કારણ કે સત્તાના નશાથી છકી ગયેલો માણસ જ્યાં સુધી પડે નહીં ત્યાં સુધી જાગતો નથી
કથામૃત: 12મી સદીની આ વાત છે. ઇંગ્લેન્ડ પર કેન્યુટ નામનો એક રાજા શાસન કરતો હતો. રાજાની નજીક રહેનારા દરબારીઓ અને સેવકો હંમેશા રાજાના વખાણ કરતા. ખુશામત કરીને રાજાની પ્રસન્નતા મેળવવા માટે બધાં જુદી જુદી વાતો કરતા. એક દિવસ એક દરબારીએ રાજાના વખાણ કરતા કહ્યું, આપ દુનિયાના સૌથી શક્તિશાળી રાજા છો. આ જગતમાં કોઈ એવું નથી, જે તમારા આપેલા આદેશનો અનાદર કરી શકે. રાજા વિચારશીલ અને સમજુ હતો. અધિકારીઓ અને સેવકોની ખોટી વાહવાહ એમને બિલકુલ પસંદ નહોતી. વખાણ કરનારાઓને જડબાતોડ જવાબ આપવાનું રાજા કેન્યુટે નક્કી કર્યું. થોડા દિવસ પછી પૂનમ આવી રહી હતી.
- Advertisement -
પૂનમના દિવસે જ રાજા કેન્યુટે સમુદ્રકિનારે પોતાના દરબારીઓ માટે એક ખાસ કાર્યક્રમ આયોજિત કર્યો. રાજાએ સેવકોને આજ્ઞા કરી કે મારું સિંહાસન સમુદ્રના પાણીથી નજીક રાખવામાં આવે. રાજા આવીને પોતાના સિંહાસન પર ગોઠવાયા અને આજુબાજુ હજુરીયાઓ ગોઠવાઇ ગયા. ભરતીનો સમય હોવાથી પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું. રાજાએ પોતાના એક દરબારીને કહ્યું, તમે જ એવું કહેતા હતાને કે જગતમાં કોઈ મારા આદેશનો અનાદર ન કરી શકે ? અધિકારીએ ઊભા થઈને રાજાને સલામ ભરી અને કહ્યું, જી મહારાજ, આ દુનિયામાં એવું કોઈ નથી જે આપની આજ્ઞા માનવાનો ઇનકાર કરી શકે. રાજાએ સમુદ્રના મોજાં સામે જોઇને કહ્યું, હું ઇંગ્લેન્ડનો મહારાજા કેન્યુટ, તને આદેશ આપુ છું કે તું હવે બિલકુલ આગળ નહીં વધતું.
રાજા હજુ કંઇ આગળ બોલે એ પહેલા તો મોજું રાજાના પગ સુધી પહોંચી ગયું અને રાજાના પગ પર રેતીનો ઢગલો કરીને જતું રહ્યું. રાજાએ ગુસ્સે થઈને કહ્યું, તને મારી વાત સંભળાતી નથી. જો હવે આગળ વધીશ તો હું તને મારી સત્તાનો પરચો બતાવીશ. થોડીવારમાં બીજું વિશાળ મોજું આવ્યું અને રાજાને સિંહાસન સાથે દૂર ફંગોળી દીધો. રાજાના માથા પરથી મુગટ નીચે પડી ગયો. રાજાએ પોતાના અધિકારીઓની સામે જોઇને કહ્યું, મહેરબાની કરીને મારી ખોટી પ્રશંસા કરવાનું બંધ કરો. તમે વાતો કરો છો એવી કોઈ જાદુઇ સત્તા મારી પાસે નથી. મારા કરતા પણ એક મોટો રાજા છે અને આ સમુદ્ર એના કહ્યા મુજબ જ કામ કરે છે. મારા વખાણ કરવાનું ઓછું કરીને આ સમુદ્ર સહિતના સમગ્ર બ્રહ્માંડને પોતાના વશમાં રાખનાર સૌથી મોટા રાજાના વખાણ કરવાના શરૂ કરો. રાજા કેન્યુટે આ ઘટના પછી મુગટ ઉતારીને એક બાજુ મૂકી દીધો અને એમણે ફરી ક્યારેય પોતાના મસ્તક પર મુગટ પહેર્યો નહીં; જેથી હંમેશા યાદ રહે કે, મારા કરતા પણ કોઈ મોટો રાજા છે.
બોધામૃત:
- Advertisement -
ખૂબ મહેનત કરીએ, ખૂબ આગળ વધીએ; પણ હંમેશા યાદ રાખીએ કે આજુબાજુના ખુશામત કરનારા લોકો આપણને એ ન ભૂલાવી દે કે આપણા કરતા પણ બીજો એક મોટો રાજા છે.