રાજકોટ-ચોટીલા વચ્ચે આવેલ બોરિયાનેસની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અપાતું પ્રેરણાદાયી ઉત્કૃષ્ટ શિક્ષણ નિહાળી આનંદ થયો: રાજુભાઇ ધ્રુવ
બોરીયાનેસ શાળાના નિષ્ઠાવાન શિક્ષકો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે: રાજુભાઇ ધ્રુવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
શિક્ષણ એ ભારત દેશના ભાવિના ઘડતરનો પાયો ગણાય છે. દેશના સર્વોચ્ચ પદે બિરાજમાન મહાનુભાવોનો ભૂતકાળ તપાસીએ તો માલૂમ પડે કે મોટાભાગના શ્રેષ્ઠીઓ સરકારી શાળાઓમાં ભણીને સર્વોત્તમ સિદ્ધિ હાંસલ કરી.
આજના બદલાતા જતાં સમયની સાથે સાથે શિક્ષણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે અને ખાનગી શાળાઓ તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓનો વધુ ઝોક જોવા મળી રહ્યો છે. પોતાના સંતાનને ખાનગી શાળામાં એડમિશન લેવાના દેખાદેખીના આજના સમયમાં કેટલીક સરકારી શાળા એવી પણ હોય છે જે આવી ખાનગી સ્કૂલોથી અનેક ગણું ચડિયાતું શિક્ષણ આપીને સંસ્કારની જ્યોત જગાવતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના એવા બોરીયાનેસ ગામની શાળા પણ આવી જ છે જે બાળકોને પાયાથી સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપે છે.
બોરીયાનેસ મહદઅંશે દેવીપુજકની વસ્તી ધરાવતું ખોબા જેવડું ગામ છે પરંતુ ત્યાંની પ્રાથમિક શાળામાં આધુનિક દુનિયાની સાથે તાલ મિલાવતુ ઉચ્ચ ગુણવતાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે.
આ ગામમાં રહેતા શિક્ષણથી વંચિત દેવીપુજક પરિવારો આમ તો મજૂરી કરીને પેટીયુ રળતા હોય છે અને મજૂરી અર્થે પોતાના કાળજાના ટુકડા સમાન બાળકોને શાળા અને શિક્ષકોના ભરોસે છોડી દૂર દૂર અન્ય જિલ્લાઓમાં પેટિયું રળવા જતાં હોય છે.
સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે તાજેતરમાં આ શાળાની મુલાકાત લીધી ત્યારે તેમણે જે જોયું તે સારી-સારી ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવું હતું.
- Advertisement -
શાળાની મુલાકાત લેતા જોવા અને જાણવા મળ્યું કે બાળકોમાં ખૂબ નિયમિતતા જોવા મળી હતી. શિક્ષકોના આચાર્યના સઘન અને સખત પ્રયત્નોથી સારું શિસ્ત જોવા મળ્યું. અહીંના બાળકો ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા પછી રાજ્ય સ્તરે રમવા જવાના છે.
અહીંના બાળકોએ ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.ગુજરાત સરકારની જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિની પરીક્ષામાં નાનકડા ગામની ત્રણ દીકરીઓએ મેરીટમાં આવી અને શાળાનું ગૌરવ વધાર્યુ છે.
બાળકોને વિવિધ પ્રવૃત્તિ જેવી કે અંગ્રેજી સુધરે માટે સ્પેલિંગ સ્પર્ધા, ગુજરાતી માટે કાવ્ય સ્પર્ધા, વ્યાકરણ સ્પર્ધા, તેની આંતરિક સર્જનાત્મક શક્તિ વધે તે માટે ક્રાફ્ટ શીખવું, હેન્ડમેડ બુકે બનાવતા શીખવું, ઈતર પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની ક્રિએટિવિટી માં વધારો કરવો વગેરે આવડા નાનકડા ગામની નાનકડી શાળામાં આવી બધી જ પ્રવૃત્તિઓ થાય છે. જેના દ્વારા બાળકોનો આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
રાજુભાઈ ધ્રુવના જણાવ્યા અનુસાર અત્યારે શાળાની હાજરી 90% સુધીની છે શાળાના શિક્ષકો બાળકોને અઠવાડિક કસોટી લેવાય
તેમાં ઉચ્ચ ગુણ આવે માટે નાની નાની પ્રોત્સાહન ભેટ આપે છે. જેથી કરી બાળકો વધુ ને વધુ ગુણ લેવા પ્રેરાય. આવું તો કંઈક અવનવું શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.
વધુમાં રાજુ ધ્રુવે કહ્યું કે ખૂબ ખંતીલા મહેનતુ દ્રઢ નિશ્ર્ચયી આત્મવિશ્ર્વાસવાળા ક્રિએટિવ માઈન્ડવાળા ઇનોવેટિવ શિક્ષકો આ શાળામાં કાર્યરત છે સાથે આચાર્ય પણ ખૂબ જ શ્રેષ્ઠ અને ઉત્સાહ થી કાર્ય કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય ના સંકલ્પ ને ઉચ્ચ ગુણવતા વાળા શિક્ષણ દ્વારા સાકાર કરવા સખત જહેમત ઉઠાવી રહ્યા છે અને આ દરિદ્રનારાયણ બાળકો ને ભણાવવાના પવિત્ર શિક્ષા-સંસ્કાર કાર્ય માં ધ્યાનમગ્ન કયારેક તો શિક્ષકો ઘરે થી લાવેલા ભોજન માટેના ટિફિન પણ ખોલ્યા વગરના ઘરે પરત લઇ જાય છે. આ શાળામાં આચાર્ય તરીકે રમેશભાઈ બડમલિયા તેમજ શિક્ષક પરિવારમાં નિશાબેન ભટ્ટ, ધારાબેન કાલરિયા, અરવિંદભાઈ રાઠોડ, કાજલબેન ડાભી,ધ્વનીબેન મકવાણા, ધારાબેન દંગી વગેરેનો સમાવેશ થાય છે.
સમગ્ર ચોટીલા તાલુકામાં શિક્ષણકાર્ય સાથે જોડાયેલા સૌ કોઈને દાખલરૂપ આદર્શ શિક્ષક રમેશભાઈ બડમલિયા આચાર્ય છે કે જે શિક્ષકો -બાળકોને શાળા કક્ષાએ બિરદાવી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે. આવા ઉત્કૃષ્ટ અને સંકલ્પબદ્ધ પ્રયાસોને કારણે આવનાર સમય જ બતાવશે કે યોગ્ય માર્ગદર્શન મળે તો બાળકો શિક્ષણમાં શ્રેષ્ઠ કક્ષા સુધી પહોંચી શકે છે તે ઉત્તમ ઉદાહરણ કે દાખલો બાળકો અને શિક્ષકો સમાજને આપી રહ્યા છે. આગામી સમય જ બતાવશે કે અંતરિયાળ ગામના બાળકો પણ શિક્ષકોનાં સચોટ માર્ગદર્શન સાથે શ્રેષ્ઠ શિક્ષણથી જીવનમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી શકે છે તેમ રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.