એપીડા માન્ય પેક હાઉસમાં પ્રોસેસ થયા બાદ 1200 બોક્સ અમદાવાદ થી એર કાર્ગોમાં રવાના થશે
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.24
- Advertisement -
તાલાલા માર્કેટીંગ યાર્ડ સંચાલિત એપીડા માન્ય પેક હાઉસમાં પ્રોસેસ થયા બાદ 12 નંગ ભરતીવાળા ત્રણ કિલો વજનના આકર્ષક બોક્સ પેકીંગમાં તૈયાર થયેલ 400 બોક્સ કેનેડા તથા 800 બોક્સ યુ.કે માટે તાલાલા ગીરથી અમદાવાદ જવા રવાના થયા છે.અમદાવાદથી બુધવારે એર કાર્ગો મારફત દેશના સિમાડા ઓળંગી કેનેડા અને યુ.કે પહોંચશે. એપીડા માન્ય પેક હાઉસના સંચાલક દિપકભાઈ ચાંદેગરા એ આપેલ વિગત પ્રમાણે તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત એપીડા માન્ય પેક હાઉસમાં ખુશ્બુદાર કેસર કેરી નું ગ્રેડીંગ,વોશીંગ,હોટ વોટર ટ્રીટમેન્ટ, રાયપનીંગ, સોર્ટીંગ, પેકીંગ,પ્રિ-કુલીંગ,સ્ટફીંગ કરી વિદેશમાં મોકલવા માટે આકર્ષક બોક્સમાં તૈયાર કરવામાં આવી છે.
કેસર કેરીની સિઝન ના પ્રારંભે તાલાલા પંથકમાં આગોતરા કેરીના પાકમાંથી તૈયાર થયેલ ખુશ્બુદાર કેસર કેરીના 1200 બોક્સ નો પ્રથમ જથ્થો રવાના થયો છે જે અમદાવાદ એરપોર્ટ ઉપરથી લંડન-કેનેડા જવા રવાના થશે.તાલાલા પંથકનું અમૃતફળ કેસર કેરી લંડન ની બજારમાં એક બોક્સ 17 પાઉન્ડ એટલે કે ભારતની કરન્સી પ્રમાણે રૂ.1700 માં વેંચાણ થશે જ્યારે કેનેડામાં 37 કેનેડીયન ડોલરમાં વેચાણ થશે જે ભારતની કરન્સી પ્રમાણે રૂ.2300 થાય છે.આગામી દિવસોમાં કેસર કેરીનો વધુ જથ્થો વિદેશમાં જવા રવાના થશે.