શહેરી સહકારી બેંકો માટે ઈતિહાસનો એક નવો અધ્યાય આલેખાયો
ખાસ-ખબર સંવાદદાતા
નેશનલ અર્બન કો-ઓપરેટિવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ( NUCFDC) નામકરણ પામેલી આ સંસ્થાના પ્રથમ ચેરમેન આપણા પોતાના જ્યોતીન્દ્રમામા તરીકે ખ્યાતનામ સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઈ મહેતા છે. તેઓ વરસોથી આ વિચારને સાકાર કરવા રિઝર્વ બેંક અને કેન્દ્રીય સહકારિતા મંત્રાલય સાથે રાષ્ટ્રીય સંગઠન નાફકબના માધ્યમથી સતત સંપર્કમાં હતા. આ સંસ્થાને સ્વતંત્ર NBFC નો દરજ્જો મળ્યો છે.
- Advertisement -
આ છત્ર-સંસ્થા NUCFDC સહકારી બેંકો માટે હર મોસમમાં ઉપયોગી છત્રીની ગરજ સારશે. દેશભરની કુલ 1500થી વધુ સહકારી બેંકોમાં કેટલીયે નાની બેંકો છે, જેને મોંઘી ટેકનોલોજીનો ખર્ચ પોસાઈ ન શકવાથી તેઓ અન્ય બેંકો સાથે સ્પર્ધામાં ઊભી રહી શકતી નથી. એવી બેંકોને અને અન્ય મોટી બેંકોને પણ ટેકનોલોજી સહિયારી ખરીદી થકી બલ્ક બાર્ગેનિંગને કારણે અન્યો કરતાં ઓછા દરે ટેકનોલોજી તેમ જ અન્ય સુવિધાઓ મળી શકશે. ટેકનોલોજીમાં અદ્યતનીકરણ અપનાવી રાષ્ટ્રીયકૃત તથા ખાનગી ક્ષેત્રની બેંકોને સીધી સ્પર્ધા પૂરી પાડશે.
શુભારંભ સમારોહમાં મંત્રી અમિતભાઈએ પણ એ આશાવાદ વ્યક્ત કર્યો કે સહકારી બેંકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમ્બ્રેલા સંસ્થા ગેમ-ચેન્જર (રમતના નિયમો બદલનાર) સાબિત થશે. તેમણે જણાવ્યું કે આ સંસ્થા નાની સહકારી બેંકો માટે સુરક્ષા કવચ બની રહેશે, અત્યારથી જ NUCFDCને રૂ. 120 કરોડ જેવી શેર કેપિટલ મળી ચૂકી છે. જ્યોતીન્દ્રમામાનું કહેવું છે કે હવે સહકારી બેંકો ટીસીએસ અને ઇન્ફોસિસજેવી કંપનીનો સોફ્ટવેર ઉપયોગ કરી શકશે. જ્યોતીન્દ્રમામાને તથા તેમના નેતૃત્વ હેઠળ NUCFDC ના પ્રાગટ્ય ટાણે ઝાઝી કરીને શુભકામનાઓ પાઠવી હતી.