સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા; આ સન્માનોની જાહેરાત 25 જાન્યુઆરીએ કરવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણ અને અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સાંજે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ સન્માનોની જાહેરાત 25 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પહેલા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, બિંદેશ્ર્વર પાઠક (મરણોત્તર) અને પદ્મ સુબ્રહ્મણ્યમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. બિંદેશ્ર્વર પાઠકનાં પત્ની અમોલા પાઠકે એવોર્ડ મેળવ્યો હતો. આ પછી ગુજરાતના જાણીતા તબીબ ડો. તેજસ પટેલ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયક ઉષા ઉથુપ અને સીતારામ જિંદાલ સહિત કેટલાક લોકોને પદ્મ ભૂષણ આપવામાં આવ્યો હતો. આ સિવાય મનોહર કૃષ્ણ ડોલે અને રામચેત ચૌધરી સહિતની કેટલીક હસ્તીઓને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.
- Advertisement -
આ વખતે 2024 માટે 5 લોકોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભૂષણ અને 110 લોકોને પદ્મ શ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજના સમારોહમાં આમાંથી કેટલીક હસ્તીઓનું સન્માન થઈ શક્યું નથી, તેમનું આગામી સપ્તાહે સન્માન કરવામાં આવશે. 2024 માટે પદ્મશ્રી એવોર્ડ એવા લોકોને આપવામાં આવી રહ્યો છે, જેઓ અત્યારસુધી અનામી હતા. આમાં દેશની પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ અને જગેશ્વર યાદવનાં નામનો સમાવેશ થાય છે, બંને આસામનાં રહેવાસી છે. આ સિવાય લિસ્ટમાં ચાર્મી મુર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગમ સહિત ઘણાં મોટાં નામ છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 30 મહિલા છે. આમાં વિદેશી/NRI/PIO/OCI શ્રેણીના 8 લોકો પણ છે. 9 સેલિબ્રિટી છે જેમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. પદ્મ ભૂષણ મળવા પર એક્ટર મિથુન ચક્રવર્તીએ કહ્યું, ’હું ખૂબ જ ખુશ છું. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પાસેથી મારા માટે કંઈ માગ્યું નથી. જ્યારે મને ફોન આવ્યો કે તમને પદ્મ ભૂષણ આપવામાં આવી રહ્યો છે, ત્યારે હું એક મિનિટ માટે મૌન બની ગયો, કારણ કે મને તેની અપેક્ષા નહોતી.