ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.30
વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે કલેક્ટર કચેરીને અડીને આવેલા સ્ટેશન ખાતે ભારતીય તટરક્ષક દળના જવાનોને રહેવા માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ મળે તે માટે 60 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વ્યાયામ અને રમતગમત માટેની સુવિધાઓ, વોલિબોલ અને પરેડ ગ્રાઉન્ડ સાથે સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ સાથે મેસની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના કામના સ્થળે મળી રહે. આ ઉપરાંત આ સ્ટેશન ખાતે 75 બાય 75 મીટરનું હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે. રક્ષાસચિવ ગિરધીર અરમનેએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ગુજરાત 1600 કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને મજબૂત બનાવવું એ આજના સમયની માંગ છે.આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું કે, સમય સાથે ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે ત્યારે તટરક્ષક દળને સમયાનુકૂળ રીતે અદ્યતન કરવામાં આવી રહી છે.