ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા વર્ષ 2023થી જલજીવન સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એસ્પરન્ટ્સ (0 થી 25 ટકા નળ જોડાણ કવરેજ) પરફોર્મર્સ (25 થી 50 ટકા નળ જોડાણ કવરેજ) એચિવર્સ (50થી 75 ટકા નળ જોડાણ કવરેજ) હાઇ એચિવર્સ (75થી 100 ટકા નળ જોડાણ કવરેજ) ફ્રન્ટ રનર્સ (100 ટકા નળ જોડાણ કવરેજ) સહિત અલગ અલગ પાંચ કેટેગરીમાં સર્વે કરાયો હતો.
જિલ્લા કલેક્ટર કે. ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લો ફ્રન્ટ રનર્સ કેટેગરીમાં નોમિનેશન થયો હતી. તમામ કેટેગરીમાં છ જુદા જુદા ઇન્ડીકેટર્સ આપવામા આવ્યા છે. જેમાં 50 માર્કસ કુલ ગામો પૈકી હર ઘર જલ સર્ટીફીકેટ માટે, 10 માર્કસ ઘરે ઘરે થતા સેમ્પલ ટેસ્ટિંગ, 10 માર્કસ પાણીના સોર્સના સેમ્પલ ટેસ્ટિંગ, 10 માર્કસ ગ્રામ્ય લેવલે મહિલાઓને આપવામાં આવતી ટ્રેનિંગ, 10 માર્કસ જલજીવન મિશન સ્કિમ ગ્રામ્ય પાણી સમિતિ અથવા ગ્રામ પંચાયતને સુપ્રત કરવા માટે અને 10 માર્કસ ગ્રામ્ય લેવલે તાલીમ આપવા માટે એમ કુલ 100 માર્કસ આપવામાં આવ્યા હતા. આ સિવાય ગામોને દૈનિક પાણી પુરવઠો આપવામાં આવતો હોય છે. તમામ બાબતો ધ્યાને લઇ 01-10-2022થી 30-09-2023ના સમયગાળા દરમિયાન ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા ફ્રન્ટ રનર્સ કેટેગરીમાં કુલ 114 જિલ્લા પૈકી ગુજરાત રાજ્યના 20 જિલ્લાને નોમિનેશન મળવા પામ્યો છે. જેમાં પ્રથમ પાંચ જિલ્લાને સન્માનિત કરતા પોરબંદર જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ચોથો ક્રમાંક આવતા ભારત સરકાર દ્વારા ફેલિસિટેશન સર્ટિફીકેટ આપવામા
આવ્યું છે.
- Advertisement -
આ તકે કલેકટર કે. ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને રાખેલી જિલ્લા સંકલન સમિતિની મીટિંગ દરમિયાન પોરબંદર પાણી પુરવઠા તેમજ વાસ્મો વિભાગના અધિકારીઓ એમ. એસ. દામા, આર. એલ. ચાવડા તથા તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવી કલેકટરના વરદ હસ્તે સન્માનીત કરવામા આવ્યા હતા.