રાજકોટ લોકસભા બેઠક પર કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જામશે જંગ
નેતૃત્વ આદેશ આપે એટલે રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર: ધાનાણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યમાં આ વખતે રાજકોટ બેઠક ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે ભાજપે અહીં કેન્દ્રિયમંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે અને રાજપૂત સમાજ પરની ટિપ્પણીને લઇને રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર હજી કોઇ ઉમેદવારની જાહેરાત નથી કરી. જોકે, કોંગ્રેસ અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે એવી ચર્ચાઓ થઇ રહી છે. અગાઉ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી. જેને લઇને આજે રાજકોટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પરેશ ધાનાણીને મનાવવા અમરેલી પહોંચ્યા હતા. જ્યાં પરેશ ધાનાણીએ પાર્ટી ટિકિટ આપે તો લડવાની તૈયારી બતાવી છે.
લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે આ વખતે રાજકોટ સીટ પરથી મોહન કુંડારિયાની ટિકિટ કાપી કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની સામેનો ઉમેદવાર જાહેર કર્યો નથી. જોકે હાલ રાજકોટ સીટ પરથી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા એવા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે.
જોકે, પરેશ ધાનાણીએ અગાઉ ચૂંટણી લડવાની ના પાડી હતી. જેને લઇને આજે રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અમરેલી પહોંચ્યા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ હાજર હતા. લલિત કગથરાએ જણાવ્યું હતું કે, અમે બધા કાર્યકર્તાઓ અમરેલી આવ્યા છીએ. અમે ધાનાણી ભાઇને કહીએ છીએ કે રૂપાલા ભાઇનું જે વાતાવરણ બન્યું છે. એટલે તમારે લડવાનું છે. રાજકોટ બેઠક પર રૂપાલા ચૂંટણી લડે તો જ ધાનાણી ભાઇએ લડવાનું છે. સંજોગો વસાત રૂપાલાનું ચૂંટણી લડવાનું કેન્સલ થાય તો અમે પરેશને સામેથી કહી દઇએ કે પરેશભાઇ તમારે નથી લડવાનું અને પરેશભાઇએ પણ અમારી લાગણીનું માન રાખ્યું છે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય પીઠ નથી દેખાડી, નેતૃત્વને જ્યારે જરૂર પડી ત્યારે પરેશ ધાનાણીએ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે.
- Advertisement -
જો રૂપાલા સાહેબ સ્વેચ્છાએ બેસી જાય, સ્ત્રી હઠનું સન્માન કરે, દેશની દીકરીઓનું સન્માન કરે તો આ સમસ્યાનું સમાધાન થઇ જાય. જો જલ્દી આનું સમાધાન નહીં થાય તો તમે મુંઝાતા નહીં, આ કાર્યકર્તા છે, જે તમારી લાગણીને માન આપીને રાજકોટના રણમેદાનમાં સેનાપતિ બનીને લડશે. મારૂ નેતૃત્વ મને આદેશ આપે ત્યારે પરેશ ધાનાણી તૈયાર છે.
પરેશ ધાનાણીએ આડકતરી રીતે પરસોતમ રૂપાલાનો વિરોધ કર્યો હતો
રાજપુત સમાજ પરની રોટી-બેટીના વેવારની ટિપ્પણીને લઇને રુપાલાનો રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે થોડા દિવસો અગાઉ પરેશ ધાનાણીએ ટ્વીટ પર કટાક્ષ કરતી કવિતા લખીને રૂપાલાનો વિરોધ કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, ’અહંકાર, હમેશાં હારે છે’ રોટી, બેટી, રાજ અને ધર્મના રક્ષકો ને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક ’માતૃ શક્તિ’ ને વંદન.. દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ ‘જૌહર’ની જરૂર નહી પડે.. ‘જવતલિયા’ હજુ તો
જીવે છે..!