હાર સ્વીકારી લેશો તો હારી જશો, જીત માટેનો આત્મવિશ્ર્વાસ હશે તો જીતી જ જશો
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ હોવા છતાં ઓમ પંડ્યાની ઊંચી ઉડાન, અસાધ્ય રોગને પણ હંફાવી સફળતાની હરણફાળ ભરી
- Advertisement -
ઓમ બન્યો અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત, અશક્ય કશું જ નથી જો આત્મવિશ્વાસ હોય ભરપૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
અસાધ્ય મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (DMD) રોગ હોવા છતાં રાજકોટનો પંડ્યા ઓમ ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ એવો અસાધ્ય રોગ છે જેની દવા વિશ્વભરમાં નથી. આવા રોગગ્રસ્ત બાળક 7 વર્ષ સુધી સામાન્ય બાળકની જેમ જ રહે છે, હાલી – ચાલી – દોડી શકે છે પરંતુ 7 વર્ષ બાદ શરીરની માંસપેશીઓ નબળી પાડવા લાગે છે અને 12 વર્ષની ઉંમરે બાળક પથારીવશ થઈ જાય છે, પોતાની મેળે કઈ કરી શકતા નથી. ધીમેધીમે તેના શરીરના તમામ અંગો કાર્યરત ન રહેતા જકળાઈ જાય છે. ગુજરાતમાં આવા બાળકો માટે અમદાવાદમા પોલિયો ફાઉન્ડેશન કાર્યરત છે. ગુજરાતનાં આવા પ્રકારનો રોગ ધરાવતા 700 બાળકો નોંધાયેલા છે. રાજકોટનો પંડ્યા ઓમ મનીષભાઈને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવો અસાધ્ય રોગ હોય અને સંપૂર્ણ પથારીવશ હોય છતાં હિમ્મત રાખી બોર્ડની પરીક્ષા માટે પોતાની આંતરસૂઝ અને હકારાત્મક અભિગમથી તૈયારી કરી પરીક્ષા આપી રહ્યો છે.
- Advertisement -
અન્ય અભ્યાસ કરતાં બાળકો માટે પણ ઓમ શ્રેષ્ઠ ઉદાહરણરૂપ બન્યો છે. માતા – પિતા માનસીબેન પંડયા અને ડો. મનીષભાઈ પંડ્યાએ પોતાના બાળક ઓમને પ્રેરણા અને હિમ્મત આપી ધોરણ 12ની પરીક્ષા આપવા તૈયાર કર્યો છે. આજના સમયમાં હતાશાથી પીડાતા અને આત્મહત્યા સુધીનું પગલું ભરી લેતા વિદ્યાર્થી માટે પંડ્યા ઓમએ પ્રેરણા આપી છે કે, ગમે તેવી અસાધ્ય બીમારી હોય પણ જો આત્મા વિશ્વાસ અને કરી છૂટવાનો જુસ્સો હોય તો બધુ શક્ય છે. ઓમનો જીવન મંત્ર છે કે કાયમ ખુશ રહેવું, હકારાત્મક અભિગમ રાખવો અને મન પર સંયમ રાખવો. નબળા લાગતાં વિષયને સતત દ્રઢીકરણથી તૈયાર કરવા.
હાલ ઓમ ધો. 12 બોર્ડની પરીક્ષા અમથીબા વિદ્યાલયમાંથી આપે છે
ઓમ જે શાળામાં જે શાળામાં પરીક્ષા આપી રહ્યો છે તે શાળાના સ્થળ સંચાલક અજીતભાઇ પટેલ આવા ડિસેબલ બાળકો માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમણે ઓમ માટે બેસવાની અલગ વ્યવસ્થા કરી આપી છે. અહીં શાળાના શિક્ષકો પણ ખૂબ પ્રેમાળ છે, તેઓ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહ્યા છે. તેમના રાઇટર તરીકે ધોરણ 11માં અભ્યાસ કરતી મકવાણા પલ્લવી ખૂબ ખુશ છે કે તે ઓમને પેપર લખી દેવામાં મદદરૂપ બની રહી છે.