અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસેના બિમાનગર નજીક બનેલો બનાવ
જાહેર માર્ગ પર 2 કાર વચ્ચે રેસ લાગી હતી, જેમાં ચાલકે કાબૂ ગુમાવતા કાર ફૂટપાથ પર ચડી ગઇ.
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસેના બિમાનગર નજીક એક બેફામ કારચાલકે ફુટપાથ પર સુતેલા લોકોને કચડી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. શ્રમિકો ઝુંપડા પાસે ફૂટપાથ પર સુતા હતાં એ જ સમયે આવેલી બેફામ કારે સુતેલા લોકોને કચડી નાખ્યા હતાં.
આ અકસ્માતમાં ઘાયલ અને મૃક આદિવાસી સમાજના હતાં. તેઓ છૂટક મજૂરી કરતા હતાં. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે.
- Advertisement -
આ ઘટનાની મળતી માહિતી મુજબ શહેરના શિવરંજની નજીક આવેલા બીમાનગર પાસે ફૂટપાથ પર બાંધેલા ઝુંપડામાં સોમવારે ગત મોડી રાત્રે લોકો સૂઈ રહ્યાં હતાં. એવામાં ત્યાં જાહેર માર્ગ પર 2 કાર વચ્ચે રેસ લાગી હતી. આ કારમાં કુલ 4 લોકો સવાર હતાં.
જો કે, એકાએક ડ્રાઈવરે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા મોડી રાત્રે કાળ બનીને આવેલી હ્યુન્ડાઇ E20 કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી. જેથી આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં કે જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યારે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કારે મહિલાને કચડી મારતાં તે મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત 3 લોકો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનામાં સામેલ અજાણ્યાં શખ્સો કોણ હતાં તેઓને શોધવા માટેની પોલીસ દ્વારા હાલમાં કવાયત હાથ ધરવામાં આવી છે.