ખંભાળિયામાં મોટા ગજાના નેતાના ઈશારે ખુરશીઓ ઉછળી
કાળા વાવટા પણ ફરકાવાયા હતા, ભાજપે તપાસ આદરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
લોકસભાની ચૂંટણી સમયે જ ભાજપ ભેરવાયુ છે કેમકે, ક્ષત્રિય સમાજ વિરદ્ધ ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા સામે વિરોધ વંટોળ ઉઠ્યો છે. હવે ઉમેદવારના ફોર્મ ભરવાની ઘડી નજીક આવી છે ત્યારે હજુ આ મામલો થાળે પડી શક્યો નથી. જોકે, એવી વાત બહાર આવી છેકે, ક્ષત્રિય આંદોલનને પાછલા બારણે પ્રોત્સાહન આપનારાં અન્ય કોઇ નહી પણ ખુદ ભાજપના જ અસંતુષ્ટો અસલી ખેલાડી છે. આ આખાય પ્રકરણમાં એક પૂર્વ મંત્રી ઉપરાંત પાંચેક અન્ય નેતાઓની સંડોવણી હોવાની ચર્ચા છે. આ વાતની જાણ થતા જ ખુદ ભાજપનું મોવડીમંડળ પણ ચોંકી ઉઠ્ય છે. આમ, ઘર કા ભેદી લંકા ઢાર્ય જેવી સ્થિતી સર્જાઇ છે.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતાં આખાય ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયાં છે. રૂપાલાએ બે બે વાર માફી માંગી છતાંય મામલો શાંત પડતો જ નથી. હજુય આખાય રાજ્યમાં વિરોધ પ્રદર્શન યથાવત રહ્યા છે. સૂત્રોના મતે, ક્ષત્રિય આંદોલનને વેગ આપવામાં ખુદ ભાજપના જ મોટા ગજાના નેતાઓ મુખ્ય ભૂમિકા રહી છે. રૂપાલાની ટિપ્પણીનો વિવાદ ચગાવી હાંસિયામાં ધકેલાયેલાં અને ટિકિટથી વંચિત એવા ભાજપના આ નેતાઓએ હવે આડકતરી રીતે ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.
- Advertisement -
રૂપાલાના વધતા જતા રાજકીય કદને વેતરવા માટે અસંતુષ્ટ નેતાઓએ ક્ષત્રિયોને આગળ ધરીને તકનો બખુબી લાભ ઉઠાવ્યો છે જેના કારણે સ્થિતી વધુ વણસી રહી છે. ભાજપના ક્ષત્રિય આગેવાનોએ ક્ષત્રિય કોર કમિટી સાથે બેઠક કરીને સમાધાન કરવાના પ્રયાસો કર્યા છતાંય મેળ પડ્યો નથી તેનુ કારણ પણ અસંતુષ્ટ નેતાઓનું રાજકીય પીઠબળ જવાબદાર પરિબળ છે. ભાજપના અસંતુષ્ટ જ ક્ષત્રિય આંદોલન શાંત પડે તેમ ઇચ્છતા નથી. પડદા પાછળ રહી ક્ષત્રિય આંદોલનની બાગડોર સંભાળનારાં અસંતુષ્ટો ભાજપ સાથે રાજકીય હિસાબકિતાબ કરી રહ્યા છે.
ખંભાળિયામાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતીમાં ખુરશીઓ ઉછળી હતી. એટલુજ નહી, પણ નારાજ ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ આખીય ઘટના પાછળ ભાજપના જ એક પૂર્વ મંત્રીનો હાથ હોવાનું બહાર આવ્યુ છે. પૂર્વ મંત્રીના ઇશારે જ આ વિરોધ પ્રદર્શન કરાયુ હતું.
સૌરાષ્ટ્રના અન્ય નેતાઓની પણ આ આખાય પ્રકરણમાં સંડોવણી હોવાની વાત ભાજપ મોવડી મંડળ સુધી પહોંચી છે. આ જાણીને ખુદ ભાજપ પ્રદેશ નેતાગીરી ઉપરાંત હાઈકમાન્ડ પણ ચોંકી ઉઠ્યું છે. હવે અસંતુષ્ટ નેતાઓ હાઈકમાન્ડની રડારમાં છે. હાલ ભાજપ મોવડી મંડળે આ આખાય મામલે આંતરિક તપાસ હાથ ધરી છે. એટલુ જ નહીં, લોકસભાની ચૂંટણી પછી આ બધાય અસંતુષ્ટો સામે શિસ્તભંગનો કોરડો વિઝાશે. એકાદ બે નેતાને તો પક્ષમાંથી પાણીચુ પણ પકડાવાય તો નવાઈ નહી. રૂપાલા ટિપ્પણી વિવાદને લઈને હવે હાઈકમાન્ડ આખોય મામલો હાથમાં લીધો છે. ક્ષત્રિયોને આગળ ધરીને ભાજપને ભીંસમાં મૂકનારાં અસંતુષ્ટ નેતાઓ હાઈકમાન્ડના રડારમાં આવ્યા છે. આ જોતાં જ શિસ્તભંગના પગલાં લેવાય તેવી ભીતિને પગલે ભાજપના નેતાઓ જાતે જ ખુલાસા કરવા માંડ્યા છેકે, આ આખાય પ્રકરણમાં મારી કોઈ ભૂમિકા નથી. જો મારી ભૂમિકા સાબિત થાય તો હું રાજકારણ છોડી દઈશ. બે દિવસ પહેલાં જ રાજકોટમાં આવુ જ નિવેદન આપતા ભાજપના નેતા ડો.ભરત બોઘરા ખુદ શંકાના દાયરામાં આવ્યા છે. રૂપાલા પ્રકરણમાં ખુદ ભાજપના જ અસંતુષ્ટ હોવાની વાત બહાર આવતાં હવે શિસ્તભંગનો કોરડો વિંઝાય તે નક્કી છે ત્યારે અસંતુષ્ટએ પાણી વહી જાય તેના પહેલાં ખુલાસા કરીને પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે.