ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
વર્તમાન ગુજરાતી બાળસાહિત્યનું એક ચમકતું અને દમકતું નામ એટલે કવિ કિરીટ ગોસ્વામી.આધુનિક બાળસાહિત્યમાં બાળગીત અને બાળવાર્તાક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.માત્ર સર્જન જ નહીં; બાળસાહિત્યને સતત બાળકો સુધી પહોંચાડવાની મથામણ કરનાર કવિ કિરીટ ગોસ્વામીએ ત્રીસ જેટલાં બાળસાહિત્યનાં સત્વશીલ પુસ્તકો આપ્યાં છે.એ માટે એમને વિવિધ પુરસ્કાર-એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.તેઓની બાળસાહિત્યની આવી ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તાજેતરમાં ’ અતુલ્ય વારસો ’ દ્વારા ’ અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ-2024 ગાંધીનગર ખાતે, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 નો સાહિત્ય અકાદેમી,દિલ્હીનો બાળસાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર શ્રી કિરીટ ગોસ્વામીનાં બાળગીતસંગ્રહ ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું !’ માટે પ્રાપ્ત થઈ ચૂકેલ છે.કિરીટ ગોસ્વામી એકવીસમી સદીના સફળ અને લોકપ્રિય બાળસાહિત્યકાર છે.એમનાં બાળગીત બાળકોને તો ગમે જ છે; ઉપરાંત, મોટાઓને પણ પોતાનું બચપણ યાદ કરાવે એવી એમની રચનાઓ છે. સુપ્રસિદ્ધ બાળસાહિત્યકાર યશવંત મહેતા કહે છે તેમ ‘કિરીટ ગોસ્વામી ગુજરાતી ભાષાના પાંચ શ્રેષ્ઠ બાળગીતકારોમાં એક છે’
કિશોરવયમાં કવિ મીનપિયાસી અને યુવાનવયે રમેશ પારેખની શાબ્બાશી મેળવીને બાળગીતની કેડી પર ડગલાં માંડનાર કિરીટ ગોસ્વામીએ ગુજરાતી બાળકોને ગમે તેવાં અઢળક બાળગીતો રચ્યાં છે. બાળકો સાથે સતત ગીતો અને વાર્તાઓ લઇને ગુજરાતભરમાં ફરવું એ એમની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે.બાળસાહિત્ય અને બાળકો માટે સાતે કામ પડતાં મૂકીને, સમયનું ભાન ભૂલીને બસ બાળગીતોમાં તલ્લીન થઇ જનાર આ કવિએ નવી સદીનાં બાળકોની સંવેદના, તેમના સર્જનમાં આબાદ ઝીલી બતાવી છે.આધુનિક બાળકોને જે અતિપ્રિય છે; એ મોબાઇલ, કમ્પ્યૂટર, લેપટોપ, ઇન્ટરનેટ કે પછી બાળકની ભણતરની મુશ્કેલીઓ કે માવતરની ઘેલછા તળે રીબાતાં બાળકની પીડા અને પરિસ્થિતિ આ બધું એમણે ગીતો અને વાર્તાઓમાં સરસ રીતે ઝીલી બતાવેલ છે.કયાંય બોધનો ભાર નહીં.છતાંય ઘણું બધું કહી જતાં એમનાં બાળગીત બિલકુલ સરળ અને બાળભોગ્ય છે.આકર્ષક લય અને આંતરિક સંગીત એ એમનાં ગીતોની ખાસિયત છે.બાળકોની બોલીના શબ્દોનો સમુચિત પ્રયોગ એ એમની રચનાઓની લાક્ષણિકતા છે.