એ કૉંગ્રેસમાંના રહ્યાંસહ્યાં સમજુ લોકોને પણ ખૂંચે છે અને સાથી પક્ષોનું પણ સત્યાનાશ કાઢી નાંખે છે. આ છગન-મગન છે, સત્યનારાયણ ગંગારામ પિત્રોડા અને દિગ્વિજયસિંહ. આ વખતની ચૂંટણીમાં પણ સત્યનારાયણ ઉર્ફે સામ પિત્રોડા કૉંગ્રેસની કબર ખોદવા મેદાનમાં આવી ગયા છે.
એમણે કહ્યું છે કે, કૉંગ્રેસ સત્તામાં આવશે તો અમેરિકાની જેમ વિશેષ કાનૂન લાવશે- જેની અંતર્ગત જે કોઈ પણ ભારતીયનું અવસાન થાય – તેની પંચાવન ટકા સંપત્તિ સરકારમાં જમા કરાવી દેવી પડશે. શામજીભાઈએ કશું નવું નથી કહ્યું, એમના ભત્રીજા રાહુલ ગાંધીએ હજુ હમણાં જ એલાન કર્યું છે કે, કૉંગ્રેસ સત્તામાં આવશે તો આર્થિક સરવે કરાવશે. આડકતરી રીતે તેમણે એમ પણ કહ્યું હતું કે, કૉંગ્રેસ સંપત્તિની વહેંચણીની તરફેણ કરે છે. રાહુલની વાત સાદી દેખાતી પણ નથી અને છે પણ નહીં. ઈકોનોમિક સરવે સ્વયં એક જોખમી બાબત છે.
ભારત કંઈ અમેરિકા નથી. અહીં બચતનો મહિમા છે અને પેઢી દર પેઢી વારસદારોને વારસો આપી જવાની પ્રથા છે. ભારતની વાત અલગ છે, અહીં બચત વગર પાછલી જિંદગી ગુજારવાનું આસાન નથી. અહીં વૃદ્ધો માટે કોઈ એવી પેન્શન યોજના સરકાર ચલાવતી નથી કે, જેનાં થકી બે ટંકના રોટલાંના પણ નીકળી શકે. અમેરિકાને ફાઈવ-ડે વીકમાં કામ કરવાનું અને શુક્રવારની સાંજથી રવિવારની સાંજ દરમિયાન એ કમાણી ખર્ચ કરવાનું ફાવી ગયું છે. આપણે ત્યાં એ શક્ય નથી.મહત્ત્વની વાત એ છે કે, સંપત્તિની વહેંચણીનો આખો વિચાર જ ખતરનાક છે. આ ડાબેરીઓની જ નહીં, અંતિમવાદી ડાબેરી વિચાર છે. આ લોકો માઓવાદીને પણ સંત કહેવડાવે, એ હદે નીચલાં સ્તર પર ઉતરી ગયા છે. ડાબેરીઓનાં જે શૂરાપૂરા હશે એ આવા જ હશે. વાસ્તવમાં આ શૂરાપૂરા દાદા પણ રાહુલ એન્ડ કંપનીની ભક્તિ કરતાં હશે.
- Advertisement -
કૉંગ્રેસનું અધ:પતન થયું છે, એમ કોઈ કહેશો નહીં. વાસ્તવમાં કૉંગ્રેસનું સંપૂર્ણ પતન થઈ ચૂક્યું છે અને તેનાં અનેક કારણો છે. તેમાંનું એક મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે, એક સમયની આ મૂડીવાદી ગણાતી પાર્ટીએ પૂર્ણત: સામ્યવાદી, ડાબેરી, માઓવાદી વિચારધારા અપનાવી લીધી છે. એક સમયે કૉંગ્રેસની સરકાર આવે તો ઉદ્યોગપતિઓ રાજી-રાજી થઈ જતાં. આજે રાહુલની આખી રાજનીતિ અદાણી-અંબાણીના વિરોધ પર અને લઘુમતીઓના થાબડભાણા પર ટકેલી છે. હાડોહાડ મૂડીવાદી કૉંગ્રેસનું આ ઘોર પરિવર્તન પાર્ટીના સ્વાસ્થ્ય માટે સારું નથી, રાષ્ટ્રહિત માટે પણ એ જોખમ છે.
કોઈપણ દેશ માત્ર શ્રમિકો અને મજદૂરોથી મજબૂત બનતો નથી. રાહુલ ગાંધી હજુ એંશીના દાયકામાં જીવે છે. ગરીબોને પણ હવે અમીરો વિરુદ્ધની વાતોમાં ઝાઝો રસ નથી. પ્રજા આવા છળમાં દેખતે ડોળે છેતરાય તેમ નથી. વાડમાં હાથ ઘાલીએ તો કાંટા વાગે જ. કૉંગ્રેસને કોઈ કોઠું ય આપે તેમ નથી.સંપત્તિની વહેંચણી એ કૉંગ્રેસનો અધમ કક્ષાનો દાવ છે. 2024ની ચૂંટણીમાં મુદ્દાના આધારે કે કાર્યોના આધાર પર મોદીને કોઈ કાળે નાથી શકાય તેમ નથી, એ વાત રાહુલ એન્ડ પાર્ટી જાણે છે. એટલે જ ગરીબોને ઉશ્કેરીને તેઓ એક જૂગાર રમવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સામ પિત્રોડા પણ મુર્ખ નથી અને કૉંગ્રેસના રણનીતિકારો પણ બુદ્ધુ નથી. આ એક પૂર્વનિયોજીત ષડયંત્ર છે.
ચૂંટણીના મેદાનમાંથી ઑલમોસ્ટ ફેંકાઈ ગયેલી કૉંગ્રેસ માટે ગઈકાલે સુપ્રીમ કોર્ટની ગઈકાલની ટિપ્પણી પણ ઢીંચણ મારી ને આંખ ફોડ્યા બરાબર છે. ચિફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે સંપત્તિ અંગેના મામલામાં સ્પષ્ટ ટિપ્પણી કરી છે કે, સામાજિક પરિવર્તનની ભાવના એ બંધારણનો ઉદ્દેશ્ય છે પરંતુ કોઈની વ્યક્તિગત સંપત્તિને સામાજિક હેતુ માટે અધિગ્રહણ કરવી, એ વિચાર જ ખતરનાક છે. જસ્ટિસ ચંદ્રચૂડે સ્પષ્ટ કહ્યું કે, સામ્યવાદી વિચારધારામાં માનવામાં આવે છે કે, જે વ્યક્તિગત છે- તે બધાયનું છે. વ્યક્તિગત હોય એ બધાનું હોય તો સૌપ્રથમ રાહુલ ગાંધીએ પોતાની અને તેમનાં જીજુ રોબર્ટ વાડ્રાની લખલૂટ (કે અબજલૂટ) સંપત્તિનો 55% હિસ્સો રાષ્ટ્રને સમર્પિત કરવો જોઈએ.
એમાંથી કમસેકમ પાંચ-દસ લાખ લોકોને બે બેડરૂમના વેરીવેલ ફર્નિશ્ડ ટેનામેન્ટ મળી રહેશે અને જે પૈસા વધે તેમાંથી બીજી અને માળખાકીય સુવિધાઓ ઉભી થઈ શકશે. ઓવરસીઝ એકાઉન્ટ્સ પણ ખંખેરજો, કદાચ આપણે ગોલ્ડ રિઝર્વમાં અમેરિકાને પાછળ રાખી શકીએ.લોકોની સંપત્તિની વહેંચણી જ શા માટે. સારા કામની શરૂઆત સ્વયંથી કરાય. આ દેશનો હાયર મિડલ ક્લાસ, રિચ ક્લાસ અને અલ્ટ્રા રિચ ક્લાસ શું કોઈ અપરાધિની શ્રેણીમાં આવે છે? તેમણે પોતાની બુદ્ધિ થકી, આવડત, મહેનત અને નસીબથી પૈસા બનાવ્યા છે. કોઈની મહેનતનું કે નસીબનું છિનવી લેવું એ કૃત્ય અધમતાની સીમા છે. ધનિકોને વક્રદૃષ્ટિથી નિરખવા એ રોગિષ્ટ મનોવૃત્તિ છે. દેશનાં ધનાઢ્યો માટે જ નહીં, ગરીબો માટે પણ રાહુલ ગાંધી એક ભયાનક ખતરો છે. શા માટે? ગરીબ જો સંપત્તિ વહેંચણી થકી કાલે સવારે અમીર બનશે તો એની સંપત્તિ પણ રાહુલ લઈ જશે. કારણ કે, કૉંગ્રેસ હવે કહે છે કે, દેશમાં કોઈએ સેમી-મધ્યમ વર્ગથી ઉપર જવાનું નથી.