ક્ષત્રિય સમાજના 4 મહાસંમેલનની જાહેરાત; રૂપાલા કરતા ખરાબ વાણી વિલાસ કિરીટ પટેલે કર્યો : કરણસિંહ ચાવડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ કરેલા એક નિવેદનને લઈને શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન હાલમાં બીજા તબક્કામાં છે. જેમાં સવારે ધર્મરથનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો, ત્યારે બપોરે ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2ને વેગવંતુ બનાવવા માટેની જાહેરાતો કરવામાં આવી છે. તેમજ ભાજપ દ્વારા આંતરિક વિખવાદ ઉભો કરવાનાં પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં જૂનાગઢ ખાતે ભાજપનાં નેતા કિરીટ પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનને વખોડી તેમની સામે પગલાં લેવાની માગ કરવામાં આવી હતી.
- Advertisement -
ક્ષત્રિય સંકલન સમિતિની પત્રકાર પરિષદમાં કરણસિંહ ચાવડા, રમજુભા જાડેજા, અશ્વિનસિંહ સરવૈયા, પી.ટી. જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા તેમજ કિશોરસિંહ ઝાલા સહિતનાં કોર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. આ તકે ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, 24 તારીખથી ક્ષત્રિય આંદોલનનો પાર્ટ-2 શરૂ થયો છે. આજે ધર્મરથનાં પ્રારંભ માટે સંકલન સમિતિ આગેવાનો હાજર રહ્યા હતા. 18 વોર્ડમાં બુથ કમિટી અને કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે. રોજ રાત્રિ સભાના આયોજન કરવામાં આવી રહ્યા છે અને ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજને જોડાવા આહવાન કરવામાં આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે, નારી સન્માનને લઈને મતદાનનાં દિવસે મોટી સંખ્યા લોકો જોડાશે.
વધુમાં જણાવ્યું કે, ધર્મરથ આજે દ્વારિકા, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં ફરી રહ્યો છે અને અઢારેય વરણનાં લોકોને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. રૂપાલા જેવા નેતાઓ અન્ય સમાજનું પણ અપમાન કરશે. ગઈકાલે જૂનાગઢ ખાતે ભાજપના કિરીટ પટેલે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ નિવેદનને હું ગુજરાતની નારી શક્તિ વતી વખોડી રહ્યો છું. આ ભાઈ રૂપાલાનાં શિષ્ય હોય તેવું લાગે છે. ક્ષમા ક્ષત્રિયોનો ધર્મ છે. પણ આવા નિવેદનો થયા કરે તો ક્ષમા ક્યાં સુધી ચાલશે. આ ગઈકાલે અમે અમદાવાદની પ્રેસમાં મુદ્દો ઉઠવેલો હતો. રૂપાલા કરતા ખરાબ વાતો કિરીટ પટેલે કરી છે. છતાં ભાજપનાં હાઇકમાન્ડે દ્વારા કોઈપણ પગલાં લેવાયા નથી, ત્યારે આવા નેતાઓનાં નિવેદન સાથે ભાજપ સહમત હોય તેવું લાગી રહ્યું છે.