બે મિત્રોએ 20 લાખની છેતરપિંડી આચર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
શહેરના ભક્તિનગર સોસાયટી સામે આવેલા પૂજારા પ્લોટમાં રહેતા કલ્પેશભાઇ લીલાધરભાઇ ગોંડલિયા નામના પ્રૌઢે મિત્રો કંદર્પ વાલ્મીક ઢેબર અને અમિત પ્રવીણ વાઘેલા સામે વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વાહન વીમા એજન્ટ તરીકે કામ કરતા પ્રૌઢની ફરિયાદ મુજબ, ત્રણ વર્ષ પહેલાં કંદર્પ સાથે પરિચય થયા બાદ તેને વાહન પ્રીમિયમના પૈસા ભરવા માટે રૂ.5 લાખ માગતા તેને રૂપિયા આપ્યા હતા. જે રકમ પરત કરી દીધા બાદ વધુ એક વખત વાહન પ્રીમિયમ ભરવા માટે રૂ.10 લાખની જરૂરિયાત હોવાની વાત કરી હતી. જેથી તેને બે કટકે રૂ.10 લાખ આપ્યા હતા. સમયસર પૈસા પરત ન કરી કંદર્પે રૂ.10 લાખ આપવાના છે તેવું લખાણ કરી આપ્યું હતું તેમ છતાં લાંબો સમય પછી પણ પૈસા પરત નહિ કરતા કંદર્પે ઘણા લોકો પાસેથી પૈસા લીધા હોવાનું મિત્ર યોગેશ રાવલે જણાવ્યું હતુ.
અને જો પૈસા કઢાવવા હોય તો તમારા પૈસા અમિત વાઘેલા કઢાવી આપશેનું કહ્યું હતું. ત્રણ દિવસ બાદ મિત્રે અમિતનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં અમિતને મળવા તેની ઓફિસે જતા તમારે હવે કંદર્પભાઇ પાસે પૈસા માગવાના નથી થતા, આ પૈસા હવે હું તમને એક મહિનામાં આપી દઇશની વાત કરી હતી. એક મહિના બાદ નાણાં લેવા જતા તે અલગ અલગ બહાના બતાવી ધક્કા ખવડાવતા હતા. અવારનવાર અમિત વાઘેલાને મળતા હોય તેની સાથે પણ મિત્રતા બંધાઇ ગઇ હતી. દરમિયાન એક વર્ષ પહેલાં અમિતે તેને એક કરોડના ડોલરનો વહીવટ છે તેમાં રૂ.10 લાખ ઘટતા હોવાની પોતાને વાત કરી હતી. તેમજ બે-ત્રણ દિવસમાં 10 લાખ અને કંદર્પના 10 લાખ એમ કુલ 20 લાખ રૂપિયા પાછા આપી દેવાનું કહી વિશ્વાસ બતાવ્યો હતો. જેથી અન્ય એક મિત્ર પાસેથી રૂ.10 લાખ લઇને અમિતને આપ્યા હતા. નક્કી થયા મુજબના દિવસો પછી પૈસા માગતા અમિતે ખોટા ખોટા વાયદાઓ કર્યા હતા. આમ તેણે પણ પોતાના રૂપિયા પરત નહિ કરતા બંને સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ લાઠિયાએ વધુ તપાસ હાથ ધરી છે.